કિરણ પરાશર : બેંગલુરુમાં નિર્માણાધીન મેટ્રો પિલર પડવાની ઘટનામાં એક મહિલા અને તેના અઢી વર્ષના પુત્રનું મોત થયું છે. મહિલાના પિતાએ બુધવારે કર્ણાટક સરકાર પાસે દુર્ઘટના માટે જવાબદાર લોકોને દંડિત કરવાની માંગણી કરી છે. મંગળવારે બેંગલુરુ મેટ્રોલ રેલ કોર્પોરેશન લિમિટેડના એક નિર્માણાધીન મેટ્રોનો પિલર મોરટસાઇકલ પર પડવાથી સોફ્ટવેર એન્જીનિયર તેજસ્વિની (28)અને તેના પુત્ર વિહાન (2.5)નું મોત થયું હતું. તે પોતાના પતિ લોહિત સોલેક સાથે પોતાની પુત્રી વિસ્મિતા અને પુત્ર વિહાનને પ્લે સ્કૂલમાં છોડવા માટે ગઇ હતી. દુર્ઘટનામાં સોલેક અને વિસ્મિતા બાલ-બાલ બચી ગયા હતા.
તેજસ્વિનીના પિતા મદને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મને તેમની સહાયની જરૂર નથી. હું તેમને એક કરોડ રૂપિયા આપીશ. શું મુખ્યમંત્રી મારી પુત્રી અને પૌત્રનો જીવ પાછો લાવી શકે છે? આ પૈસા વિશે નથી. બીએમઆરસીએલ અને ઠેકેદાર નાગાર્જુન કંસ્ટ્રક્શન કંપની લિમિટેડ તરફથી સ્પષ્ટ ચૂક થઇ છે.
તેજસ્વિનીના પિતાની ટિપ્પણી બીએમઆરસીએલ દ્વારા 20 લાખ રૂપિયાની સહાયની જાહેરાત પછી આવી છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ મૃતકના પરિવારને 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે હું ઇચ્છું છું કે સરકાર ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકે અને લોકોના જીવ બચાવે. સરકારે ઠેકેદારને બ્લેકલિસ્ટ કરવાની જરૂર છે અને અધિકારીઓની ધરપકડ કરવાની પણ જરૂર છે. જો મુખ્યમંત્રીએ કોઇ સખત કાર્યવાહી ના કરી તો સેંકડો લોકોના જીવ જોખમમાં પડી જશે. આ યોગ્ય સમય છે, તેમણે આ કરવું જોઇએ.
આ પણ વાંચો – જોશીમઠ : પ્રભાવિત પરિવારોને 1.50 લાખ રૂપિયા આપશે ધામી સરકાર, માર્કેટ રેટ પર આપશે જમીનની સહાય
કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેંન્દ્રએ કહ્યું કે બીએમઆરસીએલ અને એનસીસીના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. એનસીસીના જૂનિયર એન્જીનિયર પ્રભાકર, નિર્દેશક ચૈતન્ય, સ્પેશ્યલ પ્રોજેક્ટ મેનેજર મથાઇ, પ્રોજેક્ટ મેનેજર વિકાસ સિંહ, સુપરવાઇઝર લક્ષ્મીપથુ, બીએમઆરસીએલના એક્ઝિક્યુટિવ એન્જીનિયર મહેશ બેંડેકરી અને ડેપ્યુટી ચીફ એન્જીનિયર વેંકટેશ શેટ્ટીનું નામ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું છે.