banke bihari temple : વૃંદાવનના બાંકે બિહારી મંદિર પાસે એક મોટી દુર્ઘટના થઇ છે. બાંકે બિહારી મંદિરથી માત્ર 200 મીટર દૂર એક જૂની ઈમારતની બાલ્કની ધરાશાયી થઈ ગઈ અને આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત હોવાનું કહેવાય છે. આ ઘટના ત્યારે બની જ્યારે ભક્તો દર્શન કરીને મંદિરમાંથી બહાર નીકળી રહ્યા હતા.
દુર્ઘટના થતાં જ અફરાતફરી મચી ગઇ હતી. પીડિતોને બચાવવા આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા. આ પછી પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જે બાદ કાટમાળમાં દટાયેલા લોકોને બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં ડોક્ટરોએ 5 લોકોને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાંથી ત્રણ કાનપુરના છે, જ્યારે એક વૃંદાવનનો છે અને એક મૃતક વિશે હજુ સુધી જાણી શકાયું નથી. આ અકસ્માતમાં ગીતા કશ્યપ, અરવિંદ કુમાર, રશ્મિ ગુપ્તા, અંજુ અને એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું છે.
આ પણ વાંચો – લાલ કિલ્લા પરથી પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – આગામી 15 ઓગસ્ટે ફરી આવીશ, કોંગ્રેસ અધ્યક્ષે આપ્યો આવો જવાબ
દુર્ઘટના દુસાયત વિસ્તારમાં બની હતી, જે એક સાંકડી ગલી છે. તેથી જ રાહત-બચાવ ટીમ જલ્દી પહોંચી શકી ન હતી. શ્રદ્ધાળુઓની ભારે ભીડ હતી, જેના કારણે રેસ્ક્યુ ટીમ માટે પહોંચવું મુશ્કેલ હતું અને વિલંબ થયો હતો. સ્થાનિક લોકોએ જાતે જ કાટમાળ હટાવી ઇજાગ્રસ્તો અને મૃતકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.





