માફિયા ડોન અતીક અહેમદના મોતના ત્રણ દિવસ બાદ તેની એક વોટ્સએપ ચેટ સામે આવી છે. જેમાં તેણે જેલમાંથી અનેક લોકોને ધમકી ભર્યા મેસેજ મોકલ્યા હતા. જેમાં લખનૌના એક બિલ્ડરની પણ ચેટ છે. જેમાં અતીકે ધમકીભર્યા લહેકામાં બિલ્ડરને કહ્યું હતું કે ‘સબકા હિસાબ હોગા’. ચેટમાં ખુલાસો થયો છે કે જેલમાં રહીને પણ તે બિઝનેસમેન અને અન્ય લોકો પાસે વસૂલી કરતો હતો.
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ચેટ 7 જાન્યુઆરી 2023ની હોવાનો રિપોર્ટ છે. અતીક અહેમદ એ સમયે ગુજરાતની સાબરમતી જેલમાં બંધ હતો. તેણે ચેટમાં પોતાના ચેટમાં બિલ્ડરને ધમકી લખી હતી. ‘મુસ્લિમ સાહેબ ઇલાહાબાદમાં ગણા લોકોએ અમારો ફાયદો ઉઠાવ્યો છે પરંતુ આમાં સૌથી વધારે ફાયદો તમારા ઘરે ઉઠાવ્યો છે. આજે અમારી વિરુદ્ધ એફઆઇઆર લખાવી રહ્યા છો. પોલીસના છાયા હેઠળ કામ કરી રહ્યા છો.’
ધમકીમાં આગળ લખ્યું હતું કે “તમને અંતિમ વખત સમજાવી રહ્યો છું, ટૂંક સમયમાં હાલત બદલાઇ રહ્યા છે. મેં ધિરજ રાખી લીધી છે. મરા એક પણ પુત્રો ડોક્ટર કે વકિલ નહીં બને અને માત્ર હિસાબ થવાનો બાકી છે. ઇંશા અલ્લાહ ટૂંક સમયમાં જ હિસાબ શરું કરી દઇશ. જ્યાં સુધી તમારા ઘરમાં કોઇ જામ મારવા લાયક નથી.” આ ચેટ ત્યારે સામે આવી છે જ્યારે એક દિવસ પહેલા જ અતીકના વકીલે તેનો એક સિક્રેટ લેટર રજૂ કર્યો છે. આ લેટરને લઇને દાવો કરવામાં આવ્યો છે કે મોતના બે સપ્તાહ પહેલા અતીકે આ ચિઠ્ઠી લખી હતી. અતીકે સુપ્રીમ કોર્ટને આ ચિઠ્ઠી લખી હતી. તેણે આગ્રહ કર્યો હતો કે જો તેને મારી નાંખવામાં આવે તો આ ચિઠ્ઠી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડવામાં આવે.
અતીકે ચિઠ્ઠીની શરુઆતમાં સેવામાં સુપ્રીમ કોર્ટને સંબોધિત કરતા આ સીક્રેટ લેટર લખ્યો હતો. ચિઠ્ઠીના અંતમાં તેણે લખ્યું હતું કે અતીક અહેમદ, પૂર્વ સાંસદ. આ ચિઠ્ઠીને લઇને વધારે જાણકારી સામે આવી નથી. અતીકના વકીલે જણાવ્યું કે માફિયા ડોને તેના જીવનું જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું હતું કે જેલના કેટલાક અધિકારીઓ તેને ધમકી આપી ચૂક્યા હતા. વકીલે કહ્યું કે આ બધું લેટરમાં છે.
15 એપ્રિલે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં એક હોસ્પિટલની બહાર ત્રણ યુવકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કેટલાક દિવસો પહેલા અતીક અને અશરફને સાબરમતી અને બરેલી જેલથી પ્રયાગરાજ લઇ ગયા હતા. ઉમેશપાલ હત્યાંકાડમાં કોર્ટમાં રજૂ કરવા માટે બંનેને લાવવામાં આવ્યા હતા. જે દિવસે અતીકની પેશી હતી એ જ દિવસે તેના પુત્ર અસદ અહેમદનું ઝાંસીમાં પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું.
અસદ ઉમેશ પાલ હત્યાંકાંડમાં આરોપી હતો અને ગણા સમયથી ફરાર હતો. આ પહેલા ઉમેશ પાલના અપહરણ મામલામાં અતીક અહેમદને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી.