(નવજીવન ગોપાલ) આગામી વર્ષ 2024ની લોકસભા ચૂંટણી જીતવા માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા તોડ-જોડનું રાજકારણ અત્યારથી જ શરૂ થઇ ગયુ છે. પંજાબમાં 2024ની લોકસભા ચૂંટણી પહેલા રાજકીય સમીકરણ ફરી બદલાતા દેખાઇ રહ્યા છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ફરી એકવાર ભાજપ અને અકાલી દળના ગઠબંધનને લઈને ચર્ચાનો દોર શરૂ થયો છે. અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં અકાલી દળના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે પાર્ટી ફરીથી ગઠબંધન કરવા આતુર છે અને ભાજપ વિકલ્પો પર વિચાર કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ બંને પક્ષોના ફરી એકસાથે આવવાથી લોકોને “આશાનું કિરણ” દેખાય છે.
કૃષિ કાયદા વિવાદના પગલે ભાજપ- અકાલી દળનું જોડાણ તૂટ્યું
અકાલી દળ અને ભાજપ લગભગ બે દાયકાથી સાથે છે. પંજાબમાં અકાલી મોટા ભાઈની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા, જ્યારે ભાજપે કેન્દ્રમાં આ ભૂમિકા ભજવી હતી. બંને પક્ષોએ 2019ની લોકસભા ચૂંટણી પણ એકસાથે લડી હતી, પરંતુ 2020માં અકાલી દળે કૃષિ કાયદાઓ પર નારાજગી વ્યક્ત કરીને NDAથી છેડો ફાડ્યો હતો.
રાજકારણમાં દરવાજા ક્યારેય બંધ થતા નથી. કઇ પણ અશક્ય નથી – માહેસિન્દર સિંહ ગ્રેવાલ
શિરોમણી અકાલી દળના ઉપાધ્યક્ષ અને પૂર્વ મંત્રી માહેસિન્દર સિંહ ગ્રેવાલ ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે રાજકારણમાં દરવાજા ક્યારેય બંધ થતા નથી. કઇ પણ અશક્ય નથી. કૃષિ કાયદાના મુદ્દે તેમણે કહ્યું કે ત્યાર બાદથી ઘણું બદલાઈ ગયું છે. જો કે, તેમણે ઉમેર્યું હતું કે એનડીએમાં પાછા ફરવા માટે તેમની તરફથી હજી પણ શરતો છે, જેમ કે ભાજપ શાસિત હરિયાણામાં શીખ બાબતોના સંચાલન માટે એક અલગ સમિતિની રચના, “બંદી સિંહ” કેદીઓની મુક્તિ તેમજ ચંદીગઢ પર પંજાબનો દાવો કરવા માટે હરિયાણાની દખલગીરી દૂર કરવી છે.
ભાજપ અને અકાલી દળ વચ્ચે વર્ષો જૂનો સંબંધ
તેમણે કહ્યુ કે, જો ભાજપ આ અડચણો દૂર કરે છે અને અમારી માંગણી પૂરી કરી છે તો અમે ફરીથી તેમની સાથે ગઠબંધન કરવા ઇન્કાર કરીશુ નહીં. આ દરમિયાન તેમણે એ પણ યાદ અપાવ્યું કે, અકાલી દળ અટલ બિહારી વાજપાયીના સમયથી ભાજપના સહયોગી હતા અને જ્યારે ભાજપને સામપ્રદાયિક પાર્ટીનો ઠપ્પો આપવામાં આવ્યો હતો, ત્યાર પણ અદાલી દળ ‘અલ્પસંખ્યક શીખ સમુદાયના પ્રતિનિધિ તરીકે’ તેમની સાથે હતું.
ગ્રેવાલે એવું પણ કહ્યું કે, એનડીએ મૂળભૂત રીતે અકાલી દળની દેન છે. વાજપેયીની સૌથી વધુ જરૂર હતી ત્યારે તેમની સાથે હાથ મિલાવવા કોઈ તૈયાર નહોતું કારણ કે ભાજપને સાંપ્રદાયિક પક્ષ તરીકેનું લેબલ આપવામાં આવ્યું હતું. ત્યારે તેમની સાથે માત્ર શિવસેના ઉભી હતી. અમે ખુદ રાજ્યમાં બીએસપી સાથે જોડાણ કર્યું હતું. ત્યારબાદ પ્રકાશ સિંહ બાદલે પાર્ટીના સભ્યોને રાષ્ટ્રીય સ્તરે વાજપેયીને સમર્થન આપવા માટે સમજાવ્યા. અમારા સમર્થનથી, ઘણા પક્ષો પાછળથી વાજપેયીની આગેવાની હેઠળની એનડીએ સરકારનો હિસ્સો બન્યા હતા.
જો કે આ સમય દરમિયાન તેમણે 2019 ચૂંટણી બાદ એનડીએના સાથી પક્ષો સરકારના નિર્ણયો સાથે સહમત ન હતા અને ઘણી વખત તેમને અખબારો દ્વારા જ માહિતી મળી હતી. તેમણે કહ્યું કે ગઠબંધન માટે ફરીથી ભાગીદારીની ભાવના હોવી જોઈએ. અમને આદેશ ન આપવો જોઈએ. અમને વિશ્વાસ અપવવાની જરૂર છે. અમે એક મહત્વપૂર્ણ લઘુમતી છીએ, અને અમે રાજ્ય અને દેશ માટે ઘણું યોગદાન આપ્યું છે.
પટનાની વિપક્ષ આંદોલનમાં ભાગ લેશે નહીં
આ દરમિયાન ગ્રેવાલે સ્પષ્ટ કર્યું કે અકાલી દળ એવા કોઈપણ વિપક્ષી મોરચાનો ભાગ બની શકે નહીં જેમાં કોંગ્રેસની મુખ્ય ભૂમિકા હોય. પટનામાં યોજાનારી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં અકાલી દળ સામેલ નથી. ભાજપ સાથે ગઠબંધનના પ્રશ્ન પર અકાલી દળના પ્રવક્તા દલજીત સિંહ ચીમાએ કહ્યું કે જ્યારે મુદ્દાઓ ઉકેલાઈ જશે ત્યારે ભાજપ સાથે ગઠબંધન પર નિર્ણય લેવામાં આવશે. અત્યારે અમે અમારી પાર્ટીને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
પંજાબમાં ભાજપના વરિષ્ઠ નેતા મનોરંજન કાલિયાએ પણ અકાલી દળ સાથે ગઠબંધનને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે એવું જોવામાં આવ્યું છે કે જ્યારે પણ અદાલી દળ – ભાજપનું ગઠબંધન થયું છે ત્યારે તેણે રાજ્યના ભલા માટે કામ કર્યું છે. આમ આદમી પાર્ટીની કોઈ વિચારધારા નથી. 2022ની ચૂંટણીમાં મતદાન પરંપરાગત પક્ષોની વિરુદ્ધ હતું, કારણ કે વર્તમાન પક્ષોથી કંટાળીને લોકોએ પરિવર્તન માટે મત આપ્યો અને AAPને સત્તામાં લાવ્યો.
ભાજપની પંજાબમાં આગામી સપ્તાહે રેલી
જોકે, બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ અકાલી દળ સાથે ભાવિ જોડાણને નકારી કાઢ્યું હતું. મોદી સરકારના 9 વર્ષના રિપોર્ટ કાર્ડને લોકો સુધી પહોંચાડવા માટે ભાજપ પંજાબમાં રેલીનું આયોજન કરી રહ્યું છે. 14 જૂને હોશિયારપુરમાં જેપી નડ્ડાની રેલી અને 18 જૂને ગુરદાસપુરમાં અમિત શાહની રેલીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલન પહેલા હરસિમરત કૌર બાદલ મોદી સરકારમાં મંત્રી હતા.કૃષિ કાયદા વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરીને તેમણે મોદી સરકારના મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું હતું. ગઠબંધનના પ્રશ્ન પર વરિષ્ઠ અકાલી નેતા અને પૂર્વ સાંસદ પ્રેમ સિંહ ચાદુમાજરાએ કહ્યું કે જલંધર સંસદીય પેટાચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં અકાલી દળ અને બીજેપી કેડરની વચ્ચે એવી અટકળો થવા લાગી છે કે બંને પક્ષો એક સાથે આવવાથી રાજ્યને આપ પાર્ટીનો વિકલ્પ મળી શકે છે.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.





