બેંગલુરુની એક કોર્ટે ટ્વિટરને કોંગ્રેસ પાર્ટી અને ભારત જોડો યાત્રાના ટ્વિટર એકાઉન્ટને અસ્થાયી રૂપે બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનિય છે કે, MRT મ્યુઝિક દ્વારા આ એકાઉન્ટ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફિલ્મ KGF ચેપ્ટર-2ના ટ્રેકનો ખોટી રીતે ઉપયોગ કરીને MRT મ્યુઝિકના કોપીરાઈટનો ભંગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે MRT મ્યુઝિકે રાહુલ ગાંધી, જયરામ રમેશ અને સુપ્રિયા શ્રીનેત વિરુદ્ધ યશવંતપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.
શું છે સમગ્ર મામલો
તમને જણાવી દઈએ કે કોંગ્રેસના સત્તાવાર એકાઉન્ટ અને ભારત જોડો યાત્રાના હેન્ડલ પર આરોપ છે કે આ હેન્ડલ પરથી KGF-2ના ગીતો સાથેનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આમ કરવાથી કોપીરાઈટનું ઉલ્લંઘન થયું હોવાનો આરોપ છે. એમઆરટી મ્યુઝિક કંપનીએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે તેણે હિન્દીમાં KGF-2 ગીતોના અધિકારો મેળવવા માટે ઘણા પૈસા ચૂકવ્યા હતા. તેથી, આ રીતે તેનો ઉપયોગ કરવો એ કૉપિરાઇટ ઉલ્લંઘન છે.
એમઆરટી મ્યુઝિક દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મના ગીતોનો ઉપયોગ ખોટી કરવામાં આવ્યો છે. કારણ કે ભારત જોડો યાત્રાનો હેતુ રાજકીય છે. અદાલતે જારી કરેલા પોતાના આદેશમાં ટ્વિટરને કોંગ્રેસ અને ભારત જોડો યાત્રા – આ બંને હેન્ડલ પરથી ત્રણ લિંક હટાવવાની સાથે સાથે આ બંનેના ટ્વિટર હેન્ડલને પણ હંગામી ધોરણે બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. હવે આ કેસન 21 નવેમ્બરના રોજ વધુ સુનાવણી થશે.
નોંધનિય છે કે, આરોપ મુજબ, કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં રાહુલ ગાંધીના મોશન શોટ્સ દેખાઈ રહ્યા છે અને તે જ સમયે બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં રણધીરા ટ્રેક સંભળાઇ છે.