BJP Foundation Day: ભાજપનો આજે 45મો સ્થાપના દિવસ, જનસંઘ કેમ વિખેરાયું?

BJP Foundation Day: ભાજપની સ્થાપના વર્ષ 1980માં થઇ હતી. દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર કેવી રીતે બની, નામ અને ઇતિહાસ વિશે જાણો

Written by Ajay Saroya
April 06, 2025 12:58 IST
BJP Foundation Day: ભાજપનો આજે 45મો સ્થાપના દિવસ, જનસંઘ કેમ વિખેરાયું?
BJP : ભાજપ (ભારતીય જનતા પાર્ટી) (Express File Photo)

BJP Foundation Day: ભાજપ 6 એપ્રિલે 45મો સ્થાપના દિવસ ઉજવે છે. વર્ષ 1980ના રોજ આજની તારીખે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી.કેન્દ્ર સરકારમાં એનડીએની સરકારનું નેતૃત્વ કરનાર ભાજપની રચના કેવી રીતે થઈ, તેનું નામ કેવી રીતે પડ્યું, ભારતીય જનસંઘ શું છે તેની પાછળ એક લાંબી કહાની છે. ચાલોચ જાણીયે ભાજપ ની સ્થાપનાનો ઇતિહાસ અને વિકાસ

વાત શરૂ કરીયે તો વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીથી. ભારતમાં કટોકટી 25 જૂન, 1975થી 21 માર્ચ, 1977 સુધી ચાલી હતી. આ કટોકટી પૂરી થયા બાદ વિરોધ પક્ષોએ કોંગ્રેસ સામે એક થઈને લડવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે દેશના રાજકારણમાં સાત રાષ્ટ્રીય પક્ષો હતા.

આમાંથી ચાર પક્ષો – કોંગ્રેસ (ઓ), ભારતીય જનસંઘ (બીજેએસ), સમાજવાદી પાર્ટી અને ભારતીય લોકદળ (બીએલડી) સાથે મળીને જનતા પાર્ટીની રચના કરી હતી અને કોંગ્રેસ ફોર ડેમોક્રેસી જેવા કેટલાક સંગઠનો પણ તેમાં જોડાયા હતા અને તેને જનતા પાર્ટી નામ આપવામાં આવ્યું હતું. 1977ની લોકસભા ચૂંટણીમાં જનતા પાર્ટીએ સરકાર બનાવી, પરંતુ પહેલા મોરારજી દેસાઈ અને પછી ચૌધરી ચરણ સિંહના નેતૃત્વમાં જનતા પાર્ટીની સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરી શકી નહીં.

RRSના કાર્યક્રમોમાં ભાગ લેવા સામે વાંધો

જનતા પાર્ટી અને તેની સરકારને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. સૌથી મોટો પડકાર એ હતો કે જનતા પાર્ટીનો ભાગ રહેલા ભારતીય જનસંઘના નેતાઓએ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો, જે જનતા પાર્ટીના ઘણા મોટા નેતાઓ નહોતા ઇચ્છતા.

જનતા પાર્ટીની રચના બાદ પીઢ સમાજવાદી નેતા મધુ લિમયેએ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી સાથે તેનો વિરોધ કર્યો હતો, પરંતુ ભારતીય જનસંઘ અને તેના નેતાઓ માટે આવું કરવું મુશ્કેલ હતું, કારણ કે તેઓ આરએસએસથી પોતાને અલગ કરી શક્યા નહોતા. પણ શા માટે, તેમાં એક રસપ્રદ કહાની પણ છે.

ભારતીય જનસંઘની રચના કેવી રીતે થઈ?

બન્યું એવું કે 30 જાન્યુઆરી, 1948ના રોજ મહાત્મા ગાંધીની હત્યા પછી આરએસએસની અંદર એક મંથન થયું કે રાજકારણમાં ભાગ લેવો કે રાજકીય પક્ષ બનાવવો. આખરે શ્યામાપ્રસાદ મુખરજી અને આરએસએસના કેટલાક પ્રચારકોએ ભારતીય જનસંઘની રચના કરી, કારણ કે આરએસએસ પોતે રાજકારણમાં ભાગ લેવા માગતું નહોતું. જો કે તે સમયે પણ આરએસએસના પ્રોફેસર રાજેન્દ્રસિંહ, બાળાસાહેબ દેવરાસ, નાનાજી દેશમુખ, દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયી સહિતના પ્રચારકોનો એક વર્ગ આ બધાની ઇચ્છા હતી કે આરએસએસ સીધી રીતે રાજકારણમાં ભાગ લે, પરંતુ આરએસએસના તત્કાલીન વડા સંઘચાલક એમ.એસ.ગોલવલકરે ઇનકાર કરી દીધો હતો.

ઓક્ટોબર 1951માં જ્યારે ભારતીય જનસંઘની રચના થઈ ત્યારે આરએસએસના ઘણા પ્રચારકો તેમાં જોડાયા હતા.

જો કે, જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવ્યા પછીની પરિસ્થિતિ અને તેના પતન પછીની પરિસ્થિતિના જૂના દૃશ્ય પર પાછા ફરીએ. 2 સપ્ટેમ્બર, 1979ના રોજ જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્ય મુદ્દો એ હતો કે શું જનસંઘના સભ્યો આરએસએસની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે. ત્યારે જનતા પાર્ટીના પ્રમુખ આરએસએસના તત્કાલિન પ્રમુખ દેવરસને મળ્યા હતા અને તેમને સૂચન કર્યું હતું કે ભારતીય જનસંઘે પોતાના સાંસદો અને ધારાસભ્યોને સંઘની પ્રવૃત્તિઓમાં જોડાતા રોકવા જોઈએ.

દેવરાસે તેમને જણાવ્યું હતું કે આ અંગેનો કોઈપણ નિર્ણય આગામી અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં જ લઈ શકાય છે. આ તે સમય હતો જ્યારે જનતા પાર્ટી પણ વિખેરાઈ રહી હતી અને કોંગ્રેસ પણ અલગ થઈ રહી હતી. કોંગ્રેસ બે ભાગમાં વહેંચાયેલી હતી, કોંગ્રેસ (આઈ) અને કોંગ્રેસ (યુ).

1980માં જનતા પાર્ટી હારી ગઈ

1980ની લોકસભા ચૂંટણીમાં જનતા પાર્ટીનો પરાજય થયો હતો અને ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ સત્તામાં આવી હતી. જનતા પાર્ટીની હાર બાદ જગજીવન રામ અને અન્ય કેટલાક નેતાઓએ ફરી એકવાર જનતા પાર્ટીના નેતાઓ આરએસએસના કાર્યક્રમોમાં જોડાવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ આરએસએસ અને ભારતીય જનસંઘે ફરી કહ્યું હતું કે 21-22 માર્ચ, 1980ના રોજ યોજાનારી અખિલ ભારતીય પ્રતિનિધી સભાની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે. પરંતુ આ બેઠક પહેલા જ જનતા પાર્ટીના સંસદીય બોર્ડે 19 માર્ચ 1980ના રોજ બહુમતથી નિર્ણય લીધો હતો કે આરએસએસના કાર્યક્રમોમાં પાર્ટીના કોઈ પણ પદાધિકારી કે નેતા ભાગ નહીં લઈ શકે.

આ સમય દરમિયાન જનતા પાર્ટીનું નામ અને તેના ચૂંટણી ચિન્હ પર કબજો જમાવવાની લડાઈ શરૂ થઈ ગઈ.

ઓગસ્ટ 1979માં, ચૌધરી ચરણસિંહના જૂથે ચૂંટણી પંચને તેમની છાવણીને વાસ્તવિક જનતા પાર્ટી તરીકે જાહેર કરવા અને અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી પક્ષનું પ્રતીક કબજે કરવા જણાવ્યું હતું. પરંતુ સપ્ટેમ્બર 1979માં ચૂંટણી પંચે જનતા પાર્ટી (સેક્યુલર)ને એક નવું પ્રતીક આપ્યું અને તેને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા આપી. આ પછી ચરણસિંહે કહ્યું કે જનતા પાર્ટી (સેક્યુલર)નું નામ બદલીને લોકદળ કરવામાં આવશે.

અટલ બિહારી વાજપેયી અધ્યક્ષ તરીકે ચૂંટાયા

આ રીતે જનતા પાર્ટી પર નિયંત્રણની લડાઈ તેજ થઈ જ્યારે 6 એપ્રિલ 1980ના રોજ જનતા પાર્ટીમાં સામેલ થયેલા ભારતીય જનસંઘના જૂથે દિલ્હીમાં આયોજીત કાર્યક્રમમાં અટલ બિહારી વાજપેયીને પોતાના અધ્યક્ષ તરીકે પસંદ કર્યા. વાજપેયીના જૂથે દાવો કર્યો હતો કે તે જ અસલી જનતા પાર્ટી છે અને તેણે ચૂંટણી પંચના દરવાજા ખટખટાવ્યા હતા. આ દરમિયાન ચંદ્રશેખરની આગેવાની હેઠળની છાવણી પણ ચૂંટણી પંચ સુધી પહોંચી હતી.

ચૂંટણી પંચે તમામ દાવાઓ અને પ્રતિદાવાઓ પર વિચાર કર્યા બાદ 24 એપ્રિલ, 1980ના રોજ જનતા પાર્ટીના પ્રતીકને સ્થગિત કરી દીધું હતું. ચૂટણી પંચે જનતા પાર્ટીના નામમાં ‘ભારતીય’ ઉમેર્યું હતું અને વાજપેયીની આગેવાની હેઠળના જૂથને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા આપી હતી. આ સાથે કમળનું પ્રતિક પણ ભાજપને ફાળે ગયું હતું. જોકે ચંદ્રશેખરના જૂથે આની સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક સાધ્યો હતો. આ રીતે ભાજપની રચના થઈ અને આગળ વધતી રહી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ