Bengal Panchayat Election : પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીને લઈને શરૂ થયેલી હિંસા અટકવાનું નામ લેતી નથી. શનિવારે કેન્દ્રીય મંત્રી નિશીથ પ્રમાણિકના કાફલા પર કથિત રીતે પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ હુમલો કર્યો હતો. જોકે ટીએમસીએ તેને ફગાવી દીધો છે. રિપોર્ટ પ્રમાણે હિંસા વચ્ચે આજે પૂર્વ પ્રધાન અને ટીએમસી નેતાની હત્યા કરી દેવામાં આવી છે. ટીએમસીના ધારાસભ્ય સબિના યાસ્મીને કહ્યું કે કોંગ્રેસના કાર્યકરોએ પૂર્વ પ્રધાન મુસ્તફા શેખની હત્યા કરી છે. ચૂંટણી પંચમાં તેની ફરિયાદ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે આ રાજકીય હત્યા છે. જે લોકો ટીએમસીને જમીની સ્તરેથી ખતમ કરવા માગે છે તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. તેઓ કોંગ્રેસમાં જોડાયા છે અને આ પછી તેઓએ ઉપદ્રવ કરવાનું શરૂ કરી દીધું છે.
કેન્દ્રીય મંત્રીના કાફલા પર હુમલો
શનિવારે સાહિબગંજ વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી નિશીથ પ્રમાણિકના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે પ્રમાણિકે બ્લોક ડેવલપમેન્ટ ઓફિસની મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં આગામી પંચાયતની ચૂંટણીઓ માટેના નામાંકન પત્રોની ચકાસણી કરવામાં આવી રહી હતી. મંત્રીએ દાવો કર્યો હતો કે ટીએમસીના કાર્યકરોએ બીડીઓ ઓફિસનો રસ્તો બંધ કરવાની જાણ થયા પછી તેઓ અહીં પહોંચ્યા હતા.
આ પણ વાંચો – કોંગ્રેસનો પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર, કહ્યું – શું મણિપુર ભારતનો ભાગ છે? જો હા તો પીએમ ચુપ કેમ છે
તેમણે કહ્યું કે જ્યારે મેં બીડીઓ ઓફિસ જવાનો પ્રયાસ કર્યો ત્યારે મારા કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અમારા પર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. ટીએમસીના કાર્યકરોએ અમારી પાર્ટીના કાર્યકરોને માર માર્યો હતો અને અમારા ઉમેદવારોના કાગળો ફાડી નાખ્યા હતા. આ સમય દરમિયાન પોલીસ ચૂપચાપ બધું જોતા ઊભી રહી હતી.
ટેલિવિઝન ફૂટેજમાં બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું
ટેલિવિઝન ફૂટેજમાં બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. આ દરમિયાન આ બોલાચાલી દરમિયાન દેશી બનાવટના બોમ્બ ફેંકવામાં આવ્યા છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા ટીએમસી નેતા અને ઉત્તર બંગાળના વિકાસ મંત્રી ઉદયન ગુહાએ ભાજપ પર રાજ્યમાં શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળવા માટે તેમના કાર્યકરોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો.





