Bharat Jodo Nyay Yatra Updates : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જાતિય સંઘર્ષગ્રસ્ત મણિપુરના થૌબલથી ભારત જોડો ન્યાય યાત્રાને લીલી ઝંડી બતાવી હતી. આ સાથે જ કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થઈ ગઇ છે. રવિવારે સાંજે લગભગ 4:30 વાગ્યે ખોંગજોમ વોર મેમોરિયલથી યાત્રા શરૂ થઈ હતી. આ યાત્રા 6,713 કિમીનું અંતર કાપશે. જેમાં 100 લોકસભા મતવિસ્તારો, 337 વિધાનસભા મત વિસ્તાર અને 110 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ યાત્રા 67 દિવસ બાદ 20 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે.
યાત્રા પહેલા મણિપુર હિંસા પર રાહુલ ગાંધીએ કહ્યુ કે દરેક ખૂણામાં નફરત ફેલાઈ, લાખોનુ નુકસાન થયુ, જાનહાની થઇ પરંતુ દેશના પ્રધાનમંત્રી તમને લોકોને મળવા ન આવ્યા. રાહુલે કહ્યું કે કદાચ મણિપુર પીએમ મોદી માટે ભારતનો હિસ્સો નથી, પરંતુ અમે લોકોના મનની વાત સાંભળવા માંગીએ છીએ. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશમાં મોંઘવારી અને બેરોજગારી ચરમસીમાએ છે. ભાજપ માટે મણિપુર દેશનો હિસ્સો નથી. અમે અગાઉ ભારત જોડો યાત્રા કરી હતી. અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. લોકોએ તેમની પીડા મારી સાથે શેર કરી હતી.
રાહુલ ગાંધીએ જણાવ્યું – મણિપુરથી કેમ શરૂ કરી યાત્રા
રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણીમાં હવે વધારે સમય બચ્યો નથી. તેથી પગપાળાની સાથે બસની સફર પણ કરવાનું નક્કી કર્યું. પ્રવાસ ક્યાંથી શરૂ કરવો તે પ્રશ્ન ઊભો થયો, કેટલાકે કહ્યું કે પશ્ચિમથી કરો, કેટલાકે પૂર્વમાંથી કહ્યું. મેં સ્પષ્ટપણે કહ્યું હતું કે આગામી ભારત જોડો યાત્રા મણિપુરથી જ શરૂ થઈ શકે છે. મણિપુરમાં ભાજપની નફરતની રાજનીતિ છે. રાહુલની સાથે અશોક ગેહલોત, સચિન પાયલટ, દિગ્વિજય સિંહ, સલમાન ખુર્શીદ, આનંદ શર્મા અને રાજીવ શુક્લા જેવા સીનિયર નેતા મણિપુર પહોંચ્યા હતા.
પંડિત નેહરુએ મણિપુરને ભારતનું ઘરેણું ગણાવ્યું હતું – મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સભાને સંબોધિત કરતા કહ્યું કે મોદીજી સમુદ્રમાં ફરવા જાય છે, રામ-રામના નારા લગાવે છે પરંતુ મણિપુર જતા નથી. તેમના મોઢામાં રામ છે પણ બગલમાં છરી છે. જ્યારે પંડિત નેહરુએ પ્રથમ વખત મણિપુરની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે તેને ભારતનું ઘરેણું ગણાવ્યું હતું. આ જ વાત ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ કહી હતી. આ મણિપુરની ભૂમિ છે, જેણે આઝાદીની લડાઈ લડી હતી.
આ પણ વાંચો – મિલિંદ દેવરાએ પાર્ટી છોડી, કોંગ્રેસનો આરોપ – રાજીનામાનો સમય પીએમ મોદીએ નક્કી કર્યો હતો
અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે મકરસંક્રાંતિના પાવન અવસરે ન્યાય માટેની આ યાત્રા મણિપુરથી શરૂ થઇ રહી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ યાત્રા પૂર્વથી પશ્ચિમ એટલે કે મણિપુરથી મુંબઈ સુધી જશે. યાત્રા સફળ થાય કે નિષ્ફળ જાય તે અલગ બાબત છે, તે વિચારધારાની લડાઈ છે. માત્ર કોંગ્રેસ પાર્ટીની વિચારધારા જ દેશને બચાવી શકે છે. આ યાત્રાને ચૂંટણીમાં જીત કે હાર સાથે કોઈ લેવાદેવા નથી.
કોંગ્રેસે કહ્યું હતું કે આ કોઈ ચૂંટણી યાત્રા નથી પરંતુ રાહુલની યાત્રા 2.0 જે લોકસભા મતવિસ્તારોમાંથી પસાર થશે તેની યાદીથી સંકેત મળે છે કે પાર્ટી હિન્દી વિસ્તારો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ પહેલા રાહુલ ગાંધી કન્યાકુમારીથી શ્રીનગર સુધી 3000 કિમીથી વધુ પગપાળા યાત્રા કરીને ગયા હતા.
યુપીમાં સૌથી લાંબી હશે ન્યાય યાત્રા
ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરમાં એક દિવસ રોકાશે. ત્યારબાદ તે નાગાલેન્ડમાં પ્રવેશ કરશે અને બે દિવસમાં 257 કિમી અને 5 જિલ્લાઓને આવરી લેશે અને આઠ દિવસમાં આસામમાં 833 કિમી અને 17 જિલ્લાઓને આવરી લેશે. ત્યારબાદ આ યાત્રા એક-એક દિવસ માટે અરુણાચલ પ્રદેશ અને મેઘાલય જશે. આ યાત્રામાં ઉત્તર પ્રદેશના 20 જિલ્લાઓને આવરી લેવામાં આવશે, જેમાં વધુમાં વધુ 11 દિવસનો સમય થશે.
ઓડિશામાં 4 દિવસમાં 341 કિ.મી.
ઓડિશામાં ન્યાય યાત્રા ચાર દિવસમાં 341 કિમી અને ચાર જિલ્લાઓને આવરી લેશે અને છત્તીસગઢમાં તે પાંચ દિવસમાં 536 કિમી અને સાત જિલ્લાઓને આવરી લેશે.
પશ્ચિમ બંગાળમાં 5 દિવસ સુધી ચાલશે યાત્રા
આ યાત્રા પશ્ચિમ બંગાળમાં પાંચ દિવસ સુધી ચાલશે, જેમાં 523 કિમી અને 7 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. બિહારમાં 425 કિમી અને 7 જિલ્લાઓને 4 દિવસ માટે આવરી લેવામાં આવશે. ઝારખંડમાં આ યાત્રા આઠ દિવસમાં 804 કિમી અને 13 જિલ્લાઓને આવરી લેશે.
મધ્ય પ્રદેશમાં 7 દિવસમાં 698 કિમી
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની યાત્રા 7 દિવસમાં 698 કિમી અને 9 જિલ્લાઓને આવરી લેશે. તે એક દિવસમાં રાજસ્થાનના 2 જિલ્લામાં જશે. રાહુલની યાત્રા ગુજરાત અને મહારાષ્ટ્રમાં પાંચ-પાંચ દિવસ સુધી ચાલશે, જે અનુક્રમે 445 કિમી અને 479 કિમીનું અંતર કાપશે. તેનું સમાપન 20 અથવા 21 માર્ચે મુંબઇમાં થશે.