Rajya Sabha Election : ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે 14 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ લિસ્ટમાં સુશીલ મોદીનું નામ નથી. એટલે કે આ વખતે તેમનું પત્તું કપાયું છે. આ વર્ષે તેમની રાજ્યસભાની ટર્મ પૂરી થઈ, ભાજપ તેમને ફરી તક આપશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા હતા. જોકે હવે આ લિસ્ટમાં તેમનું નામ આવ્યું નથી. આ પહેલા સુશીલ મોદીને પાર્ટી તરફથી બિહાર સરકારમાં પણ કોઇ ભૂમિકા આપવામાં આવી નથી. હવે તેઓ રાજ્યસભામાંથી પણ બહાર થઇ ગયા છે.
ઉત્તર પ્રદેશમાંથી સુધાંશુ ત્રિવેદી અને આરપીએન સિંહ ઉમેદવાર
ભાજપે આગામી રાજ્યસભાની ચૂંટણી માટે બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાંથી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશથી સુધાંશુ ત્રિવેદી અને આરપીએન સિંહને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. હરિયાણા ભાજપના પૂર્વ પ્રમુખ સુભાષ બરાલાને હરિયાણાથી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
બિહારમાંથી ધર્મશીલા ગુપ્તા અને ભીમ સિંહ નોમિનેટ
ઉત્તર પ્રદેશથી નામાંકિત અન્યમાં અમરપાલ મૌર્ય, સાધના સિંહ, ચૌધરી તેજવીર સિંહ, સંગીતા બળવંત અને નવીન જૈનનો સમાવેશ થાય છે. બિહારમાંથી ધર્મશીલા ગુપ્તા અને ભીમ સિંહને નોમિનેટ કરવામાં આવ્યા છે, જ્યારે રાજા દેવેન્દ્ર પ્રતાપ સિંહને છત્તીસગઢથી નોમિનેટ કરવામાં આવ્યા છે .
આ પણ વાંચો – જેડીયુના 3 ધારાસભ્યો ગાયબ, ફોન પણ બંધ, સોમવારે ફ્લોર ટેસ્ટ પહેલા બિહારમાં થશે ખેલા?
નારાયણ કૃષ્ણસા ભાંડગેને કર્ણાટકમાંથી નોમિનેટ કરવામાં આવ્યા છે. મહેન્દ્ર ભટ્ટ અને સમિક ભટ્ટાચાર્યને અનુક્રમે ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાંથી નોમિનેટ કરવામાં આવ્યા છે.
રાજ્યસભાની ચૂંટણી – 27 ફેબ્રુઆરીએ મતદાન
છેલ્લા કેટલાક દિવસોમાં અનેક પાર્ટીઓએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારોએ 15 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી નોંધાવવાની રહેશે. 16 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી ચાલુ રહેશે. ઉમેદવારો 20 ફેબ્રુઆરી સુધી તેમના નામાંકન પાછા ખેંચી શકે છે. 27 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. મતગણતરી 27 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.
જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે તેમાં ઉત્તર પ્રદેશની 10, મહારાષ્ટ્ર અને બિહારની છ, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશની પાંચ, ગુજરાત અને કર્ણાટકની ચાર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને ઓડિશાની ત્રણ અને ઉત્તરાખંડ, છત્તીસગઢ, હરિયાણા અને હિમાચલ પ્રદેશની એક-એક બેઠક છે.





