નાણા પ્રધાન નિર્મલા સીતારમને 1 ફેબ્રુઆરી, 2023ના રોજ કેન્દ્રીય બજેટ 2023-24 સંસદમાં રજૂ કર્યું છે. સંસદમાં બજેટ રજૂ કરતી વખતે તેમણે પહેરેલી સાડી ઘણી ચર્ચામાં થઇ રહી છે. આજે બજેટ રજૂ કરતી વખતે તેમણે જે લાલ રંગની સાડી પહેરી હતી તેનું વજન માત્ર 800 ગ્રામ છે અને તે દક્ષિણ ભારતની બહુ પ્રખ્યાત પરંપરાગત સાડી છે. ચાલો જાણીયે આ સાડી વિશે વિગતવાર
કર્ણાટકની પરંપરાગત ‘કસુતી’ સાડીનું વજન 800 ગ્રામ
નાણાંમંત્રી નિર્મલા સીતારમને સંસદમાં બજેટ રજૂ કરતી વખતે લાલ રંગની સાડી પહેરી હતી. આ સાડી કર્ણાટકની પરંપરાગત કસુતી એમ્બ્રોઇડરીવળી સાડી છે. આ સાડી હેન્ડલૂમથી તૈયાર કરવામાં આવે છે અને તેને ‘ઇલકલ’ સિલ્ક સાડી કહેવાય છે. આ સાડીનું વજન લગભગ 800 ગ્રામ હતું.

નાણાં મંત્રીએ કર્ણાટકની પરંપરાગત સાડી પહેરી
નિર્મલા સીતારમણ કર્ણાટકથી રાજ્યસભાના સભ્ય છે. આથી તેમણે બજેટ રજૂ કરતી વખતે પણ કર્ણાટકની પરંપરાગત સાડી પહેરી હતી. સાડી પર કસુટી જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ સાથે પરંપરાગત ભરતકામ કરવામાં આવ્યું હતું. જે ધારવાડ પ્રદેશની વિશેષતા છે. આ સાડીમાં હાથ વડે ભરતકામ કરાય છે, જેમાં સામાન્ય રીતે રથ, હાથી, મંદિરના ગોપુરમ, મોર, હરણ અને કમળની ડિઝાઇન હોય છે.

બજેટ વખતે નાણાં મંત્રીએ જે લાલ રંગની સાડી પહેરી હતી તેમાં રથ, મોર અને કમળની ડિઝાઇન હતી. 800 ગ્રામનું વજન ધરાવતી આ સાડી ધારવાડમાં આરતી હિરેમઠની માલિકીની ‘આરતી ક્રાફ્ટ્સ’ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. હિરેમઠે જણાવ્યું કે, તેમને ડિસેમ્બરમાં આ સાડીનો ઓર્ડર મળ્યો હતો.
તેમણે ઉમેર્યુ કે, “અમને નાણાં મંત્રી નિર્મલા સીતારમન માટે સાડી બનાવવાની ખુશી હતી. જો કે, અમને એ વાતની ખબર ન હતી કે સીતારમન આ સાડી ક્યારે પહેરશે. અમે બે કસુતી સાડીઓ મોકલી હતી. જ્યારે અમે બજેટ દરમિયાન ટીવી પર સીતારમનને આ સાડી પહેરેલા જોયા તો અમે ખૂબ જ ખુશ થયા.





