/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/atal-bihari-vajpayee.jpg)
અટલ બિહારી વાજપેયી (Express Archive Photo)
Ayodhya Ram Mandir Inauguration : ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અયોધ્યામાં રામ મંદિર ઇચ્છતા હતા પરંતુ લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રામાં તેઓ જોડાયા ન હતા, તેમણે બાબરી ધ્વંસ બાદ જાહેરમાં માફી માંગી હતી. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે આ સમગ્ર મામલે વાજપેયીનો અભિપ્રાય શું હતો? પૂર્વ વડાપ્રધાનના જીવનચરિત્ર VAJPAYEE: The Ascent of the Hindu Right’ (વાજપેયીઃ ધ એસેન્ટ ઓફ ધ હિન્દુ રાઈટ) ના લેખક અભિષેક ચૌધરીનું માનવું છે કે વાજપેયી અયોધ્યામાં મંદિર ઇચ્છતા હતા, પરંતુ હિંસા વિના. તેઓ ઇચ્છતા ન હતા કે કોઈ પણ રાજકીય પક્ષ કોઈ પણ ધાર્મિક આંદોલનમાં પ્રવેશ કરે. તેથી તે રથયાત્રા માટે ક્યારેય સહમત થયા ન હતા. તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ નમ્રતાપૂર્વક ના પાડી દીધી હતી.
મંદિર આંદોલનથી લઇને બાબરી ધ્વંસ સુધી વાજપેયીનું વલણ અલગ અલગ સમયે અલગ અલગ હતું. ઉદાહરણ તરીકે બાબરી મસ્જિદના ધ્વંસના (6 ડિસેમ્બર, 1992) એક દિવસ પહેલા 5 ડિસેમ્બર 1992ની સાંજે વાજપેયીએ લખનઉમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે ત્યાં (અયોધ્યા) અણીવાળા પત્થરો નીકળ્યા છે. જમીન સમતલ કરવી પડશે.
વાજપેયીના ભાષણને બાબરી ધ્વંસ સાથે જોડીને જોવામાં આવ્યું હતું. સૌ પ્રથમ વાજપેયીના ભાષણનો એક અંશ વાંચો:
અયોધ્યામાં આવતીકાલે કારસેવા કરીને સુપ્રીમ કોર્ટના કોઈ પણ નિર્ણયની અવગણના કરવામાં આવશે નહીં. કારસેવા કરીને સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરવામાં આવશે. તે સાચું છે કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી વકીલોની બેન્ચ કોર્ટમાં નિર્ણય ન લે ત્યાં સુધી તમારે બાંધકામનું કામ બંધ કરવું પડશે. પરંતુ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે તમે ભજન, કીર્તન કરી શકો છો. હવે ભજન એક વ્યક્તિ દ્વારા કરવામાં આવતું નથી. ભજન હોય તો સામૂહિક અને કીર્તન માટે વધુ લોકોની જરૂર પડે છે. ભજન અને કીર્તન ઊભા રહીને કરી શકાતા નથી. તેઓ ક્યાં સુધી ઊભા રહેશે? ત્યાં અણીવાળા પથ્થરો નીકળ્યા છે. જો તેના પર કોઈ બેસી ન શકે તો મેદાનને સમતળ કરી બેસવું પડશે અને બેસવા માટે તેને યોગ્ય બનાવવું પડશે. યજ્ઞનું આયોજન કરવામાં આવે તો થોડું બાંધકામ પણ થાય. ઓછામાં ઓછી વેદી તો બાંધવામાં આવશે. મને ખબર નથી કે આવતીકાલે ત્યાં શું થશે. મારે અયોધ્યા જવું છે પરંતુ મને કહેવામાં આવ્યું છે કે તમે દિલ્હીમાં જ રહો અને હું આદેશનું પાલન કરીશ. અટલ બિહારી વાજપેયી (લખનઉ/ડિસેમ્બર 5, 1992).
વાજપેયી જ્યારે આ ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમના સમર્થકો જોરજોરથી જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા. મંચ પર લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી પણ બેઠા હતા.
બીજા દિવસે ભાજપના વરિષ્ઠ નેતાઓ અને સાધુ સંતોની હાજરીમાં બાબરીને ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવી હતી. જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના નેતા કલ્યાણ સિંહે સુપ્રીમ કોર્ટને વચન આપ્યું હતું કે આ માળખાને નુકસાન નહીં થાય. અનેક દસ્તાવેજો અનુસાર ભાજપના વરિષ્ઠ નેતાઓએ વડાપ્રધાન નરસિંહ રાવને વચન આપ્યું હતું કે આ માળખાની સુરક્ષા કરવામાં આવશે. જોકે ઈતિહાસ એ છે કે તમામ વાયદાઓ ખોટા સાબિત થયા.
બાબરી મસ્જિદ ધ્વંસ બાદ અટલ બિહારી વાજપેયીએ માફી માંગી હતી
બાબરી ધ્વંસ બાદ વરિષ્ઠ પત્રકાર પ્રણય રોય સાથેની વાતચીતમાં અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે 6 ડિસેમ્બરે અયોધ્યામાં જે કંઇ પણ થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. એવું ન થવું જોઈતું હતું. અમે તેમ ન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમે સફળ થઈ શક્યા નહીં. અમે તેના માટે માફી માંગીએ છીએ.
આ પણ વાંચો - અયોધ્યાની ધજા લઇને નરેન્દ્ર મોદી ત્યાં જાય છે જ્યાં પહેલા કોઈ પ્રધાનમંત્રી ગયા નથી
ભાજપ તેને કેમ રોકી ન શકે તે અંગે પૂછવામાં આવતા વાજપેયીએ જવાબ આપ્યો હતો કે કારસેવકોનો એક વર્ગ કાબૂ બહાર જતો રહ્યો હતો અને જે ન થવું જોઈતું હતું તે તેમણે કર્યું હતું. અમારા તરફથી સ્પષ્ટ ખાતરી આપવામાં આવી હતી કે વિવાદિત માળખાને કોઈ નુકસાન થશે નહીં, પરંતુ અમે તે ખાતરી સાથે ઉભા રહ્યા નહીં, તેથી અમે માફી માંગીએ છીએ.
બાબરી ધ્વંસ બાદ લોકસભામાંથી રાજીનામું આપવા માંગતા હતા વાજપેયી
તેમણે કરણ થાપરને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બાબરી ધ્વંસ બાદ અટલ બિહારી વાજપેયી રાજીનામું આપવા માગતા હતા. જાન્યુઆરી 1993માં વરિષ્ઠ પત્રકાર કરણ થાપરને આપેલા ઈન્ટરવ્યુમાં વાજપેયીએ કહ્યું હતું કે મેં લોકસભામાંથી રાજીનામું આપવા માટે પાર્ટી પાસે મંજૂરી માંગી હતી. જ્યારે હું સ્પીકરને મળ્યો ત્યારે મેં રાજીનામું સુપરત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પાર્ટીએ મને રાજીનામું આપવાની મંજૂરી આપી ન હતી. સ્પીકર મારું રાજીનામું સ્વીકારવા તૈયાર ન હતા. 1993માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. નરસિંહરાવ હતા. કોંગ્રેસના નેતા શિવરાજ પાટીલ લોકસભાના સ્પીકર હતા.
વાજપેયી લોકસભામાંથી એટલા માટે રાજીનામું આપવા માગતા હતા કારણ કે તેમને લાગ્યું હતું કે તેમણે સ્પીકરના આદેશની અવગણના કરી છે. અધ્યક્ષે તેમને બોલવાની મંજૂરી આપી ન હતી પરંતુ તેમણે પોતાની વાત રજૂ કરી હતી.
વાજપેયીએ માત્ર લોકસભા અધ્યક્ષને જ નહીં પરંતુ ભાજપના તત્કાલીન ઉપાધ્યક્ષ સુંદર સિંહ ભંડારીને પણ રાજીનામું સોંપી દીધું હતું. જ્યારે કરણ થાપરે તેમને પૂછ્યું કે શું તમે પાર્ટીમાંથી રાજીનામું આપવા માંગો છો, ત્યારે વાજપેયીએ કહ્યું કે ના, હું રાષ્ટ્રીય કારોબારીમાંથી રાજીનામું આપી રહ્યો હતો.
એવું શા માટે કર્યું એ વિશે પૂછવામાં આવતાં વાજપેયીએ કહ્યું હતું કે 6 ડિસેમ્બરે અયોધ્યામાં જે થયું તે બિલકુલ ન થવું જોઈતું હતું. એ અમારી નિષ્ફળતા હતી. અમે અફસોસ વ્યક્ત કર્યો છે પરંતુ મને લાગ્યું કે દેશમાં ધારણા બનાવવા માટે હું પણ જવાબદાર છું. મેં લખનઉમાં અડવાણી અને જોશીજી સાથે સંયુક્ત રીતે એક જાહેર સભાને સંબોધન કર્યું હતું. મેં લોકોને સ્પષ્ટ ખાતરી આપી હતી કે વિવાદિત માળખું તોડી પાડવામાં આવશે નહીં પરંતુ તેને તોડી પાડવામાં આવ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે હું મારો અફસોસ, મારી પીડા, મારી વેદના વ્યક્ત કરવા માગતો હતો. તેથી જ મેં મારું રાજીનામું સુપરત કર્યું.
પ્રધાનમંત્રી બન્યા બાદ તેમણે કહ્યું હતું- કામ અધૂરું રહી ગયું છે
ડિસેમ્બર 2000ની વાત છે. અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન હતા. સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું. બાબરી ધ્વંસની વરસી નજીક હતી. બાબરી ધ્વંસ મામલે સીબીઆઈની ચાર્જશીટમાં આ ત્રણેય નેતાઓના નામ હોવાથી કોંગ્રેસે તત્કાલીન કેન્દ્રીય મંત્રી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતીના રાજીનામાની માંગ કરી હતી. હોબાળો વધી રહ્યો હતો.
6 ડિસેમ્બર 2000ના રોજ પીએમ વાજપેયીએ ગૃહમાં કહ્યું હતું કે વિપક્ષ પાસે અમારી સરકાર વિરુદ્ધ કંઈ કહેવાનું નથી, તેથી તેઓ ફરીથી અયોધ્યા વિવાદ ઉઠાવી રહ્યા છે. રામ મંદિર નિર્માણની માંગ રાષ્ટ્રીય ભાવનાઓની અભિવ્યક્તિ છે. એ જ અંતિમ ધ્યેય છે. કામ અધૂરું રહી ગયું છે.
સીબીઆઈની વિશેષ અદાલતે 30 સપ્ટેમ્બર 2020ના રોજ બાબરી ધ્વંસ કેસમાં તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us