/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Balak-Ram.jpg)
રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી નવી મૂર્તિ 'બાલક રામ' તરીકે ઓળખાશે (તસવીર - સોશિયલ મીડિયા)
Ayodhya Ram Mandir Pran Pratistha : અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ બાદ ભગવાન શ્રી રામ લલ્લાને જોવા માટે ભક્તોની ભીડ જામી રહી છે. આ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી રામલલ્લાની મૂર્તિનું નામકરણ કરવામાં આવ્યું છે. હવે રામલલાની મૂર્તિ 'બાલક રામ' તરીકે ઓળખાશે. આ વિગ્રહનું નામ 'બાલક રામ' એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે ભગવાનને પાંચ વર્ષના બાળકના રૂપમાં ઉભેલી મુદ્રામાં સ્થાપિત કરવામાં આવ્યા છે.
પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સાથે સંકળાયેલા પૂજારી અરુણ દીક્ષિતે મીડિયાને જણાવ્યું હતું કે ભગવાન રામની જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવામાં આવી હતી તેનું નામ 'બાલક રામ' રાખવામાં આવ્યું છે. ભગવાન રામની મૂર્તિનું નામ 'બાલક રામ' રાખવાનું કારણ એ છે કે તે એક બાળક જેવા દેખાય છે, જેમની ઉંમર પાંચ વર્ષ છે.
તેમણે કહ્યું કે જ્યારે મેં પહેલી વાર પ્રતિમા જોઈ, ત્યારે હું રોમાંચિત થઈ ગયો અને મારી આંખમાંથી આંસુઓ વહી રહ્યા હતા. તે સમયે મને જે લાગણી થઈ હતી તેનું વર્ણન હું શબ્દોમાં કરી શકતો નથી. પૂજારી અરુણ દીક્ષિત અત્યાર સુધીમાં લગભગ 50-60 પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરાવી ચુક્યા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં કરવામાં આવેલી તમામ પ્રાણ પ્રતિષ્ઠા વિધિઓમાં આ મારા માટે સૌથી અલૌકિક અને સર્વોચ્ચ છે.
આ પણ વાંચો - અયોધ્યા રામ મંદિરમાં પ્રથમ દિવસે જ ભક્તોની ભીડ, લગભગ 3 લાખ ભક્તોએ કર્યા રામલલ્લાના દર્શન
તેમણે કહ્યું કે 18 જાન્યુઆરીએ તેમને પ્રતિમાની પહેલી ઝલક જોવા મળી હતી. સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભવ્ય સમારોહમાં પ્રતિમાનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પીએમે કહ્યું હતું કે આ એક નવા યુગના આગમનનું પ્રતીક છે. રામ લલ્લાની જૂની મૂર્તિ (જે અગાઉ કામચલાઉ મંદિરમાં રાખવામાં આવી હતી) નવી મૂર્તિની સામે રાખવામાં આવી છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર અધ્યાત્મ રામાયણ, વાલ્મીકિ રામાયણ, રામચરિતમાનસ અને અલવંદર સ્તોત્રમ જેવા ગ્રંથોના સંશોધન અને અભ્યાસ બાદ મૂર્તિ માટેના ઝવેરાત તૈયાર કરવામાં આવ્યા છે. રામલલ્લાએ બનારસી વસ્ત્રો પહેર્યા છે જેમાં પીળી ધોતી અને લાલ રંગનું 'અંગવસ્ત્ર' છે. અંગવસ્ત્રને શુદ્ધ સોનાની ઝરી અને દોરામાંથી તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં શુભ વૈષ્ણવ પ્રતીક શંખ, પદ્મ, ચક્ર અને મયુરનો સમાવેશ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us