Bengal panchayat poll violence : પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી દરમિયાન મોટા પાયે હિંસા જોવા મળી છે. ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે અને મોટા સ્તરે ધાંધલી જોવા મળી છે. આ દરમિયાન રાજ્ય ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના લગભગ 604 મતદાન મથકો પર સોમવારે ફરીથી વોટિંગ કરાવવાનો આદેશ આપ્યો છે. રાજ્યના ચૂંટણી કમિશનર રાજીવા સિંહાએ માહિતી આપી હતી કે સોમવારે કેન્દ્રીય દળોની હાજરીમાં ફરીથી મતદાન યોજાશે. બીજેપીએ ચૂંટણી પંચને પત્ર લખીને ફરી વોટિંગ કરાવવાની માંગણી કરી હતી.
હિંસાની સૌથી વધુ ઘટનાઓ મુર્શિદાબાદ જિલ્લામાં નોંધાઇ છે. જેમાં 175 બૂથ પર ફરીથી મતદાન થશે. આ પછી માલદા જિલ્લામાં 112 બૂથ પર ફરીથી મતદાન કરવામાં આવશે. નાદિયા જિલ્લામાં 89 જેટલા બૂથ પર ફરીથી મતદાન થશે. આ સિવાય જ્યારે ઉત્તર 24 પરગણા જિલ્લાના 46 બૂથ અને દક્ષિણ 24 પરગણા જિલ્લાના 36 બૂથ, પૂર્વ મિદનાપુર જિલ્લાના 31 બૂથ પર અને હુગલી જિલ્લાના 29 બૂથ પર ફરીથી મતદાન કરવામાં આવશે.
આ પણ વાંચો – હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી તબાહી, 9 લોકોના મોત, ઘણા રસ્તાઓ ધોવાઇ ગયા
કૂચબિહાર જિલ્લામાં 54 અને ઉત્તર દિનાજપુર જિલ્લામાં 42 બૂથ પર ફરીથી મતદાન થશે. નોંધનીય છે કે દક્ષિણ 24 પરગણા જિલ્લાના ભાંગર વિસ્તારમાં ફરી મતદાન થશે નહીં જ્યાં હિંસા થઈ હતી. દાર્જિલિંગ, કાલિમપોંગ અને ઝારગ્રામ જિલ્લાઓમાં ફરી મતદાન થશે નહીં, જ્યાં ચૂંટણી મોટાભાગે શાંતિપૂર્ણ રહી હતી.
આ દરમિયાન રાજ્યપાલ સીવી આનંદ બોઝ રવિવારે નવી દિલ્હી ગયા હતા. જ્યાં તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળશે અને રાજ્યમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અંગેનો અહેવાલ સુપરત કરે તેવી શક્યતા છે. આનંદ બોઝ સોમવારે સવારે અમિત શાહને મળે તેવી શક્યતા છે.
પંચાયત ચૂંટણીમાં હિંસા, અત્યાર સુધી 33 લોકોના મોત
પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હિંસક ઘટનાઓમાં શનિવારે મોડી સાંજ સુધીમાં 13 લોકોના મોત થયા છે. નોંધનિય છે કે, જે દિવસે મતદાનની જાહેરાત કરવામાં આવી હતી તે 8 જૂનથી અત્યાર સુધીમાં હિંસક ઘટનાઓમાં મૃત્યુઆંક 33 સુધી પહોંચી ગયો છે.





