Interim Budget 2024 By FM Nirmala Sitharaman: ડિસેમ્બર પૂરો થવાનો છે અને તેની સાથે વર્ષ 2023 પણ. દર વખતની જેમ નવા વર્ષમાં 1લી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. જો તમે કેન્દ્રીય બજેટ 2024માં કોઈ મોટી જાહેરાતની રાહ જોઈ રહ્યા છો, તો તમે નિરાશ થશો. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે (7 ડિસેમ્બર 2023) જણાવ્યું હતું કે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે આ વોટ ઓન એકાઉન્ટ બજેટ હશે જે લોકસભા ચૂંટણી પહેલા આવશે.
નાણામંત્રીએ કહ્યું, ‘એ વાત સાચી છે કે 1 ફેબ્રુઆરી, 2024ના રોજ આવનાર બજેટ એક વોટ ઓન એકાઉન્ટ હશે કારણ કે અમે ઇલેક્શન મોડમાં એટલે કે ચૂંટણીની તૈયારીઓમાં છીએ. તેથી સરકાર જે બજેટ રજૂ કરશે તે નવી સરકારની રચના પહેલા તમામ સરકારી ખર્ચને પહોંચી વળવા માટે જ રજૂ કરવામાં આવશે.
સીઆઈઆઈ ગ્લોબલ ઈકોનોમિક પોલિસી ફોરમને સંબોધિત કરતા સીતારમણે કહ્યું કે બજેટના સમયે દેશ 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણીની તૈયારી કરી રહ્યો હશે.
નાણામંત્રીએ કહ્યું, ‘વોટ ઓન એકાઉન્ટ બજેટના સમયે કોઈ મોટી જાહેરાત કરવામાં આવતી નથી. તેથી, તમારે નવી સરકારની રચના અને જુલાઈ 2024 માં સંપૂર્ણ બજેટ રજૂ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.
1 ફેબ્રુઆરી, 2024 ના રોજ, નિર્મલા સીતારમણ લોકસભામાં 2024-25 નાણાકીય વર્ષ માટે વચગાળાનું બજેટ રજૂ કરશે. ભારતમાં નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલ 2024થી શરૂ થશે.
અરુણ જેટલી બીમાર પડ્યા બાદ નાણાં મંત્રાલયનો વધારાનો હવાલો સંભાળતા પીયૂષ ગોયલે 2019માં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર સતત બીજી વખત સત્તામાં આવ્યા બાદ નિર્મલા સીતારમને નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમણે 5 જુલાઈ, 2019ના રોજ સંપૂર્ણ બજેટ રજૂ કર્યું.
વોટ ઓન એકાઉન્ટ શું છે? (What Is Vote On Account)
હકીકતમાં, વોટ ઓન એકાઉન્ટ દ્વારા નવી સરકાર ચાર્જ સંભાળે ત્યાં સુધી કેટલાક જરૂરી ખર્ચાઓની વ્યવસ્થા કરવામાં આવે છે. સરકારોએ ભૂતકાળમાં વોટ ઓન એકાઉન્ટ દરમિયાન કોઈ મોટી નીતિની જાહેરાત કરવાનું ટાળ્યું હતું, પરંતુ મોટી જાહેરાતો કરવા પર કોઈ બંધારણીય પ્રતિબંધ નથી.
વર્ષ 2019ના વચગાળાના બજેટમાં મોટી જાહેરાતો થઇ હતી
વર્ષ 2019માં રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં, પીયૂષ ગોયલે 12 કરોડ ખેડૂતોને પ્રતિ વર્ષ 6,000 રૂપિયાની રોકડ સહાયની જાહેરાત કરી હતી. ઉપરાંત મિડલ ક્લાસ માટે કરવેરા રાહતોની પણ જાહેરાત કરવામાં આવી હતી. તેમાં પગારદાર વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન 40,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવાનો સમાવેશ થાય છે. ઉપરાંત, વચગાળાના બજેટ 2019માં વ્યક્તિગત કરદાતાઓ માટે પાંચ લાખ રૂપિયા સુધીની કરપાત્ર વાર્ષિક આવક પર સંપૂર્ણ કર મુક્તિની જાહેરાત કરવામાં આવી હતી. એટલે કે, જેમની વાર્ષિક આવક રૂ. 5 લાખ છે તેવા કરદાતાઓ માટે કોઈ ટેક્સ ચૂકવવાની જરૂર રહેશે નહીં.





