Explained: દારૂ બનાવનારને પણ ખબર નથી હોતી કે દારૂ ક્યારે ઝેરી બની જાય, જાણો કેવી રીતે બને છે દેશી દારૂ?

Bihar Hooch death Tragedy case : બિહારના સારણમાં ઝેરી દેશી દારૂ પીવાથી મોતનો મામલો ચર્ચામાં ત્યારે જોઈએ કે દેરૂ ઝેરી કેવી રીતે બની જાય છે, કેવી રીતે જુગાડ કરી બનાવવામાં આવે છે દેશી દારૂ.

Written by Kiran Mehta
Updated : December 16, 2022 14:59 IST
Explained: દારૂ બનાવનારને પણ ખબર નથી હોતી કે દારૂ ક્યારે ઝેરી બની જાય, જાણો કેવી રીતે બને છે દેશી દારૂ?
બિહારમાં દેશી દારૂ પીવાથી મોતનો મામલો

અર્જુન સેનગુપ્તા : બિહારના સારણ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી અનેક લોકોના મોત થયા છે. શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જે દારૂના કારણે મૃત્યુ થયું છે તે બજારમાં ઉપલબ્ધ દારૂના નક્કી ધોરણોને અનુરૂપ નથી. હવે સવાલ એ થાય છે કે દારૂ ઝેરી કેવી રીતે બને છે? દેશી દારૂ કેવી રીતે બને છે? આવો જાણીએ જુગાડ ટેકનીક દ્વારા બનાવવામાં આવતા દેશી દારૂ સાથે જોડાયેલી દરેક વસ્તુ:

શા માટે ખરાબ દારૂને હૂચ કહેવામાં આવે છે?

હૂચ એ સામાન્ય રીતે નબળી ગુણવત્તાના દારૂ માટે વપરાતો શબ્દ છે. તે અલાસ્કાના મૂળ જનજાતિ હુચિનો પરથી ઉતરી આવેલ શબ્દ છે. હુચિનો આદિવાસીઓને સ્ટ્રોંગ દારૂ બનાવવા માટે ઓળખવામાં આવે છે. બ્રાન્ડેડ લિકર ઉચ્ચ ટેકનોલોજીથી સજ્જ મશીનોથી બનાવવામાં આવે છે. તેની ગુણવત્તા નજીકથી તપાસવામાં આવે છે. ઊલટાનું, દેશી કાચો દારૂ જુગાડ ટેકનીકની મદદથી ગુણવત્તાની તપાસ કર્યા વિના બનાવવામાં આવે છે.

હૂચ બ્રાન્ડેડ દારૂ કરતાં પણ વધુ નશો કરે છે. હૂચની સમસ્યા એ છે કે, જો ખોટી રીતે બનાવવામાં આવે તો તે જીવલેણ બની શકે છે. વધુ ચિંતાજનક વાત એ છે કે હૂચ પીધા પહેલા એ જાણવું લગભગ અશક્ય છે કે તેનું સેવન કરવું સલામત છે કે કેમ.

દારૂ કેવી રીતે બનાવવામાં આવે છે

દારૂ બે મૂળભૂત પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પ્રથમ – ફર્મેંટેશન (આથો) છે, બીજું – ડિસ્ટિલેશન (નિસ્યંદન) છે. બીયર અને વાઇન અનાજ, ફળો, શેરડી વગેરેને આથો આપીને બનાવવામાં આવે છે. જો કે આથોને બદલે નિસ્યંદનની પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવેલા દારૂ, વાઇનને વધારે ગુણકારી માનવામાં આવે છે. બધા જ સ્પીરીટ વ્હિસ્કી, વોડકા, જિન વગેરે જેવા તમામ સ્પિરિટ નિસ્યંદનની તકનીક દ્વારા બનાવવામાં આવે છે.

હૂચ કેવી રીતે બનાવવામાં આવે છે?

હૂચ પણ ડિસ્ટિલેશનના સમાન સિદ્ધાંત પર બનાવવામાં આવે છે. પ્રથમ ફર્મેંટેશન (આથો) લાવવા માટે સ્થાનિક રીતે ઉપલબ્ધ ખમીર અને ખાંડ અથવા ફળ (કેટલીક વખત સડેલા ફળ)ને મોટા વાસણમાં ગરમ ​​કરવામાં આવે છે. પર્યાપ્ત આથો આવ્યા પછી, મિશ્રણને મૂળભૂત સેટઅપનો ઉપયોગ કરીને નિસ્યંદન પ્રક્રિયાને આધિન તૈયાર કરવામાં આવે છે.

આથોમાંથી તૈયાર થયેલ મિશ્રણને મોટા વાસણમાં ઉકાળવામાં આવે છે. બોઇલમાંથી નીકળતા ધુમાડાને પાઇપની મદદથી બીજા વાસણમાં ઉતારવામાં આવે છે. જે વાસણમાં વરાળ નીકળે છે તેને ઠંડુ રાખવા માટે તેને ભીના કપડાથી વીંટાળવામાં આવે છે. આ વાસણમાં જે પદાર્થ ભેગો થાય છે તે દારૂ (આલ્કોહોલ) હોય છે. ફાઈનલ પ્રોડક્ટમાં આલ્કોહોલની માત્રા વધારવા માટે વારંવાર ડિસ્ટિલેશન કરવામાં આવે છે.

કેવી રીતે હૂચ જીવલેણ બને છે

હૂચ બનાવવાની ક્રૂડ પદ્ધતિમાં જોખમ સહજ છે. આથેલા મિશ્રણમાં આલ્કોહોલ (ઇથેનોલ) પહેલાથી જ વધારે હોય છે. તેમાં મિથેનોલ પણ હોય છે, જે આલ્કોહોલનું અલગ સ્વરૂપ છે. મિથેનોલ મનુષ્યો માટે અત્યંત ઝેરી હોય છે. મિથેનોલનો ઉપયોગ સામાન્ય રીતે ઔદ્યોગિક હેતુઓ માટે થાય છે. ઇથેનોલ અને મિથેનોલ બંને ડિસ્ટિલેશન દરમિયાન કેન્દ્રિત થાય છે.

મિથેનોલનું ઉત્કલન બિંદુ 64.7 °C છે. જ્યારે ઇથેનોલનું ઉત્કલન બિંદુ 78.37 °C છે. આનો અર્થ એ થાય છે કે, જ્યારે ડિસ્ટિલેશન દરમિયાન મિશ્રણ 64.7 °C સુધી પહોંચી જાય છે, ત્યારે આલ્કોહોલ ભેગુ કરતું વાસણ અત્યંત ઝેરી રસાયણથી ભરાવાનું શરૂ થઈ જાય છે. ફાઈનલ પ્રોડક્ટને સુરક્ષિત બનાવવા માટે તેને ફેંકી દેવું જોઈએ. આ સિવાય, 78.37 °C થી ઉપર પરંતુ 100 °C થી નીચે જાળવવું મહત્વપૂર્ણ છે, જેથી ઉપયોગ માટે સુરક્ષિત પરંતુ સ્ટ્રોંગ દારૂ મળી શકે.

આ પણ વાંચોBihar Hooch Death : નકલી દારૂથી 6 વર્ષમાં મધ્યપ્રદેશમાં 1322, તો બિહારમાં 23 અને ગુજરાતમાં 54ના મોત

બ્રાન્ડેડ દારૂ બનાવનાર પાસે આ પ્રક્રિયાની ચોકસાઈ જાળવવા માટે અત્યાધુનિક સાધનો હોય છે. પરંતુ હૂચ બનાવનાર લોકો પાસે તાપમાનને નિયંત્રિત કરવા માટે કોઈ ઉપકરણ નથી. મતલબ કે દેશી દારૂ ગાળવાની પ્રક્રિયામાં ચોકસાઈના અભાવે તે ઝેરી બની જાય છે. આ ઉપરાંત ભેળસેળ પણ દેશી દારૂને ઝેરી બનાવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ