કોંગ્રેસના રાહુલ ગાંધીએ શરૂ કરેલી ભારત જોડો યાત્રાનો આજે 50મો દિવસ છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યા બાદ નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા શરદ પવાર અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ આ કૂચમાં જોડાઇ રાહુલ ગાંધી સાથે કદમથી કદમ મિલાવશે.
નોંધનિય છે કે, કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે 27 ઓક્ટોબરના રોજ 50મો દિવસ છે અને હાલ આ યાત્રા તેલંગાણાંમાં છે તેમજ આગામી 7મી નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. કોંગ્રેસના મહા વિકાસ અઘાડી (MVA) સાથીઓનો આ નિર્ણય રાજ્યના રાજકારણ પોતાની સ્થિતિને મજબૂત કરવા અને હાલ જ્યારે તેઓ સત્તામાંથી બહાર છે અને પડકારોનો સામનો કર રહ્યા છે ત્યારે એક સંયુક્ત મોરચો રજૂ કરવાના ગઠબંધનના પ્રયાસો સાથે જોડાયેલો છે, જેમાં 2024ની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ સામેલ છે.
તેમના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું ત્યારે શરદ પવારે કહ્યું કે, “અમારું માનવું છે કે ભારત જોડો યાત્રા કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલો એક કાર્યક્રમ છે. સમાજમાં સામાજિક સમરસતા પુનઃસ્થાપિત કરવા માટેની આ પહેલ છે. આ એક સારું પગલું છે. જો કે અમે અલગ પક્ષના છીએ, અમારામાંથી શક્ય હોય તેટલા જોડાશે.
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “શિવસેનામાં ભાગલા પડ્યા બાદ અમને મોટું નુકસાન થયું છે. અમારા 55 માંથી 40 ધારાસભ્યો એકનાથ શિંદે કેમ્પમાં ગયા છે. લોકસભાના 18 સાંસદોમાંથી 12 શિંદે કેમ્પમાં જોડાયા હતા. તેથી, અમારું ગુમાવેલું મેદાન પાછું મેળવવું એક પડકાર છે.
યાત્રા 7 નવેમ્બરે નાંદેડથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે
ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં 7 નવેમ્બરે પ્રવેશ કરશે અને આગામી પખવાડિયામાં હિંગોલી, વાશિમ અને બુલઢાણા જિલ્લામાંથી 382 કિલોમીટરનું અંતર કાપશે. બે રેલીનો કાર્યક્રમ નક્કી કરાયો છે જેમાંથી એક નાંદેડમાં અને બીજી રેલી શેગાંવ, બુલઢાણામાં યોજાશે.
આ યાત્રામાં ભાગ લેનારાઓમાં બારામતીના સાંસદ અને પવારની પુત્રી સુપ્રિયા સુલે અને ઠાકરેના પુત્ર આદિત્યનો સમાવેશ થાય છે. કોંગ્રેસના MVA સાથીઓએ કોંગ્રેસના સિનિયર નેતા બાલાસાહેબ થોરાટ અને અશોક ચવ્હાણની મુલાકાત અને પવારને યાત્રામાં જોડાવા વિનંતી કર્યા બાદ યાત્રા પાછળ પોતાની તાકાત લગાવવાનો નિર્ણય જાહેર કર્યો.
બંને નેતાઓએ ઉદ્ધવ ઠાકરેને અપીલ પણ કરી હતી. “ભારત જોડો યાત્રા ભારતમાં સામાજિક અને સાંપ્રદાયિક સૌહાર્દ પુનઃસ્થાપિત કરવાનો એક મોટો રાષ્ટ્રીય એજન્ડા ધરાવે છે,” એવું થોરાટે જણાવ્યુ હતુ. કોંગ્રેસના નેતાઓએ પુષ્ટિ કરી હતી કે પવાર અને ઠાકરે રાહુલ ગાંધીને મળશે, પરંતુ તેઓ બંને યાત્રામાં જશે કે કેમ તેની ખાતરી નથી.