Ayodhya Ram Mandir Opening Date : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. મંદિરમાં ભગવાન રામલલાની પ્રથમ આરતી જોધપુરના ઘી થી કરવામાં આવશે. સોમવારના રોજ 600 કિલો શુદ્ધ દેશી ઘી ધરાવતા 108 કલશોને પ્રાચીન રીતે સજ્જ બળદગાડામાં મોકલવામાં આવ્યા હતા.
સોમવારે રાજસ્થાનના જોધપુરથી 600 કિલો દેશી ઘી અયોધ્યા રવાના કરવામાં આવ્યું હતું. આ ઘી 108 સ્ટીલના કળશમાં ભરીને મોકલવામાં આવ્યું છે. તેને 11 રથમાં મોકલવામાં આવ્યું છે. બળદ ગાડાને રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. રથને વિદાય આપતા પહેલા તમામ કળશની આરતી કરવામાં આવી હતી. જોધપુર સ્થિત શ્રીશ્રી મહર્ષિ સંદીપની રામધર્મ ગૌશાળાના સંચાલક મહર્ષિ સંદિપની મહારાજે આ માહિતી આપી હતી.
જોધપુરથી 11 રથમાં 600 કિલો ઘી મોકલવામાં આવ્યું
આ રથની સાથે જોધપુરના ઘણા રામ ભક્તો પણ અયોધ્યા જવા રવાના થયા હતા. રથમાં ભગવાન ગણેશ અને રામભક્ત હનુમાનજીની મૂર્તિઓ સાથે 108 શિવલિંગની સાથે 108 કળશ પણ રાખવામાં આવ્યા છે. રથના પ્રસ્થાન પહેલા સ્થળ પર હાજર ભક્તોએ ઘી ની આરતી કરી હતી. સોમવારે દેવ દિવાળીના દિવસે શુભ મુહૂર્તમાં જોધપુરના બનાડ સ્થિત શ્રી શ્રી મહર્ષિ સંદીપની રામ ધર્મ ગૌશાળામાંથી ઘી મોકલવામાં આવ્યું છે.
આ પણ વાંચો – રામનવમીના દિવસે રામલલાના માથા પર પડશે સૂર્યના સીધા કિરણો, જાણો કેટલી ખાસ હશે પ્રતિમા
રથની સાથે ગૌશાળાના મહર્ષિ સંદીપની મહારાજ પણ અયોધ્યા જવા રવાના થયા છે. શ્રી શ્રી મહર્ષિ સંદીપની રામ ધર્મ ગૌશાળાના સંચાલક મહર્ષિ સંદીપની મહારાજે જણાવ્યું હતું કે જાન્યુઆરી 2024માં રામલલા રામ મંદિરમાં બિરાજશે. અમારી ગૌશાળામાં તૈયાર કરાયેલ ઘી નો ઉપયોગ રામલલાની આરતી અને હવનમાં કરવામાં આવશે. સદ્ભાગ્યની વાત છે કે જોધપુરથી રામકાજ માટે ઘી મોકલ્યું છે. તેમણે માહિતી આપી હતી કે ગૌશાળામાંથી 11 વિશેષ રથોને રવાના કરવામાં આવ્યા છે. આ રથ 6 મહિનાથી ગૌશાળામાં જ તૈયાર કરવામાં આવતા હતા. દરેક રથની કિંમત 3.5 લાખ રૂપિયા છે.
9 વર્ષથી ઘી એકત્ર કરવામાં આવી રહ્યું છે
આ ઘી ખાસ કરીને રામલલાની પ્રથમ આરતી અને હવન માટે 9 વર્ષથી તૈયાર કરીને એકત્રિત કરવામાં આવી રહ્યું હતું. મહર્ષિ સંદીપન મહારાજે જણાવ્યું કે તેમણે 9 વર્ષ પહેલા પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યારે પણ અયોધ્યામાં રામ મંદિર બનશે ત્યારે તેઓ તેમની જગ્યાએથી શુદ્ધ દેશી ગાયનું ઘી લાવશે. રામ મંદિરમાં આ ઘી થી જ મંદિરની અખંડ જ્યોત પ્રજ્વલિત કરવામાં આવશે.
ઘણા શહેરોમાં રથની શોભાયાત્રા કાઢ્યા બાદ આ રથ લગભગ એક મહિનામાં અયોધ્યા પહોંચશે.