(હરિકિશન શર્મા) Ayushman Bharat Card: Irregularities in PMJAY registration CAG Reports : આયુષ્માન ભારત – પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)માં મોટા પ્રમાણમાં ગેરરીતિ થયાનો ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)એ ઘટસ્ફોટ કર્યો છે. કેગના રિપોર્ટ અનુસર આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં લાભાર્થીઓની નોંધણી અને વેરિફિકેશનમાં ભયંકર ગેરરીતિ થઇ રહી છે અને લગભગ 7.5 લાખ લાભાર્થીઓ એક જ સેલફોન નંબર – 99999999 સાથે લિંક હતા. સરળ શબ્દોમાં કહીયે તો એક જ મોબાઇલ નંબર પરથી 7.5 લાખ લાભાર્થીઓના આયુષ્માન ભારત યોજનાના કાર્ડ બન્યા છે, આવું કેવી રીતે શક્ય બની શકે છે..!
આયુષ્માન ભારતના 7.5 લાભ લાભાર્થીનો મોબાઇલ નંબર એક જ
આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) સંબંધિત નોંધણી અને ચકાસણીના મામલે એક મોટી અનિયમિતતા સામે આવી રહી છે. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એ જાહેર કર્યું છે કે આયુષ્માન ભારત યોજનાના લગભગ 7.5 લાખ લાભાર્થીઓ એક જ મોબાઇલ નંબર – 9999999999 સાથે લિંક થયેલા હતા. સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવેલા આયુષ્માન ભારત-PMJAYની કામગીરી અંગેના તેના ઓડિટ રિપોર્ટમાં CAG એ જણાવ્યું હતું કે આયુષ્માન યોજનાની બેનિફિશિયલ આઇડેન્ટિફિકેશન સિ્સ્ટમ (BIS)માં કુલ 7,49,820 લાભાર્થીઓ એક જ મોબાઇલ સાથે લિંક થયેલા હતા.
આયુષ્માન ભારત કાર્ડ – ક્યાં નબર સાથે સૌથી વધારે લાભાર્થીઓની નોંધણી
આયુષ્માન ભારતના BIS ડેટાબેઝમાંથી જાણવા મળ્યું છે કે મોટી સંખ્યામાં લાભાર્થીઓ સમાન અથવા અમાન્ય મોબાઇલ નંબર પર નોંધાયેલા છે. કુલ મળીને BIS ડેટાબેઝમાં 1119 થી 7,49,820 લાભાર્થીઓ એક સમાન મોબાઇલ નંબર સાથે લિંક હતા. જેમાં 7,49,820 લાભાર્થીઓનો મોબાઇલ નંબર 9999999999 હતો. તેવી જ રીતે 1,39,300 લાભાર્થીઓનો લિંક થયેલો મોબાઇલ નંબર 8888888888 હતો. તો આયુષ્માન ભારત યોજનાના 96,046 લાભાર્થીઓ 90000000 નંબર સાથે લિંક થયેલા છે.
કેગે તેના રિપોર્ટમાં જણાવ્યુ છે કે, આયુષ્માન યોજના હેઠળ અત્યાર સુધીમાં 7.87 કરોડ લાભાર્થી પરિવારો નોંધાયા છે, જે 10.74 કરોડ (નવેમ્બર 2022)ના લક્ષ્યાંકિત પરિવારોના 73 ટકા જેટલા છે. જો કે ત્યારબાદમાં સરકારે આ ટાર્ગેટ વધારીને 12 કરોડ કર્યો હતો.
આયુષ્માન ભારત – કેગના રિપોર્ટમાં ઘટસ્ફોટ
આયુષ્માન ભારત યોજના વિશેના રિપોર્ટમાં કેગે ખુલાસો કર્યો છે કે, “ આયુષ્માન ભારત યોજનામાં કોઈપણ લાભાર્થી સાથે સંબંધિત રેકોર્ડ્સ શોધવા માટે મોબાઈલ નંબર મહત્વપૂર્ણ છે, જે આઇડી વગર રિજસ્ટ્રેશન ડેસ્કનો સંપર્ક કરી શકે છે. જો ઈ-કાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં લાભાર્થીની ઓળખ કરવી પણ મુશ્કેલ બની શકે છે. જેના કારણે લાયક લાભાર્થીઓ યોજનાના લાભોથી વંચિત રહી શકે છે.
આ મુદ્દે નેશનલ હેલ્થ ઓથોરિટીએ (NHA) કહ્યું છે કે, BIS 2.0 આવવાથી આ સમસ્યાનો ઉકેલ આવી જશે. અહેવાલ મુજબ, “લાભાર્થી સશક્તિકરણ માર્ગદર્શિકા પ્રદાન કરે છે કે સંપર્ક નંબરનો ઉપયોગ લાભાર્થી સાથે હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને ડિસ્ચાર્જ પછીના રિસ્પોન્સ સુધીની ક્રિયાપ્રતિક્રિયા માટે કરવામાં આવશે. BIS ઈ-કાર્ડને અક્ષમ કરવા માટેની માર્ગદર્શિકા પૂરી પાડે છે કે SHA કાર્ડ બનાવતી વખતે આપેલા સંપર્ક નંબર પર SMS મેસેજ મોકલશે અને લાભાર્થીને તેમની પાત્રતા તપાસવા માટે જાણ કરશે.”
આયુષ્માન ભારત – PMJAYના લાભાર્થીના પરિવારના સભ્યોની સંખ્યા અવાસ્તવિક
કેગના રિપોર્ટમાં આયુષ્માન ભારત – PMJAY હેઠળ નોંધાયેલા લાભાર્થીઓના ઘરની જનસંખ્યા તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. “આંકડાઓના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે 43,197 પરિવારોમાં, કુટુંબનું કદ અવાસ્તવિક હતું, જેમાં કુટુંબીજનોની સંખ્યા 11 થી 201 હતી…” રિપોર્ટમાં જણાવ્યુ છે કે, “BIS ડેટાબેઝમાં પરિવારમાં આવા અવાસ્તવિક સભ્યોની હાજરી એ માત્ર લાભાર્થીની નોંધણી પ્રક્રિયામાં આવશ્યક નિયંત્રણોનો અભાવ જ નહીં, પરંતુ માર્ગદર્શિકામાં કુટુંબની સ્પષ્ટ વ્યાખ્યાના અભાવનો લાભાર્થીઓ લાભ લઈ રહ્યા હોવાની શક્યતા પણ દર્શાવે છે.”
આયુષ્માન ભારતનો ખોટી રીતે લાભ મેળવતા પેન્શનરો
ગરીબ અને ઓછી આવક વ્યક્તિઓ માટે શરૂ કરાયેલી આયુષ્માન ભારત યોજનાનો લાભ પેન્શરનો પણ ઉઠાવી રહ્યા હોવાનો કેગના રિપોર્ટમાં ખુલાસો કરાયો છે. અહેવાલ મુજબ, ચંદીગઢ , હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ઘણા પેન્શનરો PMJAY કાર્ડ ધરાવતા અને યોજના હેઠળ સારવારનો લાભ લઇ હોવાના દાખલા જોવા મળ્યા હતા.
તમિલનાડુમાં, યોજનાના ડેટાબેઝ સાથે રાજ્ય સરકારના પેન્શનર ડેટાબેઝની સરખામણી દર્શાવે છે કે “1,07,040 પેન્શનરો આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી છે.” એસએચએ દ્વારા આ પેન્શનરો માટે વીમા કંપનીને 22.44 કરોડ રૂપિયાનું વીમા પ્રીમિયમ ચૂકવવામાં આવ્યુ હતું.”
કેગંના રિપોર્ટમાં જણાવાયુ છે કે, “ઓડિટમાં અયોગ્ય લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન આયુષ્માન યોજનામાંથી રદ કરવાના પગલાંઓમાં વિલંબને પરિણામે અયોગ્ય વ્યક્તિઓએ યોજનાનો લાભ મેળવ્યો અને વીમા કંપનીઓને પ્રીમિયમની વધારે ચૂકવણી કરાઇ છે.”