Ayodhya Ram Mandir : અયોધ્યામાં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી ભક્તોની ભીડ જામી છે. પ્રથમ દિવસે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ રામલલાના દર્શને આવ્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા રામ મંદિર પહોંચી રહ્યા છે. તેની અસર આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થા પર પણ જોવા મળશે. એસબીઆઈના લેટેસ્ટ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે યુપીને રામ મંદિર અને અન્ય પર્યટન કેન્દ્રોથી 5000 કરોડ રૂપિયા સુધીનો ટેક્સ મળી શકે છે. તેમાં અયોધ્યા સૌથી મોટું કારણ હશે. આ વર્ષે યુપીમાં પર્યટન સાથે જોડાયેલો બિઝનેસ 4 લાખ કરોડને પાર કરી શકે છે.
થોડા દિવસો પહેલા જ વિદેશી શેર બજાર કંપની જેફરીઝે પણ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે પર્યટકોની સંખ્યાના મામલે અયોધ્યા રામ મંદિર વેટિકન સિટી અને મક્કાથી પણ આગળ નીકળી જશે. દર વર્ષે લગભગ 5 કરોડ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચે તેવી સંભાવના છે. આ પછી તે માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં પરંતુ ભારતનું પણ સૌથી મોટું પર્યટન સ્થળ બની જશે. વિશ્વના બે સૌથી મોટા ધાર્મિક સ્થળોની વાત કરીએ તો મક્કા પ્રથમ સ્થાને છે. અહીં દર વર્ષે 2 કરોડ લોકો આવે છે. આનાથી સાઉદી અરેબિયાને 12 બિલિયન ડોલરની આવક થાય છે. સાથે જ વેટિકન સિટીમાં દર વર્ષે લગભગ 90 લાખ શ્રદ્ધાળુઓ આવે છે. આનાથી વેટિકનને 315 મિલિયન અમેરિકન ડોલરની આવક થાય છે. અયોધ્યા રામ મંદિર આને પાછળ છોડી દેશે.
એકલા અયોધ્યામાં જ 25 હજાર કરોડનું અર્થતંત્ર હશે
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દરરોજ એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યામાં દર્શન માટે પહોંચશે. આ સંખ્યા થોડા દિવસોમાં વધીને 3 લાખ પ્રતિ દિન થઈ જશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પોતાના પ્રવાસ પાછળ 2500 રૂપિયા ખર્ચ કરે છે તો પણ એકલા અયોધ્યામાં સ્થાનિક અર્થવ્યવસ્થામાં 25 હજાર કરોડ રૂપિયાનો વધારો થશે.
આ પણ વાંચો – અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા સ્વંય હનુમાન જી ગર્ભગૃહ પહોંચ્યા, ટ્ર્સ્ટે મંદિરમાં વાનરના આગમન પર કહી આવી વાત
તિરુપતિ બાલાજી અને વૈષ્ણોદેવીથી વધારે યાત્રાળુઓ પહોંચશે
અયોધ્યા ટૂંક સમયમાં જ ભારતનું સૌથી મોટું ધાર્મિક કેન્દ્ર બની શકે છે. હાલમાં આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજીમાં દર વર્ષે 2.5 કરોડ શ્રદ્ધાળુઓ પહોંચે છે. 1200 કરોડની વાર્ષિક આવક થાય છે. વૈષ્ણો દેવીમાં વાર્ષિક 80 લાખ પ્રવાસીઓ આવે છે. તે દર વર્ષે 500 કરોડ રૂપિયાની આવક ઉત્પન્ન કરે છે. આગ્રાનો તાજમહેલ જોવા માટે દર વર્ષે 70 લાખથી વધુ પ્રવાસીઓ આવે છે, જેની કમાણી 100 કરોડ રૂપિયાથી વધુ છે. આ સાથે જ 30 લાખ પ્રવાસીઓ આગ્રા ફોર્ટની મુલાકાત લે છે. તેનાથી વાર્ષિક 27.5 કરોડની આવક થાય છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મથુરા અને વારાણસીથી પણ અર્થવ્યવસ્થામાં વધારો થઇ રહ્યો છે.