Bharat Jodo Yatra in UP: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલમાં ઉત્તર પ્રદેશના પશ્વિમી વિસ્તારમાં છે. ગુરૂવારે સવારે આ યાત્રા શામલી જિલ્લાના એલમથી આગળ વધી છે. યૂપીના જાટલેન્ડથી પસાર થતાં ભારત જોડો યાત્રાને રાષ્ટ્રીય લોક દળ (RLD) નો સાથ મળ્યો છે. આ અગાઉ પશ્વિમ યૂપીમાં ફારૂક અબ્દુલા એમની યાત્રામાં જોડાયા હતા. નેશનલ કોન્ફરન્સ બાદ રાષ્ટ્રીય લોક દળ (RLD) બીજી વિપક્ષ પાર્ટી છે જે યૂપીમાં રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાઇ છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે સપા બસપા સહિત અન્ય ભાજપ સિવાયના પક્ષોને આ યાત્રામાં જોડાવા આમંત્રિત કર્યા હતા પરંતુ એ અત્યાર સુધી દુર રહ્યા છે.
ઉત્તર પ્રદેશના શામલીમાં પણ જોરદાર પ્રતિસાદ
ભારત જોડો યાત્રાનું બુધવારે રાષ્ટ્રીય લોકદળના મોટા નેતાઓએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું અને એમની સાથે યાત્રામાં જોડાયા. આરએલડીના નેતાઓ, કાર્યકરો પણ બાગપત જિલ્લામાં હાજર રહ્યા હતા. તેઓ ગુરૂવારે શામલીમાં પણ જોડાયા. અહીંથી યાત્રા હરિયાણામાં પ્રવેશ કરશે.
જયંત ચૌધરી વિદેશમાં હોવાથી ન જોડાયા, અન્ય નેતાઓ જોડાયા
ઉત્તર પ્રદેશમાં ત્રણ દિવસમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પશ્વિમી યૂપી વિસ્તારમાં રહી જે આરએલડીનો ગઢ કહેવાય છે. મંગળવારે જયંત ચૌધરીએ ટ્વિટ કરી યાત્રાની સરાહના કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, તપશ્વર્યા બાદ માટીથી બનેલી ઇંટો આસમાનને સ્પર્શે છે. ભારત જોડો યાત્રાના તપસ્વીને નમન, ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલ આ અભિયાન સાર્થક થાય અને લોકોને દેશની સંસ્કૃતિથી એક બીજાને જોડતું રહે, આરએલડી નેતાઓએ કહ્યું કે જયંત ચૌધરીએ પાર્ટી નેતૃત્વને યાત્રામાં જોડાવા કહ્યું છે અને અફસોસ પણ વ્યક્ત કર્યો કે તેઓ હાલમાં વિદેશમાં છે નહીં તો તેઓ પણ આ યાત્રામાં અવશ્ય જોડાતા.
ભારત જોડો યાત્રા દેશને એક કરવાની પહેલ
આરએલડીના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, અમે આને રાજકીય ચશ્માથી જોતા નથી. અમે આને કોંગ્રેસ અને રાહુલજીની દેશને એક કરવાની પહેલના રૂપમાં જ જોઇએ છીએ. અમે એક વિચારધારાને અનુસરીએ છે અને અમારી પાર્ટી પણ સમાજમાં એકતા વધે એ માટે કાર્ય કરે છે.
સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષી નેતાઓએ યાત્રાના કર્યા વખાણ
કોંગ્રેસના યૂપી સોશિયલ મીડિયા સેલ પ્રભારી પંખુડી પાઠકે કહ્યું કે, રાજ્યમાં મુખ્ય વિપક્ષી દળના પ્રમુખ યાત્રામાં જોડાઇ શક્યા નથી પરંતુ અખિલેશ યાદવ, માયાવતી જી અને જયંત ચૌધરી સહિતે ભારત યાત્રા જોડા અભિયાનના વખાણ કર્યા છે અને એમની પાર્ટીના કાર્યકર્તાઓને અમારી સાથે જોડાવા આહ્વાન કર્યું છે.
સોનિયા ગાંધી હોસ્પિટલમાં, પ્રિયંકા ગાંધી જોડાઇ ન શક્યા
બાગપતની બેઠક બાદ રાહુલ ગાંધી દિલ્હી આવ્યા હતા અને ગુરૂવારે સવારે શામલી પગપાળા યાત્રા માટે બડોત માટે રવાના થયા છે. સોનિયા ગાંધીને ચેક અપ માટે હોસ્પિટલ લઇ જવાતાં કોંગ્રેસના યૂપી પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા બુધવારે યાત્રામાં જોડાઇ શક્યા ન હતા.
ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા
ભારત જોડો યાત્રા ભારતની એકતા માટે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશને મજબૂત કરવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ કરવામાં આવી હતી. 12 રાજ્યોમાંથી પસાર થઇને જમ્મુ કાશ્મીરમાં સમાપ્ત થશે. આ યાત્રા અંદાજે 3500 કિલોમીટરની છે.