/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Bihar-Bridge-Collapse-Tej-Pratap-Yadav.jpg)
બિહાર ભાગલપુર પુલ દુર્ઘટના બાદ રાજકારણ ગરમાયું,
બિહારના ભાગલપુર નજીક ગંગા નદી પર નિર્માણાધીન પુલ તૂટ્યા બાદ નીતિશ કુમાર સરકાર ભારતીય જનતા પાર્ટીના નિશાને આવી છે. તો બીજી તરફ બિહારના મંત્રી તેજ પ્રતાપ યાદવે પુલ તૂટવા અંગે ભારતીય જનતા પાર્ટીને જ જવાબદાર ઠેરવી છે. તેજ પ્રતાપે મોટો આરોપ લગાવતાં કહ્યું કે, અમે પુલ બનાવીએ છીએ અને ભાજપ તોડી રહ્યું છે.
બિહાર પુલ દુર્ઘટના અંગે પત્રકારોએ જ્યારે સવાલ કર્યો તો તેજ પ્રતાપ યાદવે કહ્યું કે, પુલ ભાજપે તોડ્યો છે. અમે પુલ બનાવીએ છીએ અને તે તોડી રહ્યા છે. આ અગાઉ બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું હતું કે, ગંગા નદી ઉપર નિર્ણાધીન પુલ દુર્ઘટના પાછળ જવાબદારો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે પત્રકારો સાથેની વાચચીતમાં કહ્યું હતું કે, પુલનું નિર્માણ કાર્ય યોગ્ય રીતે કરવામાં નથી આવી રહ્યું અને એ જ કારણ છે કે એપ્રિલ 2022 થી બે વખત તૂટી ગયો છે. તેમણે વધુમાં કહ્યું કે, આ એક ગંભીર બાબત છે. સંબંધિત વિભાગે આ મામલે તપાસ પણ શરૂ કરી દીધી છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે આ બાબતે નારાજગી પણ વ્યક્ત કરી કે, વર્ષ 2014 થી શરૂ કરાયેલ આ પુલ નિર્માણ કાર્ય હજુ સુધી કેમ પૂર્ણ કરવામાં આવ્યું નથી. નીતિશ કુમારે કહ્યું કે, આ પુલનું નિર્માણ કાર્ય સમય કરતાં પાછળ કેમ ચાલી રહ્યું છે? મે આ મામલે પણ સંબંધિત વિભાગને તપાસ માટે સુચના આપી દીધી છે. નાયબ મુખ્યમંત્રી આ સમગ્ર બાબત જોઇ રહ્યા છે.
બિહાર ભાગલપુર પુલ દુર્ઘટનાએ રાજકારણ ગરમાવી દીધું છે. રાજ્ય સરકાર દોષિતો સામે કડક કાર્યવાહીની વાત કરી રહી છે તો બીજી તરફ ભાજપ આ સમગ્ર મામલે મહાગઠબંધન સરકારને નિશાને લઇ રહી છે. બિહાર ભાજપે એક નિવેદન જાહેર કરી નીતિશ સરકારના રાજીનામાની પણ માંગ કરી છે.
ભાજપના એક વરિષ્ઠ નેતા અને રાજ્યના માર્ગ નિર્માણ વિભાગના પૂર્વ મંત્રી નિતિન નવિને કહ્યું કે, નાયબ મુખ્યમંત્રી સત્ય છુપાવી રહ્યા છે. તે તથ્યોનો ખુલાસો નથી કરી રહ્યા. પુલ નિરીક્ષણ કરનારા તજજ્ઞોએ પહેલેથી જ સરકારને સૂચિત કર્યું હતું તો સરકારે પુલ નિર્માણ કાર્ય ચાલુ રાખવાની અનુમતિ કેમ આપી? વિભાગે તુરંત આ કાર્ય અટકાવી દેવું જોઇતું હતું.
ગંગા નદી પર બની રહેલ અગુવાની સુલતાનગંજ પુલ તૂટી પડવાનો મામલે હવે પટના હાઇકોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે જાહેર હિતની એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં પુલ તૂટવા મામલે સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી છે.
અહીં નોંધનિય છે કે, બિહારના ભાગલપુર નજીક ગંગા નદી પર બની રહેલ અગુવાની સુલતાનગંજ પુલ ગત રવિવારે એકાએક તૂટી પડ્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. નિર્માણાધીન પુલ તૂટી પડતાં આ મામલે હાલ રાજકારણ ગરમાયું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us