Bharat Ratna : ભારત રત્ન કેમ આપવામાં આવે છે, આ પુરસ્કાર સાથે શું રોકડ ઇનામ કે સુવિધાઓ મળે છે?

Bharat Ratna Award Benefits Prize Money All Detailes : ભારત રત્ન પુરસ્કારથી લાલકૃષ્ણ અડવાણીને સમ્માનિત કરવાની પીએમ મોદીએ ઘોષણા કરી છે. અત્યાર સુધી 48 વ્યક્તિને આ સમ્માન મળ્યું છે. જાણો ભારત રત્નની ક્યારે શરૂઆત થઇ, કોન અને કેમ એનાયત કરવામાં આવે છે

Written by Ajay Saroya
February 03, 2024 18:35 IST
Bharat Ratna : ભારત રત્ન કેમ આપવામાં આવે છે, આ પુરસ્કાર સાથે શું રોકડ ઇનામ કે સુવિધાઓ મળે છે?
Bharat Ratna Award : ભારત રત્ન એ ભારત સરકાર તરફથી એનાયત કરવામાં આવતું સર્વોચ્ચ સમ્માન છે. (Photo - wikipedia.org)

Bharat Ratna Award Benefits Prize Money All Detailes : ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આ અંગે જાહેરાત કરી હતી. ત્યારબાદ પૂર્વ નાયબ વડાપ્રધાન પર ચારેય બાજુથી શુભેચ્છાનો અવિરત વરસાદ થઇ રહ્યો છે. ભાજપના દરેક નેતા પોતપોતાની રીતે અડવાણીને અભિનંદન આપી રહ્યા છે. દરમિયાન, આપણા બધા માટે એ જાણવું અગત્યનું બની જાય છે કે આખરે ભારત રત્ન કોને આપવામાં આવે છે અને આ પુરસ્કાર બાદ સંબંધિત સમ્માનિત વ્યક્તિને કઇ – કઇ સુવિધાઓ મળે છે.

એલ કે અડવાણીને ભારત રત્ન એનાયત કરાશે : પીએમ મોદી (L K Advani Bharat Ratna)

વડાપ્રધાન મોદીએ કહ્યું, “મને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માનથી સન્માનિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા. ભાજપના પીઢ નેતા માટે સન્માનની જાહેરાત કરતી વખતે, વડા પ્રધાન મોદીએ ભારતના વિકાસમાં લાલ કૃષ્ણ અડવાણી દ્વારા ભજવવામાં આવેલી મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો, અને તેમને દેશના સૌથી પ્રતિષ્ઠિત રાજકારણી પૈકીના એક તરીકે વર્ણવ્યા હતા.

lal krishna adavani, bharat ratna, pm modi
લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન મળશે, photo- x

ચાલો પહેલા જાણીએ કે ભારત રત્ન કોને આપવામાં આવે છે?

‘ભારત રત્ન’ દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ સન્માન અસાધારણ અને સર્વોચ્ચ સેવાની માન્યતા આપવામાં માટે એનાયત કરવામાં આવે છે. આ સન્માન રાજનીતિ, કલા, સાહિત્ય અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં કોઇ વિચારક, વૈજ્ઞાનિક, ઉદ્યોગપતિ, લેખક અને સમાજસેવકને આપવામાં આવે છે.

ભારત રત્નની શરૂઆત ક્યારે થઇ?

ભારત રત્ન એવોર્ડની શરૂઆત 2 જાન્યુઆરી, 1954ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન સૌ પ્રથમ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને વૈજ્ઞાનિક ડૉ. ચંદ્રશેખર વેંકટ રામનને 1954માં આપવામાં આવ્યું હતું. ત્યારથી ઘણા લોકોને તેમના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.

વર્ષ 1954માં ભારત રત્ન માત્ર જીવિત વ્યક્તિને જ આપવામાં આવતો હતો, પરંતુ 1955માં મરણોત્તર ભારત રત્ન આપવાની જોગવાઈ પણ ઉમેરવામાં આવી હતી. વર્ષમાં માત્ર ત્રણ જ ભારત રત્ન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 48 વ્યક્તિઓને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા છે. છેલ્લી વખત આ સન્માન વર્ષ 2019માં આપવામાં આવ્યું હતું.

વર્ષ 2019માં, સમાજ સેવાના ક્ષેત્રમાં નાનાજી દેશમુખ (મરણોત્તર), કલાના ક્ષેત્રમાં ડૉ. ભૂપેન હજારિકા (મરણોત્તર) અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા હતા.

ભારત રત્નથી સન્માનિત વ્યક્તિઓને કઈ સુવિધાઓ મળે છે?

ભારત રત્ન પુરસ્કાર મેળવનારને સરકાર તરફથી પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવે છે. જો કે, આ સન્માન સાથે કોઈ રોકડ પૈસા આવતા નથી.

ભારત રત્ન મેળવનાર સન્માનિત વ્યક્તિને સરકારી વિભાગો સુવિધાઓ પૂરી પાડે છે. રેલવે આવા લોકોને મફત રેલ મુસાફરીની સુવિધા પૂરી પાડે છે. આ સન્માન મેળવનાર વ્યક્તિને મોટા સરકારી કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે.

સરકાર તેમને વોરંટ ઓફ પ્રેસિડેન્સીમાં સ્થાન આપે છે. પ્રોટોકોલમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, રાજ્યપાલ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, નાયબ વડા પ્રધાન, મુખ્ય ન્યાયાધીશ, લોકસભા અધ્યક્ષ, કેબિનેટ પ્રધાન, મુખ્ય પ્રધાન, ભૂતપૂર્વ વડા પ્રધાન અને સંસદના બંને ગૃહોમાં વિપક્ષના નેતા પછી ભારત રત્ન પ્રાપ્તકર્તાને સ્થાન આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, વોરંટ ઓફ પ્રેસિડન્સીનો ઉપયોગ સરકારી કાર્યક્રમોમાં પ્રાથમિકતા આપવા માટે કરવામાં આવે છે.

આ પણ વાંચો | ભારત રત્નની ઘોષણા બાદ લાલ અડવાણીની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

રાજ્ય સરકારોની વાત કરીએ તો દેશની તમામ રાજ્ય સરકારો ભારત રત્નથી સન્માનિત વ્યક્તિઓને સુવિધાઓ પૂરી પાડે છે. જો કે, ખાસ વાત એ છે કે આ સન્માન તેમના નામની આગળ કે પછી ઉમેરી શકાશે નહીં, પરંતુ આવી હસ્તીઓ તેમના બાયોડેટા, લેટરહેડ અથવા વિઝિટિંગ કાર્ડ જેવી જગ્યાએ તેને લખી શકે છે. જેમ કે- ‘ભારત રત્ન પ્રાપ્તકર્તા’ અથવા ‘રાષ્ટ્રપતિ દ્વારા ભારત રત્નથી સમ્માનિત’.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ