BJP poster : ભાજપે ગુરુવારે રાહુલ ગાંધીને દશાનન તરીકે દર્શાવતું પોસ્ટર શેર કર્યું હતું અને તેમને નવા યુગના રાવણ ગણાવ્યા હતા. જેના પર કોંગ્રેસે વળતો પ્રહાર કરતા કહ્યું કે આ તેમના પૂર્વ અધ્યક્ષ વિરુદ્ધ હિંસા ભડકાવવાનો પ્રયાસ છે, પરંતુ પાર્ટી તેનાથી ડરવાની નથી. ભાજપે એક્સ પર કોંગ્રેસ નેતાની તસવીર શેર કરતા લખ્યું નવા જમાનાનો રાવણ અહીં છે. તે ખરાબ છે, ધર્મ વિરોધી છે, રામ વિરોધી છે, તેનો ઉદ્દેશ્ય ભારતને નષ્ટ કરવાનો છે. ગ્રાફિક્સ દ્વારા ફિલ્મના પોસ્ટર જેમ આ તસવીરના શીર્ષ પર લખવામાં આવ્યું છે કે ભારત ખતરે મે હૈ. રાહુલ ગાંધીની તસવીર પર રાવણ લખેલું છે. જ્યારે આ તસવીરના નીચેના ભાગમાં અ કોંગ્રેસ પાર્ટી પ્રોડક્શન અને જ્યોર્જ સોરોસ દ્વારા નિર્દેશિત લખવામાં આવ્યું છે. જ્યોર્જ સોરોસ અમેરિકન અબજોપતિ છે અને ભાજપ તેમના પર ભારત વિરુદ્ધ એજન્ડા ચલાવવાનો આરોપ લગાવી રહી છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે ભાજપના સત્તાવાર હેન્ડલ પર રાહુલ ગાંધીને રાવણ તરીકે દર્શાવતા ખરાબ ગ્રાફિક પાછળનો અસલી હેતુ શું છે? તેનો સ્પષ્ટપણે એક જ હેતુ છે – એક કોંગ્રેસ સાંસદ અને પક્ષના ભૂતપૂર્વ અધ્યક્ષ સામે હિંસા માટે ઉશ્કેરવા અને ભડકાવવા. જેમના પિતા અને દાદીની હત્યા તે તાકાતોએ કરી હતી જે ભારતને તોડવા માંગતા હતા.
તેમણે દાવો કર્યો હતો કે વડા પ્રધાન દરરોજ જૂઠું બોલીને માનસિક રીતે બીમાર અને આત્મસંતુષ્ટિના વિકારથી પીડિત હોવાનો પુરાવો આપવો એ એક બાબત છે. પરંતુ તમારી પાર્ટી તરફથી આવી નફરતથી ભરેલી સામગ્રી બનાવવી એ સંપૂર્ણપણે અસ્વીકાર્ય જ નહીં, પરંતુ ઘણું ખતરનાક પણ છે. અમે ડરવાના નથી.
આ પણ વાંચો – જોધપુરમાં પીએમ મોદીએ કહ્યું – લાલ ડાયરીમાં નોંધાયેલા છે કોંગ્રેસના રહસ્યો, ભાજપની સરકાર બનતા જ સામે આવશે સત્ય
તેમણે 1945માં એક મેગેઝિનમાં પ્રકાશિત થયેલા કાર્ટૂનને ટાંકીને દાવો કર્યો હતો કે ગાંધી અને કોંગ્રેસ હંમેશા ભાજપ અને તેના વૈચારિક પૂર્વજોના નિશાના પર રહ્યા છે. આ કાર્ટૂન 1945માં અગ્રણી પત્રિકામાં પ્રકાશિત થયું હતું, નાથુરામ ગોડસે તેના સંપાદક હતા. તીર ચલાવવારમાં એક સાવરકર છે. ગાંધી અને કોંગ્રેસ હંમેશા તેમના નિશાના પર રહ્યા છે, પરંતુ ના ત્યારે ડર્યા હતા, આ આજે ડર્યા છીએ અને ભવિષ્યમાં પણ ડરવાના નથી.
સીડબ્લ્યૂસીના સભ્ય ગુરદીપ સપ્પલે પણ મેગેઝિનમાં છપાયેલા ફોટોગ્રાફને ટાંકીને દાવો કર્યો હતો કે ભાજપના વૈચારિક પૂર્વજોએ મહાત્મા ગાંધી સહિત 10 સ્વાતંત્ર્ય સેનાનીઓને દશાનન તરીકે રજૂ કર્યા હતા. હાલ ભાજપ એ જ મહાપુરુષોનો વારસો અપનાવવાનો પ્રયાસ કરી રહી છે.
સપ્પલે ભાજપની પોસ્ટને રિપોસ્ટ કરતા કહ્યું કે એકવાર તમારા પૂર્વજોએ આવું જ એક કાર્ટૂન પ્રકાશિત કર્યું હતું. અન્ય લોકો સિવાય તેમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નેહરુને રાવણ તરીકે દર્શાવ્યા હતા. જ્યારે વિનાયક દામોદર સાવરકર અને શ્યામા પ્રસાદ મુખર્જીને રામ અને લક્ષ્મણના રૂપમાં દર્શાવ્યા હતા.