પંજાબના બઠિંડા મિલિટ્રી સ્ટેશનમાં બુધવારે તાબડતોબ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં ચાર જવાનોના મોત થયા હતા. સેનાની સ્ટેશન ક્વિક રિએક્શન ટીમે તરત સક્રિય થઇને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો. સાઉથ વેસ્ટર્ન કમાન્ડ હેડ ક્વોર્ટરે જણાવ્યું કે સવારે 4.35 વાગ્યે ફાયરિંગ થયું હતું. જેમાં ચાર જવાનો મૃત્યુ પામ્યા હતા. આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલું છે.
પંજાબ પોલીસના સૂત્રોએ કહ્યું કે આ આતંકી હુમલો નથી. તેમણે આ ફાયરિંગને કોઇપણ ટેરર એન્ગલ હોવાનો ઇન્કાર કર્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ પ્રમાણે સીનિયર સુપરીટેન્ડેટ ઓફ પોલીસ ગુલનીત સિંહ ખુરાનાએ ઘટનાની પુષ્ટી કરી હતી.
તેમણે કહ્યું કે મિલિટ્રી સ્ટેશનમાં કંઇક થયું છે. પરંતુ સેનાએ ઘટના અંગે કોઈ જાણકારી રજૂ કરી નથી. તેમણએ કહ્યું કે સેનાનું આંતરિક તપાસ અભિયાન ચાલું છે. એસએસપી ખુરાનાએ કહ્યું કે આ કોઈ આતંકી હુમલો નથી. મિલિટ્રી સ્ટેશન અંદર જ કંઇક થયું છે.
પંજાબના નાયબ પોલીસ કમિશ્નર એસ.પી.એસ પરમારે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે આ કોઇ આતંકવાદી હુમલો નથી. કોઇ બહારના લોકોએ હુમલો કર્યો નથી. આ આંતરિક ફાયરિંગની ઘટના છે.
બીજી તરફ સૂત્રોના હવાલેથી જાણકારી મળી છે કે એક દિવસ પહેલા સ્ટેશનના તોપખાના એકમમાં કેટલાક હથિયારો ગાયબ હતા. જેને શોધવા માટે એક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ભારતીય સેનાએ ઘટનામાં જીવ ગુમાવનાર પરિવારજનોને ઘટના અંગે જાણ કરી દીધી છે.