Bharat jodo yatra: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અત્યારના સમયમાં મીડિયામાં છવાયેલી છે. ગુરુવારે છ ઓક્ટોબરના રોજ આ યાત્રામાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ જોડાયા હતા. કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી જનારી આ યાત્રા અત્યારે કર્ણાટક પહોંચી છે. ગુરુવારે યાત્રામાં રાહુલ ગાંધી પોતાની માતા સોનિયા ગાંધી સાથે દેખાયા હતા. આ દરમિયાન તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે. જેમાં એક તસવીરમાં રાહુલ ગાંધી રસ્તા વચ્ચે જ માતા સોનિયા ગાંધીના બૂટની દોરી બાંધતા દેખાઈ રહ્યા છે. આ તસવીર ઉપર લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે.
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની તસવીરો વાયરલ
સોશિયલ મીડિયા ઉપર આ તસવીરને લઈને રાહુલ ગાંધીને વધારે સમર્થન મલી રહ્યું છે. જ્યારે કેટલાક લોકો આ તસવીરને લઈને નકારાત્મક કોમેન્ટ પણ કરી રહ્યા છે. @Parasjaincav2 નામના ટ્વિટર યુઝરે એક તસવીર જેમાં પીએમ મોદી પોતાની માતાના પગ ધોવે છે અને બીજી તસવીર જેમાં રાહુલ ગાંધી પોતાની માતા સોનિયા ગાંધીના બૂટની દોરી બાંધવા અંગે કહ્યું છે કે જ્યારે મોદીજી પોતાની માતાને મળવા જાય છે ત્યારે તમારા માટે ફોટો સેશન હોય છે. તમે પૂછોછો કે જ્યારે મોદીજી પોતાની માતાને મળવા જાય છે ત્યારે કેમેરામેનને કેમ લઈને જાય છે. હવે આ શું છે? શું તમને પણ એક પ્રશ્ન ન પૂછવો જોઈએ?
ભારત જોડો યાત્રાનો 29મો દિવસ
કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે 29મો દિવસ છે. કોંગ્રેસે ગુરુવારે કર્ણાટકના માંડ્યા જિલ્લામાંથી તેની યાત્રા શરૂ કરી હતી. જેમાં પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ જોડાયા હતા. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કાર્યકરોની સાથે પગપાળા ગયા હતા.
કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે જેમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધીની સાથે ચાલતા જોવા મળી રહ્યા છે અને કાર્યકરો તેમને ફોલો કરી રહ્યાં છે. કોંગ્રેસે આ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે, “જેમણે વ્રત લીધું છે, તેઓ પાછળ નહીં હટે. લાખ મુશ્કેલીઓ આવે, અમે ભારતને જોડીશું.

રાહુલ ગાંધીએ દિવ્યાંગો સાથે વાત કરી હતી
આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી દિવ્યાંગોને મળ્યા અને તેમની સાથે વાતચીત કરી હતી. તે જ સમયે, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે, વિજયાદશમી પછી કર્ણાટકમાં કોંગ્રેસ જીતશે. અમને ગર્વ છે કે સોનિયા ગાંધી અમને પ્રોત્સાહિત કરવા કર્ણાટકના રસ્તા પર ઉતર્યા છે. અમે કર્ણાટકમાં સત્તાના માર્ગે છીએ જ્યારે ભાજપની દુકાન બંધ થવાની છે. સાથે જ કોંગ્રેસે કહ્યું કે સોનિયા ગાંધીની યાત્રામાં જોડાવાથી અત્યાચારી અને વિભાજનકારી શક્તિઓ સામેની અમારી લડાઈને વધુ બળ મળશે.