Karnataka BJP President : કર્ણાટકમાં ભાજપે મોટો દાવ રમતા પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાના પુત્ર બી વાય વિજયેન્દ્રને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપી છે. વિધાનસભા ચૂંટણીમાં મળેલા પરાજય પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જાણકારી માટે જણાવી દઇએ કે આ વર્ષે યોજાયેલી કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસે મોટો વિજય મેળવ્યો હતો. બીજેપીનો ખરાબ રીતે પરાજય થયો હતો. આ પછી ભાજપે આ પગલું ભર્યું છે.
પાર્ટીએ રાજ્યની કમાન બીએસ યેદિયુરપ્પાના પુત્ર બી વાય વિજયેન્દ્રને સોંપી છે. હવે રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવા માટે આ મોટી જવાબદારી વાય વિજયેન્દ્રને સોંપવામાં આવી છે. બી વાય વિજયેન્દ્ર અગાઉ બીજેવાયએમના કર્ણાટક એકમના મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ વ્યવસાયે વકીલ પણ છે. 2020માં તેમને ભાજપના કર્ણાટક એકમના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વિજયેન્દ્રને તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની 25 સભ્યોની ચૂંટણી પ્રચાર સમિતિમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – રાહુલ ગાંધી હજુ સુધી પ્રચાર માટે રાજસ્થાન કેમ નથી ગયા? જીતની ઓછી સંભાવના કે અન્ય કોઇ છે કારણ
અહીં એ સમજવું જરૂરી છે કે લાંબા સમય સુધી જ્યારે બીએસ યેદિયુરપ્પાની તબિયત સારી ન હતી, ત્યારે તેમના પુત્રએ ન માત્ર તેમના વિસ્તારના કામનું ધ્યાન રાખ્યું, પરંતુ ભાજપના પ્રચાર અભિયાનમાં પણ સક્રિય ભૂમિકા ભજવી. હવે તે મહેનતનું ફળ તેમને ભાજપના પ્રદેશ પ્રમુખ બનીને મળ્યું છે. આ સમયે વિજયેન્દ્ર સામે અનેક મોટા પડકારો છે. તેમણે કર્ણાટકમાં મહેનત કરવી પડશે, સાથે જ ભાજપ ફરી કેવી રીતે દક્ષિણમાં પ્રવેશ કરી શકે છે તેનો વિચાર કરવો પડશે.
કર્ણાટકની હાર ભાજપ માટે મોટો ઝટકો હતો, કારણ કે દક્ષિણના રાજકારણમાંથી પાર્ટીનો સફાયો થઈ ગયો છે. દક્ષિણમાં કર્ણાટક એકમાત્ર એવું રાજ્ય હતું જ્યાં ભાજપે પોતાની સરકાર બનાવી હતી પરંતુ આ વર્ષની હારે તે પણ છીનવી લીધું. આવી સ્થિતિમાં વિજયેન્દ્ર સામે હવે ઘણા પડકારો છે અને ઘણા એવા સમીકરણો છે જેને સંતુલિત કરવા પડશે અને પછી ભાજપને મજબૂત બનાવવું પડશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 136 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપને 65 બેઠકો મળી હતી. જેડીએસની વાત કરીએ તો તેને માત્ર 19 સીટોથી જ સંતોષ માનવો પડ્યો હતો.





