કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરી છે, જેમાં તેઓ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલીને યાત્રા કરશે. ભારત જોડો યાત્રા હાલ મધ્યપ્રદેશમાં છે અને આજે રાજસ્થાન પહોંચશે. ભારતીય રાજનીતિ પર ભારત જોડો યાત્રાની અસર વિશે અલગ-અલગ વાતો કહેવામાં આવી રહી છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ ભારત જોડો યાત્રા વિશે શરૂઆતથી જ કહી રહ્યા છે કે આ યાત્રાનો ઉદ્દેશ્ય નફરત સામે ભારતને એક કરવાનો છે. તેને ચૂંટણી કે રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી.
ધી ઇન્ડિયન એક્સપ્રેસના ઇનસાઇડ ટ્રેકમાં છપાયેલા કુમી કપૂરના (Coomi Kapoor) એક લેખમાં મહારાષ્ટ્રમાં ભારત જોડો યાત્રામાં સામેલ બે યુવા નેતાઓનો ઉલ્લેખ કરાયો છે. આ બંને યુવા નેતાઓ મહારાષ્ટ્ર મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનના છે. આ બંને નેતાઓએ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીને કેટલાક આવા પ્રશ્નો પૂછ્યા જે રાહુલ ગાંધીને પસંદ ન આવ્યા.
તેલંગાણામાં કોંગ્રેસની ડિપોઝીટ શા માટે જપ્ત થઇ?
ઈનસાઈડ ટ્રેકમાં કોમી કપૂરના આર્ટીકલ મુજબ, આ યુવા નેતાઓમાંથી એક નેતા રાહુલ ગાંધીને પૂછ્યું કે જો ભારત જોડો યાત્રા રાજકીય ફાયદા આપી રહી છે, તો તાજેતરમાં તેલંગાણામાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની ડિપોઝીટ કેવી રીતે જપ્ત થઇ શકે? આ સાથે જ તેમણે રાહુલ ગાંધીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સૂચન કર્યું હતું. તેલંગાણામાં ભારત જોડો યાત્રા વચ્ચે મુનુગોડેમાં યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી.

કોંગ્રેસને અહીં કુલ 23864 વોટ મળ્યા છે. એવી ચર્ચા હતી કે તેલંગાણાના દિગ્ગજ નેતાઓ ચૂંટણીથી દૂર ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે અને તેમણે આ પેટાચૂંટણીને મહત્વ આપ્યું નથી. MVA નેતાએ રાહુલ ગાંધીને સલાહ આપી કે તેમણે ગુજરાતની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
આવા પ્રશ્નોથી પરેશાન રાહુલ ગાંધી
ભારત જોડો યાત્રામાં સામેલ અન્ય એક નેતાએ રાહુલ ગાંધીને સૂચન કર્યું કે, જો કોંગ્રેસે વિપક્ષમાં મજબૂત સ્થિતિ જાળવી રાખવી હોય તો ઉત્તર પ્રદેશની યાત્રા પર વધુ ધ્યાન આપવું જોઈએ.
કુમી કપૂરના આર્ટીકલ મુજબ, આ સવાલોથી પરેશાન રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાના સંચાલકોને ભવિષ્યમાં ગઠબંધન સાથીદારો મળવા આવે તેની પહેલા તેમને જાણ કરવાનુ સૂચન કર્યુ છે. તેઓએ સમજવું જોઈએ કે આ ભારત જોડો યાત્રાનો ઉદ્દેશ્ય અલગ છે.