Assembly Elections Results 2023 : ચાર રાજ્યોના ચૂંટણી પરિણામ જાહેર થયા બાદથી જ ‘મહિલા ફેક્ટર’ને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. રાજકીય પક્ષોથી લઈને વિશ્લેષકો સુધી મહિલા મતદારોના મહત્વને રેખાંકિત કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ચૂંટણી દરમિયાન મહિલાઓની યોજનાઓ કેન્દ્રમાં રહી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તમામ પાર્ટીઓએ અલગ-અલગ યોજનાઓ દ્વારા મહિલાઓને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. એ યોજનાઓના આધારે હવે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને બહુમતી મળી છે. તેલંગાણામાં કોંગ્રેસની જીત થઈ છે.
રવિવારે સાંજે પીએમ મોદીએ પોતાના આભાર ભાષણમાં કહ્યું હતું કે હું મહિલાઓને ખાતરી આપવા માંગુ છું કે તેમને આપેલા તમામ વચનો 100 ટકા પૂરા કરવામાં આવશે, આ મોદીની ગેરંટી છે.
મહિલાઓને સામાન્ય રીતે કલ્યાણકારી યોજનાઓના લાભાર્થી તરીકે જોવામાં આવે છે. તેના સિવાય તેમને જોવાનો થોડો ઓછો પ્રયત્ન થયો છે. જે વર્ષમાં મહિલા અનામત બિલ પર ભારે ભાર મૂકવામાં આવ્યો હતો તે વર્ષનાં મહિલાઓની ચૂંટણીમાં ભાગીદારીમાં કોઈ વધારો જોવા મળ્યો? આ વખતે કેટલા મહિલા ઉમેદવારો જીત્યા છે?
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલોના વિશ્લેષણ અનુસાર કોઈ પણ મોટા રાજકીય પક્ષે મતદાનવાળા રાજ્યોમાં 33% મહિલાઓને ટિકિટ આપી નથી. ચાર રાજ્યો – રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો (ભાજપ અને કોંગ્રેસ)એ 148 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.
રાજસ્થાનની સ્થિતિ
રાજસ્થાનમાં વિધાનસભાની 200 બેઠકો છે. 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. ભાજપે 115 બેઠકો જીતી છે. રાજસ્થાનમાં ભાજપની ટિકિટ પર માત્ર નવ મહિલા ધારાસભ્યો ચૂંટાયા છે. આમાંથી બે નામ મહત્વના છે. પહેલું નામ પૂર્વ સીએમ વસુંધરા રાજેનું છે, જેમણે ઝાલરાપાટનથી જીત મેળવી છે. બીજું નામ દિયા કુમારી છે, જે વિદ્યાધર નગરથી જીત્યા છે. તેઓ ભાજપના સાંસદ પણ છે. તેમણે 14 દિવસમાં નક્કી કરવું પડશે છે કે તેઓ સાંસદ રહેશે કે ધારાસભ્ય.
આ પણ વાંચો – અમિત શાહની 40 લાખવાળી રણનીતિ, 42000 WhatsApp ગ્રુપ, મધ્ય પ્રદેશમાં ભાજપની જીતમાં આવો હતો પ્લાન
વસુંધરા રાજે અને દિયા કુમારી બંનેએ મોટા માર્જિનથી જીત મેળવી છે. નોંધનીય છે કે રાજ્યનો સૌથી પ્રમુખ ચહેરો હોવા છતાં ચૂંટણી દરમિયાન રાજેને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા હતા, પરંતુ આ કારણે તેમની સીટ પર કોઇ અસર થઇ ન હતી. સાંસદ દિયા કુમારી પેરાશૂટના ઉમેદવાર હતા. તેમને પાર્ટીએ તે વિદ્યાધર નગરથી મેદાનમાં ઉતાર્યા હતા, જે ભાજપના નેતા નરપત સિંહ રાજવીનો મતવિસ્તાર માનવામાં આવે છે. પરંતુ કુમારીએ મજબૂતીથી ચૂંટણી લડી અને જીત મેળવી હતી.
રાજસ્થાનમાં કોંગ્રેસનો પરાજય થયો છે, પરંતુ જીતેલા 69 ઉમેદવારોમાંથી નવ મહિલા નેતા છે. કોંગ્રેસ માટે ખાસ ફેરફાર થયો નથી, કારણ કે 2018માં મહિલા દાવેદારો 13.1 ટકા હતી, જે 2023માં વધીને 14.1 ટકા થઈ ગઈ છે.
બે મહિલા અપક્ષ ઉમેદવારો – ડો.રિતુ બાનાવત અને ડો.રિતુ ચૌધરીએ પણ તેમની બેઠકો જીતી લીધી છે. આ વખતે વિધાનસભામાં માત્ર 10 ટકા મહિલા જોવા મળશે, જ્યારે અગાઉના સદનમાં આ આંકડો 12 ટકા હતો. આ વખતે રાજસ્થાનમાં કુલ 20 મહિલાઓ ધારાસભ્ય બન્યા છે.. 2018માં 24 મહિલાઓ ધારાસભ્ય બન્યા હતા. તે 24માંથી 12 કોંગ્રેસના અને 10 ભાજપના હતા. આ ઉપરાંત એક આરએલપી અને એક અપક્ષ પણ જીત્યા હતા.
મધ્ય પ્રદેશમાં કેટલી ‘લાડલી’
મધ્ય પ્રદેશના 230 ધારાસભ્યોમાંથી 27 મહિલાઓ છે. મહિલા મતદારોને આકર્ષવા માટે મધ્ય પ્રદેશ ભાજપ ‘લાડલી બેહના યોજના’ લઈને આવ્યું હતું. રાજ્યમાં ભાજપે મહિલાઓ માટે કલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂક્યો છે, પરંતુ આવી પહેલ ચૂંટણી ક્ષેત્રે જોવા મળી નથી. ભાજપના નવા ચૂંટાયેલા 163 ધારાસભ્યોમાંથી 21 મહિલાઓ છે.જેમાં હટ્ટાથી ઉમાદેવી લાલચંદ ખટીક અને મંડલાથી સંપતિયા ઉઇકે શામેલ છે. બંને એક લાખથી વધુ મતોથી જીત્યા છે.
કોંગ્રેસના 65 ઉમેદવારોમાંથી માત્ર પાંચ જ મહિલા છે. મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કુલ 2534 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી માત્ર 253 મહિલાઓ હતી. 2018ની સરખામણીએ આ વખતે મહિલા ઉમેદવારોની સંખ્યા થોડી વધારે હતી. ગત વિધાનસભાની ચૂંટણીમાં 235 મહિલા ઉમેદવારો મેદાનમાં હતા. આ વખતે ભાજપે 28 અને કોંગ્રેસે 30 મહિલાઓને મેદાનમાં ઉતારી હતી. 2018માં આ સંખ્યા અનુક્રમે 24 અને 27 હતી.
છત્તીસગઢમાં સૌથી વધુ મહિલા ધારાસભ્યો
છત્તીસગઢના 90 ધારાસભ્યોમાંથી 19 મહિલાઓ છે. છત્તીસગઢમાં ભાજપના 54 જીતેલા ઉમેદવારોમાંથી 11 મહિલા છે. કોંગ્રેસની કુલ 11 મહિલા ઉમેદવારોનો વિજય થયો છે, આ તેના 35 વિજેતા ઉમેદવારોમાંથી લગભગ ત્રીજા ભાગની છે. વિદાય લઈ રહેલા ગૃહમાં 18 ટકા ધારાસભ્યો મહિલાઓ હતી. આ વખતે કુલ ધારાસભ્યોમાં 21.1 ટકા મહિલાઓ છે.
છત્તીસગઢ એક એવું રાજ્ય છે જ્યાં પ્રથમ ચૂંટણી બાદથી જ મહિલા ઉમેદવારો અને મહિલા ધારાસભ્યોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. 2003માં ચૂંટાયેલી માત્ર પાંચ મહિલાઓથી માંડીને 2018માં ચૂંટાયેલી 16 મહિલાઓ રાજ્યમાં મહિલા ધારાસભ્યોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.