(શુભજિત રોય) ક્વાડ વિદેશી મંત્રીઓએ રશિયા અને ચીનને સ્પષ્ટ સંદેશો આપતી બેઠક પૂરી કર્યાના એક દિવસ બાદ નવી દિલ્હી અને ઓસ્ટ્રેલિયાએ શનિવારે ઘોષણા કરી કે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ 8 થી 11 માર્ચ દરમિયાન ભારતની મુલાકાતે આવશે. મે 2022મા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન બન્યા બાદ એન્થોની અલ્બેનીઝની આ પ્રથમ દ્વિપક્ષીય વિદેશ પ્રવાસ હશે.
એન્થોની અલ્બેનીઝ અમદાવાદ આવશે, PM મોદી સાથે ક્રિકેટ મેચ નિહાળશે
એન્થોની અલ્બેનીઝ ઓસ્ટ્રેલિયાથી સીધા અમદાવાદ આવશે. અહીંયા તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 માર્ચે ઑસ્ટ્રેલિયા અને ભારત રમાનાર ક્રિકેટ ટેસ્ટ નિહાળશે. તેઓ કંપનીઓના અધિકારી અને બિઝનેસમેન સાથે મિટિંગ યોજવા માટે માટે મુંબઈ જશે અને ત્યારબાદ ત્યાંથી સત્તાવાર દિલ્હી જવા રવાના થશે.
ભારત પ્રવાસની સત્તાવાર ઘોષમા કરતા એક નિવેદનમાં એન્થોની અલ્બેનીઝ કહ્યું કે, “વડાપ્રધાન તરીકે ભારતની આ મારી પ્રથમ મુલાકાત હશે અને હું બંને દેશો વચ્ચેના સુદ્રઢ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સુક છું.”
“ભારત સાથે અમારો સંબંધ મજબૂત છે પરંતુ તે વધુ મજબૂત બની શકે છે. તે અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા આધારીત છે, જે આપણા સંરક્ષણ, આર્થિક અને ટેકનિકલ હિતોને વધારવા માટે સાથે મળીને કામ કરવાની સંયુક્ત પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.”
“ભારત-ઓસ્ટ્રેલિયાની મજબૂત ભાગીદારી આપણા બંનેના દેશની સ્થિરતા માટે સારી છે. તેનો અર્થ એ પણ છે કે વધુ તકો અને વધુ વેપાર અને રોકાણ, આપણી અર્થવ્યવસ્થાને મજબૂત કરવી અને આપણા લોકોને સીધો ફાયદો પહોંચાડવો પણ થાય છે.”
તેમણે ઉમેર્યુ હતું કે, “જેવું કે આપણે ભવિષ્ય તરફ નજર કરીએ છીએ ત્યારે ભારત ઓસ્ટ્રેલિયા માટે મહત્વપૂર્ણ ભાગીદાર અને ગાઢ મિત્ર ચાલુ રહેશે. હું ક્વોડ લીડર્સ સમિટ માટે ઑસ્ટ્રેલિયામાં વર્ષના મધ્યમાં વડાપ્રધાન મોદીની યજમાની કરવા અને G20 લિડર્સ સમિટ માટે સપ્ટેમ્બરમાં ફરી ભારતની મુલાકાતે આવવા માટે આતુર છું.”
ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રાલયે ભારત મુલાકાતની ઘોષણામાં જણાવ્યું કે, વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝની સાથે વેપાર અને પ્રવાસન મંત્રી ડોન ફેરેલ, સંશાધન અને ઉત્તરી ઓસ્ટ્રેલિયાના મંત્રી મેડેલીન કિંગ, વરિષ્ઠ અધિકારીઓ અને ઉચ્ચ સ્તરીય અધિકારીઓ, વેપાર પ્રતિનિધિમંડળ સાથે હશે.
એન્થોની અલ્બેનીઝના ભારત પ્રવાસનું ટાઇમ ટેબલ
પ્રાપ્ત માહિતી અનુસાર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ 8 માર્ચ હોળીના દિવસે અમદાવાદ આવશે. તેઓ 9 માર્ચે મુંબઈ લેશે અને ત્યારબાદ તે જ દિવસે તેઓ દિલ્હી પહોંચશે. 10 માર્ચે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે.
ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રાલય તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝની અમદાવાદ, મુંબઈ અને નવી દિલ્હીની મુલાકાત “ઓસ્ટ્રેલિયાના નજીકના મિત્ર અને ભાગીદાર ભારત સાથેના અમારા વ્યૂહાત્મક, આર્થિક અને લોકો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે”.
ઓસ્ટ્રેલિયાનું બિઝનેસ ડેલિગેશન મુંબઈમાં ઓસ્ટ્રેલિયા-ભારત સીઈઓ ફોરમમાં ભાગ લેશે, જેમાં તાજેતરમાં ઓસ્ટ્રેલિયા-ભારત આર્થિક સહકાર અને વેપાર કરાર મારફતે મુક્ત વેપાર અને રોકાણની તકો અને તેમના ભારતીય સમકક્ષો ઓસ્ટ્રેલિયન સાથે બિઝનેસ-ટુ-બિઝનેસ સહયોગના ભવિષ્ય અંગે ચર્ચા કરશે એવું નિવેદનમાં જણાવ્યું હતું.
“વડાપ્રધાન અલ્બેનીઝ પણ અમદાવાદમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચમાં વડા પ્રધાન મોદી સાથે જોડાશે. ક્રિકેટ પ્રત્યેનો સહિયારો જુસ્સો એ અમારી લાંબા સમયથી ચાલતી મિત્રતાની ઓળખ છે, એક એવો સંબંધ જે ભારતીય ઓસ્ટ્રેલિયનોની પેઢીઓ દ્વારા સમૃદ્ધ બન્યો છે, ”ઓસ્ટ્રેલિયન નિવેદનમાં જણાવાયું છે.
અત્રે નોંધનીય છે કે, વર્ષ 2017 પછી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની આ પ્રથમ ભારત મુલાકાત હશે.
મોદી – એન્થોની અલ્બેનીઝ પહેલી વખત ક્યારે મળ્યા?
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝની પ્રથમ મુલાકાત 24 મે, 2022ના રોજ ક્વોડ લીડર્સ સમિટમાં થઇ હતી અને તે વખતે એન્થોની અલ્બેનીઝને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગયા વર્ષે 27 સપ્ટેમ્બરે ટોક્યોમાં જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કાર દરમિયાન તેઓ બંને ફરી મળ્યા હતા. પીએમ મોદીએ 16 નવેમ્બરે ઇન્ડોનેશિયાના બાલીમાં G20 સમિટ દરમિયાન અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી.
ઓસ્ટ્રેલિયા અને ભારતે તેમના દ્વિપક્ષીય સંબંધોને 2009માં વ્યૂહાત્મક ભાગીદારીથી 2020માં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી (CSP)માં અપગ્રેડ કર્યા છે. વર્ષોથી દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાકીય યંત્રણા સ્થાપિત કરવામાં આવી છે. દ્વિપક્ષીય મિકેનિઝમ્સમાં ઉચ્ચ સ્તરીય મુલાકાતો, વડાપ્રધાનોની વાર્ષિક બેઠકો, વિદેશ પ્રધાનોની ફ્રેમવર્ક સંવાદ, 2+2 સંરક્ષણ અને વિદેશ પ્રધાનોની સંવાદ, સંયુક્ત વેપાર અને વાણિજ્ય મંત્રાલયના આયોગ, સંરક્ષણ નીતિ મંત્રણા, ઓસ્ટ્રેલિયા-ભારત શિક્ષણ પરિષદ, સંરક્ષણ સેવાઓ, સ્ટાફ ટોક, ઉર્જા, વિવિધ મુદ્દાઓ પર સંયુક્ત કાર્યકારી જૂથો વગેરેનો સમાવેશ થાય છે.
જૂન 2020 માં, બંને પક્ષોએ લોજિસ્ટિક્સ સપોર્ટ માટે લશ્કરી થાણાઓ પર પારસ્પરિક પહોંચ માટે એક કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. મ્યુચ્યુઅલ લોજિસ્ટિક્સ સપોર્ટ એગ્રીમેન્ટ (એમએલએસએ) બંને દેશોની સેનાઓને એકંદર સંરક્ષણ સહકારને વધારવા ઉપરાંત પુરવઠાની મરામત અને ફરી ભરપાઈ માટે એકબીજાના બેઝનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.