ભાજપના નેતા યશપાલ બેનામની પુત્રીના લગ્ન મુસ્લિમ યુવક સાથે થઇ રહ્યા હતા, જે હવે તે રદ કરવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલો અનુસાર , ઉત્તરાખંડના ભાજપના નેતા યશપાલ બેનામને ભારે વિવાદ – વિરોધને કારણે મુસ્લિમ વ્યક્તિ સાથે તેમની પુત્રીના લગ્ન રદ કરવાની ફરજ પડી છે. આ લગ્ન 28 મે, 2023ના રોજ થવાના હતા.
લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થયું
પૌરી મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન યશપાલ બેનામને પોતાની પુત્રીના મુસ્લિમ યુવક સાથેના લગ્નની નિંદા અને વિરોધને પગલે આ રદ કર્યા છે. તાજેતરમાં બેનામની પુત્રી મોનિકા અને ઉત્તર પ્રદેશના અમેઠીના રહેવાસી મોહમ્મદ મોનિસના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયામાં ઘણુ વાયરલ થયું હતું. પુત્રીના લગ્ન મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાના નિર્ણયથી ભાજપના સમર્થકો અને વિરોધીઓ બંને દ્વારા બેનમની ટીકા કરવામાં આવી હતી.
વિરોધના કારણે લગ્ન રદ્દ કરવા પડ્યા
મીડિયા રિપોર્ટ અનુસાર પૂર્વ ધારાસભ્ય બેનામે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે દીકરીની ખુશી માટે તેઓ તેના લગ્ન મુસ્લિમ યુવક સાથે કરાવવા માટે રાજી થયા હતા. પરંતુ સોશિયલ મીડિયા પર અને સ્થાનિક સ્તરેથી આવી રહેલી પ્રતિક્રિયાના કારણે લગ્નનો કાર્યક્રમ હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે. યશપાલ બેનામે કહ્યું કે મારે જનતાનો અવાજ પણ સાંભળવો પડશે. તેમણે કહ્યું કે, પૌડી શહેરમાં 28 મેના રોજ જે લગ્ન થવાના હતા તે હવે રદ કરવામાં આવ્યા છે.
ભાજપના નેતાએ કહ્યુ કે, એવો માહોલ સર્જાયો હતો, તેને ધ્યાનમાં રાખતા કન્યા અને વર પક્ષના પરિવારોએ સાથે બેસીને આ નિર્ણય લીધો છે કે જનપ્રતિનિધિ હોવાને કારણે તેમને પોલીસ સાથે રાખીને લગ્નપ્રસંગ કરાવવુ શોભતું નથી. પરિસ્થિતિ સાનુકુળ ન હોવાને કારણે બંને પરિવારોએ નક્કી કર્યુ કે, આ લગ્ન કેન્સલ કરવામાં આવે. આ પૂર્વે ભાજપ નેતા બેનામે કહ્યુ હતુ કે, આ 21મી સદીના યુવા છે અને બાળકોને પોતાના નિર્ણયો સ્વયં લેવાનો સંપૂર્ણ અધિકાર છે. આ મામલે કોઈને પણ કોઈ વાંધો ન હોવો જોઈએ. તો બીજી બાજુ મોનિસના પિતા રઈસે 28 મેના રોજ યોજાનાર લગ્નનો કાર્યક્રમ રદ કરવા પાછળ કોઈ કારણ આપ્યું ન હતું.
હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો
શુક્રવારે હિન્દુ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ, ભૈરવ સેના અને બજરંગ દળે કોટદ્વાર, પૌડીમાં આ લગ્નનો વિરોધ કરતા પ્રદર્શન કર્યુ હતુ. તેઓએ બેનામના પૂતળાનું પણ દહન કર્યું હતું. આવા લગ્નોને ખોટા ગણાવતા વિશ્વ હિન્દુ પરિષદના પૌડીના કાર્યકારી જિલ્લા પ્રમુખ દીપક ગૌરે કહ્યું હતું કે, “યશપાલ બેનામની પુત્રીએ કાં તો ઈસ્લામ ધર્મ અંગીકાર કરવો જોઈએ અથવા તેના ભાવિ જમાઈએ હિન્દુ ધર્મ અપનાવવો જોઈએ.” દીપક ગૌરે કહ્યું કે અમે આ પ્રકારના લગ્નનો સખત વિરોધ કરીએ છીએ.