SCO Summit : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એકવાર પાકિસ્તાન પર પ્રહાર કર્યો છે . એસસીઓ સમિટ બાદ મીડિયા સાથે વાત કરતા એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાન આતંકી ઇન્ડસ્ટ્રીનો પ્રવક્તા છે. તેમના તરફથી પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો વિશે પણ મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બિલાવલ સાથે તેવો જ વ્યવહાર કરવામાં આવ્યો છે જેવો કોઇ વિદેશમંત્રી સાથે કરવામાં આવે છે.
જાણકારી માટે જણાવી દઈએ કે ગોવામાં બે દિવસીય એસસીઓ સમિટ યોજાઇ હતી. પાકિસ્તાન તરફથી વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પણ આવ્યા હતા. ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આકરો સંદેશ આપ્યો છે. જયશંકરના આકરા નિવેદન પહેલા વધુ એક ઘટના બની હતી જેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઉગ્ર છે. વિદેશ મંત્રી એસ જયશંકર તમામ દેશોના નેતાઓનું સ્વાગત કરી રહ્યા હતા ત્યારે તેમણે બધા સાથે હાથ મિલાવ્યા હતા પરંતુ જેવા બિલાવલ સ્ટેજ પર આવ્યા તો તેમણે હાથ મિલાવવાને બદલે માત્ર નમસ્તે કહ્યું હતું. એ અલગ વાત છે કે પાકિસ્તાની મીડિયા સાથે વાત કરતા બિલાવલે આ સમગ્ર વાક્યને સંસ્કૃતિ સાથે જોડી દીધું હતું.
આ પણ વાંચો – પીએમ મોદીએ ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર આતંકને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો
મીડિયા સાથેની વાતચીત દરમિયાન એસ જયશંકર અલગ અંદાજમાં દેખાયા હતા. તેઓએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા અને આતંકવાદને લઈને ઘેર્યું હતું. જયશંકરે કહ્યું કે અમે એસસીઓની બેઠકમાં બિલાવલ સાથે વિદેશ મંત્રી જેવો જ વ્યવહાર કર્યો હતો. એ ન ભૂલવું ન જોઈએ કે તે આતંકવાદી ઇન્ડસ્ટ્રીના પ્રવક્તા છે. પાકિસ્તાનની કોઈ પણ વાત પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. જયશંકરે જમ્મુ-કાશ્મીર પર ફરી એક વાર વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે તેને પાકિસ્તાન સાથે કોઈ લેવા દેવા નથી. જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે, ભારતનો જ ભાગ રહેશે. પાકિસ્તાન એ જણાવે કે તે પીઓકેમાંથી પોતાનો ગેરકાયદેસર કબજો ક્યારે છોડશે.
આર્ટિકલ 370ને લઈને પણ જયશંકરે સ્પષ્ટ કર્યું કે આ વાત હવે ઈતિહાસ બની ગઈ છે, જેટલું જલ્દી તેને સમજવામાં આવે તેટલું સારું રહેશે. ચીનને લઇને વિદેશ મંત્રીએ કહ્યું કે સંબંધો હજુ સામાન્ય નથી. જ્યાં સુધી સરહદ વિવાદનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી સંબંધો સુધરી શકશે નહીં.