Bathinda News: પંજાબના ભટિંડા સ્થિત આર્મી બેઝ પર 12 એપ્રિલના રોજ વહેલી સવારે થયેલા ફાયરિંગમાં ચાર જવાનો શહીદ થયા હતા. ત્યારે હવે આ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. સૂત્રોનું કહેવું છે કે, પાંચ દિવસની મહેનત બાદ ભટિંડા પોલીસે ચાર જવાનોની હત્યાનો કેસ ઉકેલી લીધો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈનિકોની હત્યા સાથી જવાને જ કરી હતી. ભટિંડા પોલીસે આ કેસમાં એક સૈનિકની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ દેસાઈ મોહન તરીકે થઈ છે.
પંજાબ પોલીસ અને આર્મી હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન કમાન્ડે હત્યાનું ચોક્કસ કારણ જણાવ્યું હતું કે, આરોપીએ પોતાના અંગત કારણોસર ચાર જવાનોની હત્યા કરી હતી. આરોપીએ પહેલા મિલિટ્રી સ્ટેશનમાંથી જ રાઈફલની ચોરી કરી અને પછી તે જ રાઈફલથી ચારેય પર ફાયરિંગ કર્યું. આરોપીઓએ પરસ્પર અદાવતના કારણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.
જો કે, પોલીસના સૂત્રોએ દાવો કર્યો હતો કે આર્ટિલરીની 80 મીડિયમ રેજિમેન્ટના ગનર સૈનિકે ખુલાસો કર્યો હતો કે, તેના પર ઘણી વખત જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. તેથી તેના બદલામાં ચાર સૈનિકોને ગોળી મારી દીધી હતી.
આ કેસમાં દેસાઈ મોહન એકમાત્ર સાક્ષી હતો. તેણે જ તેના ઉપરી અધિકારીઓને જાણ કરી કે તેણે સફેદ કુર્તા-પાયજામા પહેરેલા બે માસ્ક પહેરેલા માણસોને ગુનાના સ્થળેથી ભાગતા જોયા. તેઓ કથિત રીતે ફેસમાસ્ક પહેરેલા હતા અને એક પાસે ઇન્સાસ રાઇફલ હતી, જ્યારે બીજા પાસે કુહાડી હતી. જો કે, તપાસકર્તાઓએ કહ્યું કે કેમ્પસના સીસીટીવી ફૂટેજ જે સ્કેન કરવામાં આવ્યા છે તેમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ નથી. આવી સ્થિતિમાં પોલીસને દેસાઈ મોહન પર શંકા હોવાનું સ્પષ્ટ થાય છે. પોલીસે તેની કડક પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. ભટિંડાના SSP ગુલનીત સિંહ ખુરાનાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા 80 મીડિયમ રેજિમેન્ટના જવાનની ધરપકડની પુષ્ટિ કરી.

એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, હત્યાની રાત્રે ગનરે બે વાર તપાસ કરી હતી કે તેના ચાર સાથીઓ સૂઈ રહ્યા છે કે નહીં. “જવાનો સવારે 2 વાગ્યાની આસપાસ સૂઈ ગયા હતા. તેણે થોડા દિવસો પહેલા નજીકની સેન્ટ્રી પોસ્ટમાંથી ચોરી કરેલી રાઈફલ સાથે ગુનો કરતા પહેલા સવારે 3 વાગ્યે અને ફરીથી સવારે 4 વાગ્યે ચેક ઇન કર્યું હતું,” આ હત્યા બાદ સેનાએ ભટિંડા મિલિટરી સ્ટેશન પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
મુખ્ય મથક સાઉથ વેસ્ટર્ન કમાન્ડે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે,નિવેદન અનુસાર, ગનરે તેના કબૂલાતમાં કહ્યું હતું કે તેણે 9 એપ્રિલની સવારે લોડેડ મેગેઝિન સાથે હથિયાર ચોરી અને છુપાવી દીધું હતું.
પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશનના મેસમાં બુધવારે સવારે 4.35 વાગ્યે ફાયરિંગ થયું હતું. જેમાં ચાર જવાનો શહીદ થયા હતા. તમામ જવાન 80 મીડિયમ રેજિમેન્ટના હતા. ગોળીબાર કરનાર શૂટર અંધારાનો ફાયદો ઉઠાવીને ફાયરિંગ સ્થળેથી ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારથી સુરક્ષા એજન્સીઓ આ કેસની તપાસમાં લાગેલી હતી. પંજાબ પોલીસે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ આતંકવાદી હુમલો નથી. તે સૈનિકો વચ્ચેના પરસ્પર વિવાદનો મામલો હતો. પોલીસે રવિવારે આ મામલે ચાર જવાનોની પૂછપરછ કરી હતી.