મુર્શિદાબાદ હિંસા અપડેટ: 24 વર્ષિય સપ્તમી મંડોલ આઠ દિવસના બાળકને ખોળામાં લઇને બેસી છે. બહારથી શાંત દેખાય છે પરંતુ એના રોમ રોમમાં લાવા પ્રસરી રહ્યો છે. દુ:ખનો સાગર ઘૂંઘવાટા મારી રહ્યો છે. સપ્તમી મંડોલ જેવી સ્થિતિ અહીં ઉપસ્થિત તમામની છે. બંગાળ મુર્શિદાબાદ હિંસાને પગલે આ લોકો પોતાની જ ભૂમિમાં શરણાર્થી બની ગયા છે. આ અસરગ્રસ્તોની સ્થિતિ દયનીય છે. એમની વ્યથા આંખોમાંથી વહી રહેલા આસુંઓ સ્પષ્ટ ચિતાર આપી રહ્યા છે.
આ દ્રશ્યો છે બંગાળના પરલાલપુરની એક હાઇસ્કૂલના વર્ગખંડનું. જ્યાં એક મોટી તાડપત્રીમાં સપ્તમી મંડોલ સહિત અન્ય મહિલાઓ, બાળકો અને પુરુષો લાચાર અને દયનીસ સ્થિતિમાં દિવસો વીતાવી રહ્યા છે. ગયા અઠવાડિયે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળ્યા પછી હાઇસ્કૂલના વર્ગખંડને આશ્રયસ્થાનમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે.
ઘર છોડીને શાળામાં આશરો લેનારા ચારસો જેટલા પુરુષો, સ્ત્રીઓ અને બાળકોમાં સપ્તમીનો પણ સમાવેશ થાય છે. તે ક્યારેય ગંગા નદીની પેલે પાર આવેલા પોતાના ગામમાં કે 60 કિલોમીટર દૂર રોડ માર્ગે પાછા ફરશે કે નહીં તે અંગે તેમને હવે કોઇ સંકેત દેખાતા નથી કે ખાતરી નથી.
નવા વક્ફ કાયદા વિરોધ પર થયેલી હિંસામાં પહેલાથી જ ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે, જેમાં પિતા અને પુત્ર હરગોબિંદો દાસ (72) અને ચંદન દાસ (40)નો સમાવેશ થાય છે, જેમને ટોળાએ તેમના ઘરમાંથી ખેંચીને મારી નાખ્યા હતા.જ્યારે 200 થી વધુ ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દાવો કરે છે કે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. જ્યારે બીજી તરફ આવા આશ્રયસ્થાનોમાં અસરગ્રસ્તો નિ:સહાય બન્યા છે.
“શુક્રવારે, ટોળાએ અમારા પાડોશીના ઘરને આગ લગાવી દીધી અને અમારા ઘર પર પથ્થરમારો કર્યો આટલું કહેતાં જ જાણો સપ્તમીના આંખો ભરાઇ આવી. રડતાં રડતાં તેણી જણાવે છે કે, હું અને મારા માતા-પિતા અંદર છુપાઈ ગયા અને સાંજે જ્યારે ટોળું ગયું ત્યારે અમે ત્યાંથી નીકળી ગયા.
ત્યાં સુધીમાં BSF એ પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું. અમારી પાસે ફક્ત અમારા પહેરેલા કપડાં જ છે. અમે BSF ની મદદથી ઘાટ (કામચલાઉ જેટી) આવ્યા. સપ્તમી ધુલિયનમાં રહે છે અને તેનો પતિ કોલકાતામાં કડિયાકામ કરે છે .
સપ્તમીની માતા મહેશ્વરી મંડોલે કહ્યું કે, “અંધારું હતું; અમે હોડીમાં બેસીને નદી પાર કરી. બીજી બાજુ આ ગામ હતું જ્યાં એક પરિવારે અમને રાત માટે આશ્રય આપ્યો અને કપડાં આપ્યા. બીજા દિવસે, અમે આ શાળામાં આવ્યા,”
સપ્તમીએ કહ્યું કે, “અમે નદી પાર કરી રહ્યા હતા ત્યારે મારા બાળકને તાવ આવ્યો… હવે અમે બીજાઓની દયા પર છીએ, અમે અમારી જ ભૂમિમાં શરણાર્થી બની ગયા છીએ. અમે ક્યારેય પાછા નહીં આવીએ; જો તેઓ ફરીથી અમારા પર હુમલો કરે તો શું? અમારુ શું થાય?
પરલાલપુર હાઇસ્કૂલમાં રહેતા પરિવારો સુતી, ધુલિયાં અને સમહેરગંજ જેવા વિસ્તારોમાંથી આવે છે. અહીં આશરો લઇ રહેલા ધુલિયાનના વિધવા તુલોરાની મંડોલ (56) એ કહ્યું કે, મારું ઘર બળી ગયું છે. અમે અમારા વિસ્તારમાં કાયમી BSF કેમ્પ ઇચ્છીએ છીએ; તો જ અમે પાછા ફરી શકીશું.
પહેલા માળે એક વર્ગખંડમાં બેઠેલી, લાલપુરની રહેવાસી પ્રતિમા મંડોલ (30) એ ઘણા અન્ય લોકો દ્વારા વર્ણવવામાં આવેલી શ્રેણીબદ્ધ ઘટનાઓનો પડઘો પાડ્યો – જ્યારે ટોળાએ હુલ્લડ કર્યું ત્યારે ભયથી ડરી ગયા હતા. “અમે ટેરેસ પર છુપાઈ ગયા ત્યારે ટોળાએ અમારા ઘરમાં તોડફોડ કરી. બીજા દિવસે સાંજે, અમે નદી પાર કરવા માટે હોડી લીધી. મારી પાસે એક વર્ષનું બાળક છે.
18 વર્ષના પુત્ર સાથે શાળામાં આશરો લઇ રહેલા ધુલિયાનના સબજીપટ્ટીની રહેવાસી નમિતા મંડોલ (40) એ કહ્યું કે, અમે અમારી સાથે કંઈ લાવી શક્યા નહીં. પોલીસ અને બીએસએફ આખરે જશે; ત્યારે અમારું રક્ષણ કોણ કરશે? એ વિચારથી જ ધ્રુજી જવાય છે.
વર્ગખંડોની અંદર, પથારી માટે જગ્યા બનાવવા માટે બેન્ચો દૂર કરવામાં આવી છે, સ્થાનિક ગ્રામજનો અને વહીવટીતંત્રે કપડાં, ખોરાક અને દવાની વ્યવસ્થા કરી છે. શાળાની સુરક્ષા સશસ્ત્ર પોલીસકર્મીઓ અને રેપિડ એક્શન ફોર્સના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
અસરગ્રસ્તોની મદદે આવેલા સ્થાનિક રહેવાસી રેબા બિશ્વાસ (57) અન્ય મહિલાઓ સાથે મળીને બપોરનું ભોજન રાંધતા હતા. તેણીએ કહ્યું કે, અમે શુક્રવારે રાત્રે તેમને અમારા ઘરે રાખ્યા અને પછી અહીં લાવ્યા, મધ્યાહન ભોજનનો રસોઈ ખંડ એક કામચલાઉ રસોડું બની ગયો છે, અને વર્ગખંડ ભોજન આપવા માટેનો હોલ બની ગયો છે.
કુંભીરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. પ્રસેનજીત મંડોલે જણાવ્યું હતું કે, “અહીં એક ગર્ભવતી મહિલા છે, જ્યારે બીજી એક મહિલા જે પ્રસૂતિ થવાની હતી તેને બેદ્રાબાદ ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.”
કાલિયાચોક 3 બ્લોક વિકાસ અધિકારી સુકાંત સિકદારે જણાવ્યું કે, અમે અહીં પરિવારો માટે રહેવાની વ્યવસ્થા કરી છે. અમે પુખ્ત વયના લોકોને ભાત, દાળ, બટાકા અને ઈંડા, શિશુઓને હલકો ખોરાક અને બાળકોને દૂધ પીરસીએ છીએ. વહીવટીતંત્રે તાડપત્રી ચાદર અને પૂરતું પીવાનું પાણી પૂરું પાડ્યું છે,”
મુર્શિદાબાદ હિંસા, વાંચો ગ્રાઉન્ટ ઝીરો રિપોર્ટ
ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદારે શાળાની મુલાકાત લીધી અને ત્યાં આશ્રય લેનારાઓને મદદ કરવાનું વચન આપ્યું. તેઓ પહોંચ્યા તે પહેલાં થોડો હંગામો થયો હતો કારણ કે પોલીસે દરવાજા બંધ કરી દીધા હતા અને કહ્યું હતું કે બહારના લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી. જોકે, આખરે તેમને અંદર જવા દેવામાં આવ્યા હતા.