Varinder Bhatia : હરિયાણામાં સતત બીજેપી અને જેજેપી વચ્ચે મતભેદના સમાચાર સામે આવી રહ્યા છે. સરકારમાં રહેલા બન્ને દળો વચ્ચે મતભેદના ઘણા કારણો છે. તેમાં એક છે ઉચાના કલા વિધાનસભા સીટ અને હિસાર લોકસભા સીટ. આ બન્ને સીટો હરિયાણાના બે પ્રમુખ રાજનીતિક પરિવાર – ચૌટાલા અને બીરેન્દ્ર સિંહ વચ્ચે વિવાદનું કારણ બની છે. 2024માં યોજાનારી ચૂંટણીમાં બન્ને પાર્ટીઓ આ સીટ પર પોત-પોતાનો દાવો વ્યક્ત કરી રહી છે.
હાલના સમયે ઉચાના કલા વિધાનસભાથી જેજેપીના નેતા અને ડિપ્ટી સીએમ દુષ્યંત ચૌટાલા ધારાસભ્ય છે. જ્યારે હિસાર લોકસભા સીટ પર બીજેપી નેતા બીરેન્દ્ર સિંહના પુત્ર બૃજેન્દ્ર સિંહ સાંસદ છે. બન્ને સીટો પર આ પરિવારો વચ્ચે ઘણી વખત મુકાબલો થયો છે. દુષ્યંત હરિયાણાના પૂર્વ સીએમ ઓપી ચૌટાલાના પૌત્ર છે. 2019ની લોકસભા ચૂંટણીમાં બૃજેન્દ્ર સિંહે દુષ્યંત ચૌટાલાને હરાવ્યા હતા. આ પછી થોડાક મહિના બાદ વિધાનસભા ચૂંટણીમાં દુષ્યંતે બૃજેન્દ્ર સિંહની માતા પ્રેમ લતાને હરાવ્યા હતા.
વિધાનસભા ચૂંટણી પછી બીજેપી હરિયાણાની સૌથી મોટી પાર્ટી બની હતી. બીજેપીને 40 સીટો મળી હતી અને તેણે 10 સીટોવાળી જેજેપીના સમર્થનથી સરકાર બનાવી હતી. છેલ્લા કેટલાક સમયથી બન્ને પાર્ટીઓ વચ્ચે વિવાદ વધી રહ્યો છે. બન્ને દળ કેટલાક સમયથી બધી 10 લોકસભા સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે બન્નેએ આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. અમિત શાહ 18 જૂને હિસારમાં રેલી સંબોધિત કરી ચુક્યા છે. હવે આવનાર 2 જુલાઇએ જેજેપી સોનીપત જિલ્લાથી પોતાની રેલીઓની શરૂઆત કરવા જઈ રહી છે.
બન્ને દળો આ સીટને પોતાનો ગઢ માને છે જેથી છોડવા માંગતા નથી
બીજેપીના એક સીનિયર નેતાએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું કે આ સંયોગની વાત છે કે બન્ને પરિવાર ચૌટાલા અને સિંહ હવે એકબીજા સાથે ગઠબંધનમાં છે. આ પહેલા બન્ને પરિવાર ઉચાના કલા વિધાનસભા સીટથી લગભગ ચાર દાયકાથી એકબીજા સામે ચૂંટણી લડતા રહ્યા છે. બન્ને દળો આ સીટને પોતાનો ગઢ માને છે જેથી તે તેને છોડવા માંગતા નથી. 2024ની ચૂંટણીમાં પણ એ વાતની પ્રબળ સંભાવના છે કે બન્ને પરિવારોમાં અહીં જોરદાર મુકાબલો જોવા મળી શકે છે.
આ પણ વાંચો – આર્ટિકલ 370, રામ મંદિર અને હવે યૂનિફોર્મ સિવિલ કોડ, પીએમ મોદીએ એમ જ નથી કરી UCC ની વાત, સમજો બીજેપીનો પ્લાન
હિસાર લોકસભા સીટ પર બીરેન્દ્ર સિંહે 1984માં પ્રથમ વખત ઓપી ચૌટાલાને હરાવ્યા હતા. 2014માં દુષ્યંત આ સીટથી સાંસદ બન્યા. તે સમયે બૃજેન્દ્ર સિહ સિવિલ સેવામાં હતા. 2019ની લોકસભા ચૂંટણી પહેલા બૃજેન્દ્રએ આઈએએસ પદથી રાજીનામું આપીને બીજેપીની ટિકિટથી ચૂંટણી લડી અને દુષ્યંત ચૌટાલાને હરાવ્યા હતા. બીરેન્દ્ર સિંહ પહેલા કોંગ્રેસ સાથે હતા. તે ઉચાના કલાથી પાંચ વખત ચૂંટણી જીત્યા છે. તેમણે 2009માં ઔપી ચૌટાલાને હરાવ્યા હતા. 2014માં તેમની પત્નીએ દુષ્યંતને આ સીટ પરથી હરાવ્યા. તે જ વર્ષે બીરેન્દ્ર સિંહ બીજેપીમાં સામેલ થઇ ગયા અને તેમને મોદી સરકારમાં મંત્રી બનાવ્યા હતા.
ચૌટાલા અને બીરેન્દ્ર પરિવારના કારણે ગઠબંધન તુટશે
બીજેપીના અન્ય એક સીનિયર નેતાએ જણાવ્યું કે ચૌટાલા અને બીરેન્દ્ર સિંહના પરિવાર વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે બીજેપી-જેજેપી ગઠબંધન તુટવાનું મોટું કારણ બની શકે છે. જોકે હજુ નક્કી નથી કે બીજેપી હિસારથી બૃજેન્દ્ર સિંહને મેદાનમાં ઉતારશે કે નહીં પણ ચૌટાલા પરિવાર નિશ્ચિત પોતાના પરિવારના કોઇ સદસ્યને અહીંથી આગામી લોકસભા ચૂંટણી લડાવવા ઇચ્છે છે. બની શકે તે ચૌટાલા પરિવાર દુષ્યંતના નાના ભાઇ દિગ્વિજયને અહીંથી ચૂંટણી લડાવે. તે સોનીપત લોકસભા અને જીંદ વિધાનસભાથી કિસ્મત અજમાવી ચુક્યા છે પણ બન્ને સ્થાને પરાજય થયો હતો.
બીજેપી અને જેજેપી બન્ને આ સીટથી ચૂંટણી લડવા માંગે છે. જો બીજેપી હિસારથી બૃજેન્દ્રને રિપીટ ના કરે તો પણ પાર્ટી આ સીટ ગઠબંધનના નામે જેજેપી માટે છોડશે નહીં.
પ્રેમ લતાને ઉમેદવાર જાહેર કરી ચુકી છે બીજેપી
હરિયાણાના બીજેપી ઇન્ચાર્જ અને ત્રિપુરાના પૂર્વ સીએમ બિપ્લવ દેવ વર્ચ્યુઅલી ઉચાના કલા વિધાનસભાથી પ્રેમ લતાને 2024ની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરી ચુક્યા છે. આ જાહેરાત પછી જેજપીની પ્રતિક્રિયા આવી હતી. જેજેપીનું કહેવું છે કે દુષ્યંત આ સીટથી પ્રેમ લતાને 48 હજારથી વધારે વોટથી હરાવી ચુક્યા છે અને અહીંથી ફરી ચૂંટણી લડશે.
બીજેપી સૂત્રોએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે હાલમાં જ જેપી નડ્ડા, અમિત શાહ, બિપ્લવ દેવ, મનોહર લાલ ખટ્ટર અને હરિયાણાના બીજેપી અધ્યક્ષ ઓમ પ્રકાશ ધનખડની હરિયાણામાં ગઠબંધનને લઇને મીટિંગ થઇ હતી. હવે જલ્દી તેના પર નિર્ણય લેવામાં આવશે.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચો.