Assembly Elections 2023 Updates : પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. એક્ઝિટ પોલ પ્રમાણે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. આ સાથે જ તેલંગાણામાં પણ કોંગ્રેસ પાર્ટી બહુમતની નજીક પહોંચી રહી હોય તેવું લાગી રહ્યું છે.
જ્યારે પણ રસપ્રદ મુકાબલો થાય છે ત્યારે રિસોર્ટ પોલિટિક્સને લઈને ઘણી ચર્ચા થતી હોય છે. વિરોધ પક્ષોનો આરોપ છે કે ભાજપ નજીકના મુકાબલામાં પોતાના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરે છે. જોકે છેલ્લી ઘણી ચૂંટણીઓથી કોંગ્રેસ પહેલાથી જ તૈયારી કરી રહી છે. આ દરમિયાન કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે કોંગ્રેસના ધારાસભ્યો વિશે મોટુ નિવેદન આપ્યુ છે.
ડીકે શિવકુમારે કહ્યું છે કે જો પાર્ટી હાઈકમાન્ડ આદેશ આપે તો તેઓ 5 રાજ્યોના ધારાસભ્યોને સંભાળવા માટે તૈયાર છે. આજ તક સાથે વાત કરતા ડીકે શિવકુમારે શુક્રવારે કહ્યું હતું કે જો પાર્ટી દ્વારા નિર્દેશ આપવામાં આવે તો તેઓ પાંચ રાજ્યોના ધારાસભ્યોને સંભાળવા માટે તૈયાર છે.
આ પણ વાંચો – એક્ઝિટ પોલ : રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં ભાજપને લીડ, છત્તીસગઢમાં કોંગ્રેસ આગળ
શું કહે છે એક્ઝિટ પોલ્સ?
એક્ઝિટ પોલ મુજબ રાજસ્થાનમાં ભાજપને 80થી 100, કોંગ્રેસને 86થી 106 બેઠકો મળી શકે છે. ઈન્ડિયા ટીવી સીએનએક્સના સર્વે મુજબ ભાજપને 80થી 90, કોંગ્રેસને 94થી 104 સીટ મળી શકે છે. જન કી બાતના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 100થી 122 અને કોંગ્રેસને 62થી 85 સીટો મળી શકે છે.
જ્યારે મધ્ય પ્રદેશમાં દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને 95-115 બેઠકો જીતવાની શક્યતા છે, જ્યારે કોંગ્રેસને 105-120 બેઠકો મળવાની શક્યતા છે. જન કી બાત મુજબ એમપીમાં ભાજપ 100થી 122, કોંગ્રેસ 102થી 125 સીટો જીતી શકે છે.
તેલંગાણામાં ઇન્ડિયા ટીવી-સીએનએક્સના એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને સૌથી વધુ 63-79 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે બીઆરએસને 31-47 બેઠકો મળવાની સંભાવના છે. ભાજપ 2-4, એઆઇએમઆઇએમ 5-7 અને અન્ય 0-4 બેઠકો પર આગળ છે.