કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શરૂ કરેલી ‘ભારત જોડો યાત્રા’ શરૂઆતથી વિવાદોની વચ્ચે રહી છે. હવે રાહુલ ગાંધીએ પહેરેલી સફેદ ટી-શર્ટને લઇને વિવાદ સર્જાયો છે. દેશમાં હાલ શિયાળીની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં માત્ર ટી-શર્ટ પહેરીને ભાગ લઇ રહ્યા છે તે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં આ યાત્રા ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહી છે જ્યાં ભારે શીતલહેર અને હાડ થીજવતી આંકરી ઠંડી પડી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ કહ્યું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમના ટી-શર્ટની નીચે થર્મલ-વેર પહેર્યું હતું. તો કોંગ્રેસે પલટવાર કરતા ‘ભક્તો’ને (ભાજપ કાર્યકર્તાઓ) ને નિરાશ નસ્લ’ કહીને બદલો લીધો હતો.
રાહુલ ગાંધીની ટી-શર્ટ અંગે ભાજપના નેતાનો દાવો
આ પહેલા ભાજપના નેતા મનજિન્દર સિંહ સિરસાએ રાહુલ ગાંધીના ટી-શર્ટના ફોટોને ઝૂમ કરીને ટ્વિટ કર્યુ કે, “સ્લીવલેસ થર્મલ અને બટન વાળી ટી-શર્ટ રાહુલ ગાંધીના નકલી તપસ્વી હોવાના દાવાને ઉજાગર કરી રહી છે. શિયાળાની ઋતુમાં ઠંડી લાગવી સામાન્ય બાબત છે. રાહુલ ગાંધીની ટી-શર્ટ પહેરીને ખોટો પ્રચાર કરવો એ એક સૌનું ધ્યાન આકર્ષિત કરવાની યુક્તિ અને નૌટંકી સિવાય બીજું કંઈ નથી.” તો તેની પહેલા પોતાને બીજેપી કાર્યકર્તા ગણાવનાર પ્રીતિ ગાંધીએ કહ્યું હતું કે, ‘તપસ્વીઓ થર્મલ પહેરે છે’.
કોંગ્રેસનો વળતો પ્રહાર
કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે વળતો પ્રહાર કરતા કહ્યું, “ભક્તો – એક હતાશ નસ્લ છે. તેઓ હવે સામૂહિક રીતે ઝૂમ કરી રહ્યા છે અને રાહુલ ગાંધીની ‘ગરદન’ અને ‘છાતી’, તેમના ટી-શર્ટ પરની ‘કરચલીઓ’ના સ્ક્રીનશોટ લઈ રહ્યા છે. આ બધુ જ નિરાશાજનક છે!” તે જ સમયે, કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના રાષ્ટ્રીય સંયોજક રુચિરા ચતુર્વેદીએ કહ્યું કે, “2 રૂપિયાના ટ્રોલ્સ સફેદ ટી-શર્ટથી આટલા ગુસ્સે કેમ છે.”
કડકડતી ઠંડીમાં કોંગ્રેસના કાર્યકરોએ કપડાં ઉતારી ડાન્સ કર્યો
બીજી તરફ હરિયાણામાં ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ કપડા ઉતારીને કડકડતી ઠંડીમાં ડાન્સ કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. હરિયાણાના કરનાલમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો કપડા વગર ડાન્સ કરતો વીડિયો ન્યૂઝ એજન્સી ANIએ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં કોંગ્રેસના કાર્યકરો જોરદાર ડાન્સ કરી રહ્યા છે. વધુમાં, કોંગ્રેસ સેવા દળે રાહુલને ગળે લગાડેલી ભીડનું ઉદાહરણ ટ્વીટ કરતા કહ્યું: “અમે ભારતના લોકોના ઋણી છીએ, જેમના પ્રેમની ઉષ્માએ રાહુલ ગાંધીને યાત્રામાં જતા સમયે ઠંડી લાગવા દીધી નથી. ન્યૂઝ એજન્સી ANIએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને ટાંકીને કહ્યું કે, “આ (અત્યંત ઓછા કપડામાં ઠંડી સહન કરવી) દેશમાં પહેલીવાર નથી થઈ રહ્યું. નાગા સાધુ, દિગંબર જૈન મુનિ, ઘણા લોકો કપડા વગર રહે છે. જે લોકો રાહુલ ગાંધીને લઈને વિવાદ ઉભો કરી રહ્યા છે તેમના પર સંશોધન થવું જોઈએ.
પહેલા દિવસથી જ રાહુલ ગાંધીની ટી-શર્ટ ચર્ચાનો વિષય રહી
ભારત જોડો યાત્રાની દરેક બાબતની જેમ યાત્રાના પ્રથમ દિવસથી જ રાહુલ ગાંધીની સફેદ ટી-શર્ટ ચર્ચાનો વિષય રહી છે. યાત્રાની શરૂઆતમં ભાજપે રાહુલ ગાંધીની “રૂ. 41,000ની કિંમત જેટલી ટી-શર્ટ” પહેરવા બદલ નિશાન ટાંક્યુ હતુ. જ્યારે સલમાન ખુર્શીદ જેવા કોંગ્રેસના નેતાઓએ આટલી ઠંડીના વાતાવરણમાં માત્ર ટી-શર્ટ પહેરીને યાત્રામાં સામેલ થવા બદલ રાહુલ ગાંધીની તુલના એક સંન્યાસી સાથે કરી હતી, ત્યારે રાહુલ ગાંધીએ પોતે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેમને ઠંડી લાગતી નથી કારણ કે તેઓ ઠંડીથી ડરતા નથી.