Bajinder Singh Verdict: પાદરી બજિંદર સિંહ સામે મહિલાએ કરેલા દુષ્કર્મ કેસમાં મોહાલી કોર્ટે આજે ચૂકાદો આપ્યો છે. ઝીરકપુરની મહિલા પર બળાત્કારના કેસમાં આરોપી બજિન્દર સિંહને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ચૂકાદો આવ્યા બાદ પોલીસે બજિંદરને કસ્ટડીમાં લઇ પટિયાલા જેલ મોકલ્યો છે. મહિલા સાથે દુષ્કર્મ મામલે પોલીસે પાદરી સહિત સાત લોકો વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. કોર્ટે અન્ય પાંચ લોકોને નિર્દોષ જાહેર કર્યા છે જ્યારે એક આરોપીનું ટ્રાયલ દરમિયાન મોત થયું હતું.
બહુચર્ચિત કેસમાં મોહાલી કોર્ટે ચૂકાદો આપતાં આરોપીને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ બાદ પીડિતા બેહોશ થઇ ગઇ હતી. જોકે થોડા સમય પછી તેણી ભાનમાં આવી હતી. સ્વસ્થ થતાં તેણીએ કહ્યું કે, તેને કોર્ટ પર પુરો વિશ્વાસ છે. કોર્ટે આ સજા સંભળાવી અન્ય પીડિત મહિલાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
પીડિતાના વકીલ અનિલ સાગરે મીડિયાને જણાવ્યું કે, બજિન્દર સિંહ પાદરી એક ધર્મગુરુ છે. તેના અનુયાયીઓ તેને પાપાજી કહેતા હતા. લોકપ્રિય ધર્મગુરુએ આચરેલું કૃત્ય ધ્રુણાસ્પદ છે. જે કડક સજાને પાત્ર છે. તેને છેલ્લા શ્વાસ સુધી જેલના સળિયા પાછળ રહેવું પડશે. તેને મળેલી સજાથી સંતુષ્ટ છીએ.