Bihar Ministers List : બિહારમાં રાજનીતિ પલટાઈ ગઈ છે. હવે મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરીથી એનડીએમાં સામેલ થઈ ગયા છે. હવે બિહારમાં નવી સરકાર ભાજપ-જેડીયુની બની ગઇ છે. નીતિશ કુમાર નવમી વખત સીએમ પદના શપથ લીધા છે. તેમની સાથે બે ડેપ્યુટી સીએમે પણ શપથ લીધા છે. ભાજપના સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે.
નીતિશ કુમારની સાથે 8 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા છે. તેમાં જેડીયુના 3, ભાજપના 3, હિન્દુસ્તાની આવામ મોર્ચાના 1 અને અપક્ષના 1 ધારાસભ્યે મંત્રી પદના શપથ લીધા છે.
નીતિશ કુમારની સાથે શપથ લેનારા મંત્રીઓની યાદી
- સમ્રાટ ચૌધરી (ડેપ્યુટી સીએમ- ભાજપ)
- વિજય કુમાર સિન્હા (ડેપ્યુટી સીએમ- ભાજપ)
- ડો.પ્રેમ કુમાર (ભાજપ)
- વિજેન્દ્ર યાદવ (જેડીયુ)
- વિજય ચૌધરી (જેડીયુ)
- શ્રવણ કુમાર (જેડીયુ)
- સંતોષ સુમન (એચએએમ)
- સુમિત સિંહ (અપક્ષ)
આ પણ વાંચો – નીતિશ કુમારને જેડીયુ- ભાજપના ગઠબંધનથી હંમેશા ફાયદો, બિહાર વિધાનસભા અને લોકસભા ચૂંટણીના આંકડા પર એક નજર
આ સમગ્ર ઘટના પર જેડી(યુ)ના એમએલસી નીરજ કુમારે કહ્યું કે કે અમે ભાજપ અને એચએએમ સાથે મળીને નવી સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. જે લોકો દાવો કરી રહ્યા હતા કે આ વખતે તે સરળ નહીં હોય, અમે 128 ધારાસભ્યોના સમર્થનનો પત્ર આપ્યો છે. નીતિશ કુમાર 9મી વખત સીએમ પદના શપથ લેશે. અમે આ નિર્ણય ઇન્ડિયા ગઠબંધનમાં ગંભીરતાના અભાવને કારણે લીધો છે. ઇન્ડિયા એલાયન્સનું રાજકારણમાં અકાળે મૃત્યુ થયું છે. તેમની કહાની પૂરી થઈ ગઈ છે.
બિહાર ભાજપ વિધાયક દળના ઉપનેતા વિજય સિન્હાએ કહ્યું કે અમે આરજેડીને અલવિદા કહીને સુશાસનની ફરીથી સ્થાપના કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે શપથ ગ્રહણ સમારોહ સાંજે 5 વાગ્યે થશે અને તમામ ધારાસભ્યો ત્યાં હાજર રહેશે. હું બધાનો આભાર માનું છું.
ચિરાગ પાસવાનનું મોટું નિવેદન
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું કે તેઓ એનડીએના સહયોગી તરીકે નીતિશ કુમારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં નીતિશ કુમાર સાથે તેમના નીતિ આધારિત મતભેદો રહ્યા છે અને તેઓ તેમ જ કરતા રહેશે. ચિરાગે કહ્યું કે જો વસ્તુઓ તેમની નીતિઓ અનુસાર ચાલશે, તો આ મતભેદો કદાચ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. હું હંમેશાં માનું છું કે તેમની નીતિઓથી બિહારમાં વિકાસ થયો નથી.