Ayodhya Ram Mandir Free Prasad Booking: અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો 22 જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. આ દિવસે દેશભરમાં બીજી વખત દિવાળી ઉજવાશે. રામભક્તોની વર્ષોની રાહ આખરે પૂરી થશે અને ભગવાન તેમના મંદિરમાં બિરાજમાન થશે. સરકારે સામાન્ય લોકોને અપીલ કરી છે કે તેઓ આ દિવસે અયોધ્યા ન આવે અને જ્યાં પણ હોય ત્યાં કાર્યક્રમોનું આયોજન કરીને દિવાળીની ઉજવણી કરવા વિનંતી કરી છે.
એક ખાનગી કંપની એક વેબસાઇટ દ્વારા દેશભરમાં પ્રસાદની હોમ ડિલિવરી કરવાનો દાવો કરી રહી છે. ખાદી ઓર્ગેનિક નામની વેબસાઇટે દાવો કર્યો છે કે તેઓ રામ મંદિરથી આવેલા પ્રસાદને ઘરે-ઘરે પહોંચાડશે. તમને જણાવી દઈએ કે કેવી રીતે આ સોફ્ટવેર કંપની દેશભરમાં ડોર-ટુ-ડોર પ્રસાદ પહોંચાડવાનો દાવો કરી રહી છે. જો તમે પણ રામ મંદિરમાંથી ઘરે બેઠા પ્રસાદ લેવા માંગો છો તો રીત સરળ છે. જાણો આ સમગ્ર પ્રક્રિયા વિશે.
દેશભરમાં નિ:શુલ્ક પ્રસાદ વિતરણ
ખાદી ઓર્ગેનિકના સેલ્સ હેડ આદર્શે Jansatta.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રામ મંદિર ના મફત પ્રસાદનું વિતરણ કરતી Khadiorganic વેબસાઇટ DrillMaps India Private Limited નો એક ભાગ છે. તેમનું કહેવું છે કે આ કંપની ભારતમાં બનેલા ઓર્ગેનિક સામાનને અમેરિકા અને કેનેડામાં વેચે છે. કંપનીની ઓફિસ નોઈડામાં છે. આ કંપનીના ફાઉન્ડર આશિષ સિંહ છે, જે હાલ ફેસબુકની પેરેન્ટ કંપની મેટામાં સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કરી રહ્યા છે.
આદર્શે જણાવ્યું કે તેમના માલિક આશિષ સિંહે લગભગ 20-25 દિવસ પહેલા હનુમાનજીને સપનામાં જોયા હતા અને તેમને અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે પ્રસાદ વહેંચવાનું કહ્યું હતું. આ પછી આશિષે દેશભરમાં રામ ભક્તોને મફત પ્રસાદ વહેંચવાની જવાબદારી લીધી અને આ અભિયાન શરૂ કર્યું.
ખાનગી સંસ્થા ખાદી ઓર્ગેનિક છે
આદર્શ કહે છે કે ખાદી ઓર્ગેનિક એક સંપૂર્ણપણે ખાનગી સંસ્થા છે. પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસાદની વાત કરીએ તો કંપનીના લોકો રામ મંદિરમાં પ્રસાદ, પૂજા અને ભોગ લગાવીને લઈને આવશે. આ બાદ આ પ્રસાદ દેશભરના લોકોને વહેંચવામાં આવશે. તેમનું કહેવું છે કે પહેલા કંપનીની યોજના દરેક જિલ્લા હોસ્પિટલમાં પ્રસાદ વહેંચવાની હતી. પરંતુ ત્યારબાદ લોકોના મેસેજ, કોલ આવ્યા અને ઘરે ઘરે પ્રસાદ પહોંચાડવાનું કહ્યું હતું.
આ પણ વાંચો – અયોધ્યા રામ મંદિર : શ્રી રામ જન્મભૂમિ વિશે તમારે જાણવા જેવી મુખ્ય બાબતો
51 રૂપિયાનો ડિલિવરી ચાર્જ
પ્રસાદના વિતરણ માટે શિપ રોકેટ જેવા ડિલિવરી પાર્ટનરો સાથે કંપનીની વાતચીત ચાલી રહી છે. તેમણે ઘરે-ઘરે પ્રસાદ પહોંચાડવાનો ખર્ચ 40 થી 60 રૂપિયા વચ્ચે અંદાજ્યો હતો. અમે સરેરાશ 51 રૂપિયા ખર્ચ રાખ્યો છે. કંપની પ્રસાદના પૈસા ચૂકવી રહી છે અને ડિલિવરી ચાર્જ લોકો પાસેથી લેવામાં આવશે.
તેમણે કહ્યું કે ખાદી ઓર્ગેનિક નામની વેબસાઇટ પહેલાથી જ છે અને અમે તેના પર પ્રસાદ વહેંચવાનું અભિયાન શરૂ કર્યું છે. આ વેબસાઇટ પર રામ મંદિરને લગતી ઘણી બધી વસ્તુઓ જેવી કે ટી-શર્ટ, સિક્કા, ઝંડા વગેરે પણ ઉપલબ્ધ છે. તેમનું કહેવું છે કે 22 જાન્યુઆરી પહેલા આ વસ્તુઓથી જે પણ આવક થશે તે દાનમાં આપી દેવામાં આવશે.
અયોધ્યા રામ મંદિર પ્રસાદને કેવી રીતે ઓનલાઈન બુક કરાવવો
- સૌથી પહેલા khadiorganic.com વેબસાઇટ પર જાવ. ત્યારબાદ મુખ્ય સ્ક્રીન પર દેખાતા FreePrasad (ફ્રી પ્રસાદ) ઓપ્શન પર ક્લિક કરો.
- આ પછી આગળના પેજ પર મોબાઇલ નંબર દાખલ કરો
- હવે જો તમારે ઘરે ડિલિવરી જોઈતી હોય તો Delivery (ડિલિવરી) વિકલ્પ પર ક્લિક કરો
- જો તમે વિતરણ કેન્દ્રમાંથી પ્રસાદ લેવા માંગો છો તો pickup from yourdistribution Center (તમારા વિતરણ કેન્દ્રથી પિકઅપ) પર ક્લિક કરો
- આ પછી તમારું સરનામું, નામ, ફોન – જેવી જરૂરી વસ્તુઓ દાખલ કરો
- આ પછી ડિલિવરી ચાર્જ ચૂકવો
કંપનીનું કહેવું છે કે અત્યારે ઓર્ડરને ટ્રેક કરવાની કોઈ સુવિધા નથી. 22 જાન્યુઆરી બાદ યૂઝર્સ પોતાના ઓર્ડરની ડિટેલ જાણી શકશે.