Ayodhya Ram Mandir Pran Pratishtha Shubh Muhurat: અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર લગભગ તૈયાર છે અને રામલલ્લા 22 જાન્યુઆરીએ મંદિરમાં બિરાજશે. રામલલ્લાની આ મૂર્તિ બાળકના રૂપમાં હશે. તેની પહેલા રામલલ્લાની મૂર્તિઓનો અભિષેક કરવામાં આવશે. ગર્ભગૃહમાં સ્થાપિત થનારી શ્રી રામની મૂર્તિની ઊંચાઈ 51 ઈંચ એટલે કે 129.54 સેન્ટિમીટર હશે.
તમને જણાવી દઈએ કે રામ લાલાની મૂર્તિ માટે ખાસ શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવ્યો છે. તેમજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ગર્ભગૃહમાં ફક્ત 5 લોકો જ હાજર રહેશે. પીએમ મોદી ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સંઘ પ્રમુખ મોહન ભાગવત અને રામ મંદિરના પ્રમુખ આચાર્ય સત્યેન્દ્ર હાજર રહેશે. ચાલો જાણીએ શા માટે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે…
અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ મુહૂર્ત
કોઈપણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે કેલેન્ડરમાં વિશેષ શુભ મુહૂર્ત આપવામાં આવે છે. રામલલ્લાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી, 2024 પોષ માસની બારસ તિથિના અભિજીત મુહૂર્ત, ઇન્દ્ર યોગ, મૃગશિરા નક્ષત્ર, મેષ લગ્ન અને વૃશ્ચિક નવાંશની પસંદગી કરવામાં આવી છે, જે 22 જાન્યુઆરીના રોજ બપોરે 12:29 વાગે 08 સેકન્ડથી 12.30 વાગે 32 સેકન્ડ સુધી રહેશે. એટલે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ મુહૂર્ત છે.
આ સમયે ભગવાન શ્રી રામની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. રામલલ્લાની મૂર્તિની સ્થાપના કર્યા બાદ ‘પ્રતિષ્ઠાત્ પરમેશ્વર’ મંત્રનો જાપ કરવામાં આવશે. એનો અર્થ થાય છે ભગવાન, તમે બિરાજમાન થાવો.
જ્યોતિષની દૃષ્ટિએ શુભ મુહૂર્તનું શું મહત્વ છે? (Ram Temple Shubh Muhurat)
જ્યોતિષ શાસ્ત્રના દ્રષ્ટિકોણથી જોઇયે તો પ્રાણ પ્રતિષ્ઠા માટે નક્ષત્ર મૃગાશિરા શુભ છે અને દિવસ સોમવાર પણ શુભ છે. સોમવારે મૃગાશિરા નક્ષત્રનો શુભ સંયોગ છે. આ દિવસે 6 ગ્રહો એકસાથે રહેશે. આ સંયોગ વર્ષો પછી રચાઈ રહ્યો છે. તેમજ આ સમયે અભિજીત મુહૂર્ત સાથે નવાંશ લગ્નથી નવમા ઘરમાં ઉચ્ચ ગુરુ મહારાજની હાજરીથી શુભ પ્રાપ્તિ થઈ રહી છે. જે શુભ મુહૂર્તને વિશેષ બનાવે છે. તો લગ્નના સ્વામી મંગળ અને ભાગ્ય ભાવના સ્વામી ગુરુનુ પરિવર્તન યોગ પણ બની રહ્યો છે, જે બહુ જ શુબ છે. તેમજ મુહૂર્ત કુંડળીના આધારે દસમા ભવમાં ગ્રહોના રાજા સૂર્યનું દિગ્બલી થઇને ઉપાચય ભવમાં હોવું પણ શુભ છે. તો ઈન્દ્ર યોગની હાજરી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવી કેમ જરૂરી છે?
વૈદિક કાળથી આ પરંપરા ચાલી આવે છે કે જ્યારે પણ કોઈ પણ ભગવાનની મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે. તેને સૌથી પહેલા વિધિ- વિધાન સાથે તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. એટલે કે કોઇ પણ મૂર્તિમાં જ્યારે વૈદિક મંત્રોના ઉચ્ચારણ અને ખાસ વિધિઓ દ્વારા તેમાં પ્રાણની પ્રતિષ્ઠા (સ્થાપિત) કરવામાં આવે છે, તો તેને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. આ પ્રક્રિયા મૂર્તિને પ્રાર્થના સ્વીકારવાની અને વરદાન આપવાની ક્ષમતા આપે છે.
આ પણ વાંચો | અયોધ્યા રામ મંદિરમાં લાગ્યા સોનાના દરવાજા, જૂઓ પહેલી ઝલક
પ્રાણ પ્રતિષ્ઠામાં અનેક તબક્કાઓ છે, જેને અધિવાસ કહેવામાં આવે છે. જેમાં મૂર્તિઓને થોડો સમય પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે જેને જલધિવાસ કહેવામાં આવે છે. પછી મૂર્તિઓને અનાજથી ઢાંકવામાં આવે છે જેને અન્નાધિવાસ કહેવામાં આવે છે. ફલાધિવાસ અને ઘૃતાધિવાસ પણ હોય છે. મસ્ત્ય પુરાણ, વામન પુરાણ, નારદ પુરાણ વગેરેમાં પ્રાણ પ્રતિષ્ઠાનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.