Ayodhya Ram Mandir Donations : અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ લલ્લાના દર્શન કરવા ભકતોનું ઘોડાપુર ઉમર્યું છે. આ સાથે દર્શન કરવા આવનાર રામ ભક્તો પણ દિલ ખોલીને દાન કરી રહ્યા છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના લગભગ એક મહિનામાં મંદિર ટ્રસ્ટને કરોડો રૂપિયાનું દાન મળ્યું છે.
અયોધ્યા રામ મંદિરમાં કેટલું દાન આવ્યું? (Ayodhya Ram Temple Darshan)
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું કે 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેક પછીના એક મહિનામાં નવનિર્મિત રામ મંદિરને લગભગ 25 કિલો સોના – ચાંદી સહિત લગભગ 25 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે.
અયોધ્યા રામ મંદિરના ઓનલાઈન દાનનો હિસાબ હજી બાકી
રામ મંદિર ટ્રસ્ટના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાએ કહ્યું કે, 25 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે. જેમાં ચેક, ડ્રાફ્ટ અને મંદર ટ્રસ્ટ ઓફિસમાં જમા કરાયેલી રોકડ રકમ સાથે સાથે દાન પેટીઓમાં આવેલી રકમ સામેલ છે. તેમણે ઉમેર્યું કે, અલબત્ત અમે ટ્રસ્ટના બેંક ખાતામાં સીધા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી આવેલા દાનની માહિતી ઉપલબ્ધ નથી.
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના એક મહિનામાં 60 લાખ ભક્તોએ દર્શન કર્યા
પ્રભારી પ્રકાશ ગુપ્તાએ ઉમેર્યું કે, 23 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 60 લાખ રામ ભક્તોએ દર્શન કર્યા છે. તેમણે કહ્યું કે રામ ભક્તોની ભક્તિ એવી છે કે તેઓ રામ લલ્લા માટે સોના અને ચાંદીની વસ્તુઓ દાનમાં આપી રહ્યા છે, જેનો ઉપયોગ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં થઈ શકતો નથી. તેમ છતાં, ભક્તોની ભક્તિને ધ્યાનમાં રાખીને, રામ મંદિર ટ્રસ્ટ સોના અને ચાંદીના ઘરેણાં અને વાસણો સ્વીકારી રહ્યું છે.
અયોધ્યામાં રામ નવમી લઇને શું છે તૈયારી?
ગુપ્તાએ કહ્યું કે, મંદિર ટ્રસ્ટને રામ નવમી તહેવારના દિવસોમાં દાનમાં વધારો થવાની અપેક્ષા રાખે છે. તે દિવસે અયોધ્યામાં લગભગ 50 લાખ ભક્તો હાજર રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ રામ જન્મભૂમિ ખાતે રામ નવમી દરમિયાન રોકડના વિશાળ પ્રવાહ અને અપેક્ષિત દાનની વ્યવસ્થા કરવા માટે ચાર સ્વચાલિત હાઈ-ટેક કાઉન્ટિંગ મશીનો સ્થાપિત કર્યા છે.
તેમણે કહ્યું કે, મંદિર ટ્રસ્ટ દ્વારા રસીદ આપવા માટે એક ડઝન કોમ્પ્યુટરાઈઝડ કાઉન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે અને રામ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં વધારાની દાન પેટીઓ રાખવામાં આવી રહી છે. રામ મંદિર સંકુલમાં ટૂંક સમયમાં જ એક વિશાળ અને સુસજ્જ કાઉન્ટિંગ રૂમ બનાવવામાં આવશે.
રામ મંદિર ટ્રસ્ટ અને એસબીઆઈ વચ્ચે એમઓયુ
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે રામ લલ્લાને ભેટ તરીકે મળેલા સોના-ચાંદીના દાગીના અને કિંમતી સામગ્રીના મૂલ્યાંકન, તેને ઓગાળવા અને જાળવણીની જવાબદારી ભારત સરકારની ટંકશાળને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો | શું છે પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ? ભાજપના સાંસદ હરનાથ સિંહ યાદવે નાબૂદ કરવાની માંગ કરી
તેમણે જણાવ્યું કે, તેની સાથે જ એસબીઆઈ અને ટ્રસ્ટ વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, એમઓયુ અનુસાર એસબીઆઈ દાન, પ્રસાદ, ચેક, ડ્રાફ્ટ અને રોકડ રકમ અને તેને બેંક એકાઉન્ટમાં જમા કરવાની સમગ્ર જવાબદારી લીધી છે.