અવધેશ રાય હત્યાકાંડમાં મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા, 32 વર્ષ પછી આવ્યો ફેંસલો

Mukhtar Ansari : મુખ્તાર અંસારી હાલ ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ છે, છેલ્લા નવ મહિનામાં મુખ્તારને અન્ય ચાર કેસમાં સજા ફટકારવામાં આવી છે

Written by Ashish Goyal
June 05, 2023 17:36 IST
અવધેશ રાય હત્યાકાંડમાં મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા, 32 વર્ષ પછી આવ્યો ફેંસલો
મુખ્તાર અંસારી હાલ ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ છે (ફાઇલ ફોટો)

Awadesh Rai murder case: અવધેશ રાય હત્યા કેસમાં માફિયા મુખ્તાર અંસારીને મોટો ઝટકો લાગ્યો છે. વારાણસીની એમપી-એમએલએ કોર્ટે સોમવારે મુખ્તાર અંસારીને અવધેશ રાય હત્યા કેસમાં આજીવન કેદની સજા સંભળાવી છે. આ હત્યા પર 31 વર્ષ અને 10 મહિના બાદ ચુકાદો આવ્યો છે. મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યા બાદ શહેરના કોર્ટ પરિસર અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.

મુખ્તાર અંસારીની સાથે પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામ, ભીમ સિંહ, કમલેશ સિંહ અને રાકેશ શ્રીવાસ્તવ ઉર્ફે રાકેશ ન્યાયિકના નામ પણ આ કેસમાં સામેલ હતા. મુખ્તાર અંસારીએ આ કેસથી બચવા માટે કોર્ટમાંથી કેસ ડાયરી ગાયબ કરી દીધી હતી. અવધેશ રાયના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય અજય રાયે આ મામલે વારાણસીના ચેતગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મુખ્તાર અંસારી, પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામ, ભીમસિંહ, કમલેશ સિંહ અને રાકેશ શ્રીવાસ્તવ ઉર્ફે રાકેશ ન્યાયિક સામે ગુનો નોંધાયો હતો.

17 મેના રોજ ગાઝીપુરની એમપી/એમએલએ કોર્ટે મુખ્તાર અંસારીને ઉત્તર પ્રદેશના મોહમ્મદાબાદ વિસ્તારમાં હત્યાના પ્રયાસના ષડયંત્રના કેસમાં નિર્દોષ જાહેર કર્યો હતો. 2009માં મીર હસને અંસારી વિરુદ્ધ કલમ 120બી હેઠળ હત્યાના પ્રયાસનો કેસ દાખલ કર્યો હતો. અંસારી વિરુદ્ધ ગાઝીપુરના મોહમ્મદાબાદ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 307 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – બિહારના ભાગલપુરમાં 1700 કરોડ રૂપિયાના ખર્ચથી બની રહેલો નિર્માણાધીન પુલ ધરાશાયી, વીડિયો વાયરલ

જાણો ક્યાં થઈ હતી અવધેશ રાયની હત્યા

વારાણસીના ચેતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના લહુરાબીર વિસ્તારમાં 3 ઓગસ્ટ, 1991ના રોજ અવધેશ રાયની હત્યા કરવામાં આવી હતી. મારુતિ વાનમાં આવેલા હુમલાખોરોએ અવધેશ રાય પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ હુમલાખોરો ભાગી ગયા હતા. અવધેશ રાયને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ત્યાંના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ હત્યા બાદ પૂર્વ ધારાસભ્ય અજય રાયે ચેતેશ્વર પોલીસ સ્ટેશનમાં મુખ્તાર અંસારી, ભીમ સિંહ, કમલેશ સિંહ, રાકેશ સહિત પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. આ આરોપીઓમાં કમલેશ અને અબ્દુલનું મોત થઇ ગયું છે.

મુખ્તાર યુપીની બાંદા જેલમાં બંધ

મુખ્તાર અંસારી હાલ ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ છે. આ જ હત્યા કેસમાં નામજોગ આરોપી પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામ અને કમલેશ સિંહનું મોત થઇ ગયું છે. જ્યારે પાંચમા આરોપી રાકેશે આ કેસમાં પોતાની ફાઇલ અલગ કરી દીધી છે. પ્રયાગરાજની સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. છેલ્લા નવ મહિનામાં મુખ્તારને અન્ય ચાર કેસમાં સજા ફટકારવામાં આવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ