Bharat Jodo Nyay Yatra : અસમમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ફરી હંગામો થયો છે. જયરામ રમેશની કાર પર હુમલો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતાએ દાવો કર્યો હતો કે જ્યારથી અસમમાં તેમની યાત્રા શરૂ થઈ છે, ત્યારથી ભાજપના કાર્યકરો સતત પડકારો ઉભા કરી રહ્યા છે. રવિવારે પણ તેમના વાહન પર હુમલો થયો હતો, વિંડશિલ્ડ પર ભારત જોડો ન્યાય યાત્રાના સ્ટીકરો લાગેલા હતા તે પણ ફાડી નાખ્યા હતા.
જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોતાની કારની તસવીર શેર કરતા લખ્યું કે થોડા સમય પહેલા સુનીતપુરમાં મારી કાર પર હુમલો કરવામાં આવ્યો. ભાજપના ગુંડાઓએ ભારત જોડો ન્યાય યાત્રાના સ્ટીકરો પણ ફાડી નાખ્યા હતા. તેમની તરફથી પાણી ફેંકવામાં આવ્યું હતું અને યાત્રાના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. અમે સંયમ જાળવી રાખ્યો અને ત્યાથી ચાલ્યા ગયા. આમાં અસમના મુખ્યમંત્રીનો હાથ છે. અમે ડરવાના નથી.
આ પહેલા પણ અસમમાં કોંગ્રેસની યાત્રા પર હુમલો થયો હતો ત્યારે પણ પાર્ટીએ ભાજપ પર આરોપ લગાવ્યા હતા. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે અસમના ઉત્તર લખીમપુરમાં ભારત જોડો ન્યાય યાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘણા બેનરો અને પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડાયેલા તમારા દરેક સવાલોના જવાબ
ત્યારે જયરામ રમેશે ટ્વિટ કરીને કહ્યું કે અસમના લખીમપુરમાં ભાજપના ગુંડાઓએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ના કાફલા પર હુમલો કર્યો હતો. ભાજપના ગુંડાઓએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ના પોસ્ટરો અને બેનરો ફાડી નાખ્યા હતા અને વાહનોમાં તોડફોડ કરી હતી. આ કાયરતાપૂર્ણ અને શરમજનક કૃત્ય દર્શાવે છે કે ભાજપ સરકાર ‘ભારત જોડો ન્યાય યાત્રા’ને મળી રહેલા પ્રેમ અને જનસમર્થનથી ગભરાયેલી અને ભયભીત છે. પણ મોદી સરકાર અને અસમના સીએમ, જે તેની સૂચનાઓનું પાલન કરે છે, તેમણે આ વાત સારી રીતે સમજવી જોઈએ – આ ભારતની યાત્રા છે, અન્યાય સામે ન્યાયની યાત્રા છે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ને કોઈ શક્તિ રોકી શકતી નથી.
લોકસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસની આ ભારત ન્યાય યાત્રા મહત્વની છે. જે 110 જિલ્લાઓમાંથી આ યાત્રા નીકળવાની છે, તેમાંથી કોંગ્રેસ સીધી 100 લોકસભા સીટ અને 337 વિધાનસભા સીટને સાધવા જઈ રહી છે. દેશની સૌથી જૂની પાર્ટી આ યાત્રા દ્વારા મણિપુર, નાગાલેન્ડ, અસમ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, ગુજરાત જેવા ઘણા રાજ્યોમાં કવર કરી રહી છે.





