અતીક અહેમદની હત્યા: માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસે તુરંત જ અતીકને ગોળી મારનારાઓને ઝડપી લીધા હતા. કોલવિન હોસ્પિટલ પાસે બંનેની હત્યા કરવામાં આવી હતી. પોલીસ અતીક અને અશરફને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લઈ ગઈ હતી. આ હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયાના પણ સમાચાર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અતીક અને અશરફને ગોળી મારનારા લોકોની સંખ્યા ત્રણ હતી. આ હુમલાખોરોએ અતિક અને અશરફને ગોળી મારતા પહેલા જય શ્રી રામના નારા લગાવ્યા હતા. હુમલાખોરોએ અતીક અહેમદ અને તેના ભાઈને માથામાં ગોળી મારી અને તે પછી તરત જ તેઓએ હાથ ઊંચા કરીને આત્મસમર્પણ કર્યું. અતીક અને અશરફની હત્યા બાદ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આસપાસના તમામ દુકાનદારોએ તેમની દુકાનોના શટર પાડી દીધા હતા.
આ પણ વાંચો – પ્રયાગરાજમાં માફિયા ડોન અતીકનું સામ્રાજ્ય : ગુનાઓ, રાજકારણ, કાટમાળનો ઢગલો અને એન્કાઉન્ટર
પ્રાપ્ત વિડીયો અનુસાર, હુમલા સમયે અતીક મીડિયાના પ્રશ્નોના જવાબ આપવા જઈ રહ્યો હતો. તેણે ગુડ્ડુ મુસ્લિમ બોલ્યું ને તરત જ તેને માથામાં ગોળી વાગી હતી. આ પછી અશરફને ગોળી મારી દેવામાં આવી હતી. ગોળી વાગતાની સાથે જ બંને ભાઈઓ નીચે પડી ગયા હતા અને સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી.
અશરફ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે જ ફાયરિંગ થયુ
પ્રયાગરાજમાં અતીક અહદમને મેડિકલ તપાસ માટે પોલીસ હોસ્પિટલ લઇ જઇ રહી ત્યારે હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ પણ થયો છે. ફાયરિંગ કરનાર ત્રણેય હત્યારાઓેએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું છે અને હવે પોલીસ તેમની કડક પુછપરછ કરી રહી છે. આ ફાયરિંગમાં ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મીને પણ હાથમાં ગોળી વાગી છે.
સીએમ યોગીએ મિટિંગ બોલાવી
ગેંગસ્ટર અતીક અહમદ અને તેના ભાઇ અશરફ અહમદની ગોળી મારીને હત્યા કરાતા સમગ્ર ઉત્તર પ્રદેશમાં હડકંપ મચી ગયો છે. આ ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય મિટિંગ બોલાવી છે.