Nagaland, Tripura, Meghalaya Vidhan Sabha Election 2023 Date : ચૂંટણી પંચે ઉત્તર-પૂર્વના ત્રણ રાજ્ય ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. આ ત્રણેય રાજ્યોના પરિણામની જાહેરાત 2 માર્ચના રોજ કરવામાં આવશે.
ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે આ ત્રણેય રાજ્યમાં 60-60 વિધાનસભા સીટો છે. ત્રણ રાજયોમાં કુલ વોટર્સની સંખ્યા 62.8 લાખ છે. જેમાં મહિલા મતદાતાઓની સંખ્યા 31.47 લાખ છે. ત્રણેય રાજ્યોમાં પ્રથમ વખત વોટ આપનાર વોટર્સની સંખ્યા 1.76 લાખ છે. જ્યારે 80+ મતદાતાઓની સંખ્યા 97 હજાર છે.
પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી
આ ત્રણ રાજ્યો સિવાય ચૂંટણી પંચે અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, તમિલનાડુની 1-1 સીટ પર અને મહારાષ્ટ્ર રાજ્યની બે વિધાનસભા સીટો પર પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. આ બધી સીટો પર 27 ફેબ્રુઆરીએ પેટા ચૂંટણી થશે.
આ પણ વાંચો – શું ભાજપની નૈયા પાર લગાવશે જેપી નડ્ડા? એક વર્ષનો સમય અને સામે છે 10 મોટા પડકારો
મેઘાલય વિધાનસભા ચૂંટણી 2018 (Meghalaya Assembly Election 2018)
મેઘાલયમાં 2018માં 60 સીટો પર થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 21 સીટો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. જોકે તેને પૂર્ણ બહુમતી મળી ન હતી. રાજ્યમાં ભાજપે અન્ય દળો સાથે મળીને 34 ધારાસભ્યોના સમર્થન સાથે સરકાર બનાવી હતી. NPPના કોનરાડ સંગમા રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. NPPને 19 અને ભાજપને 2 સીટો મળી હતી.
ત્રિપુરા વિધાનસભા ચૂંટણી 2018 (Tripura Assembly Election 2018)
ત્રિપુરામાં ભાજપે ડાબેરીઓના લાંબા સમયથી ચાલી રહેલા શાસનને ખતમ કરીને પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી હતી. ભાજપને 60માંથી 36 સીટો પર જીત મળી હતી. સીપીઆઈ-એમ ને ફક્ત 16 સીટો મળી હતી. IPFTને 8 સીટો મળી હતી. આ વર્ષે ચૂંટણીમાં ડાબેરીઓ અને કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડે તેવી સંભાવના છે.
નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી 2018 (Nagaland Assembly Election 2018)
નાગાલેન્ડમાં પણ એનડીએ સરકાર છે. 2018માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સર્મથનવાળી NDPPએ સરકાર બનાવી હતી. ચૂંટણીમાં NPFને 26 સીટો મળી હતી. જ્યારે એનડીપીપીને 18 અને ભાજપને 12 સીટો મળી હતી. ચૂંટણી પછી એનડીપીપીના નેફ્યૂ રિયોએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.