Bihar News: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યની મહિલાઓ માટે મોટી ભેટ લઇને આવ્યા છે. બિહારમાં 8 સપ્ટેમ્બર 2025, સોમવારે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે મહિલા મુસાફરો માટે પિંક બસ સેવાનો પ્રારંભ કરાવ્યો. મહિલાઓની સુરક્ષા અને સુવિધાઓને ધ્યાનમાં લેતાં તેમણે ફક્ત મહિલા મુસાફરો માટે 80 જેટલી પિંક બસોને લીલી ઝંડી આપી. સાથોસાથ તેમણે રાજ્યની 1065 જેટલી બસોમાં ઈ-ટિકિટ સુવિધાનો પણ પ્રારંભ કરાવ્યો.
પિંક બસ CCTV કેમેરાથી સજ્જ
બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમારે મહિલાઓ માટે શરુ કરાવેલી પિંક બસો સીસીટીવી કેમેરાથી સજ્જ છે. દરેક બસમાં 3 સીસીટીવી કેમેરા છે. જે કંટ્રોલ રુમ સાથે કનેક્ટેડ છે. જેનાથી મહિલાઓની સુરક્ષાનું વધુ ધ્યાન રાખી શકાશે. આ બસોમાં સગર્ભા મહિલાઓ માટે વિશેષ સીટો અને સુવિધા આપવામાં આવી છે. વધુમાં આ બસોમા ડ્રાઇવર તરીકે પણ મહિલાઓને રાખવામાં આવે એ વાત પર નીતિશ કુમારે ભાર મુક્યો હતો.
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 તારીખ જાહેરાત
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 તારીખોની જાહેરાત ગમે તે ઘડીએ કરાઇ શકે છે. આગામી ઓક્ટોબર નવેમ્બર માસમાં ચૂંટણી યોજાઇ શકે છે. ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ તો તૈયારીઓ શરુ કરી દીધી છે.
તમને જણાવીએ કે બિહાર ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ થવાની શક્યતા છે. વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમાર ની જેડીયૂ અને એનડીએ ગઠબંધન, તેજસ્વી યાદવના નેતૃત્વમાં આરજેડી ઇન્ડિયા ગઠબંધન જ્યારે આ વખતે પ્રશાંત કિશોર પણ ચૂંટણી મેદાનમાં છે.
મતદાર યાદી અપડેટ કામગીરી ચાલુ
કોંગ્રેસ દ્વારા શરુ કરાયેલ વોટ ચોરી અભિયાનને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. આ સંજોગોમાં બિહાર વિધાનસભા ચૂંટણી 2025 સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી અપડેટ કામગીરી ચાલી રહી છે. ખાસ સમિતિ દ્વારા આ અંગે કામગીરી કરવામાં આવી રહી છે અને સંભવિત 30 સપ્ટેમ્બર સુધીમાં ફાઇનલ મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવે એવી શક્યતાઓ છે.