Budget 2024 : નિર્મલા સીતારામને નાણાંકીય વર્ષ 2024-25 માટે મોદી સરકારનું બીજું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. નાણાં મંત્રીના નિર્મલા સીતારામનના બજેટ 2024 પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સરકારના વચગાળાના બજેટ પર પ્રતિક્રિયા આપતા તેને દેશના ભવિષ્યનું નિર્માણ કરવા માટેનું બજેટ ગણાવ્યું હતું.
બજેટ વિકસિત ભારતના ચાર સ્તંભો – યુવાનો, ગરીબો, મહિલાઓ અને ખેડૂતો પર કેન્દ્રિત – પીએમ મોદી
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજનું વચગાળાનું બજેટ સર્વસમાવેશક હોવાની સાથે-સાથે નવીનતાસભર પણ છે. આ બજેટમાં સાતત્યનો વિશ્વાસ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ બજેટ વિકસિત ભારતના ચાર સ્તંભો – યુવાનો, ગરીબો, મહિલાઓ અને ખેડૂતો પર કેન્દ્રિત છે. દરેકને સશક્ત બનાવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ બજેટ દેશના ભવિષ્ય માટેનું બજેટ છે. આ બજેટ 2047ના વિકસિત ભારતના પાયાને મજબૂત બનાવવાની ખાતરી આપે છે. હું નાણાં મંત્રી અને તેમની સંપૂર્ણ ટીમને અભિનંદન આપું છું.
પીએમ મોદીએ કહ્યું કે અમે એક મોટું લક્ષ્ય નક્કી કર્યું છે, તેને પ્રાપ્ત કરીએ છીએ અને પછી પોતાને માટે મોટું લક્ષ્ય નક્કી કરીએ છીએ. ગામડાં અને શહેરોમાં ગરીબો માટે અમે 4 કરોડથી વધુ મકાનોનું નિર્માણ કર્યું છે અને હવે વધુ 2 કરોડ મકાનોનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. અમે 2 કરોડ કરોડપતિ દીદી બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું હવે તેને વધારીને 3 કરોડ કરવામાં આવ્યું છે. આજે જાહેર થયેલી નવી આવકવેરા યોજનાથી મધ્યમ વર્ગના એક કરોડ લોકોને મોટી રાહત મળશે.
આ પણ વાંચો – બજેટ 2024 : નિર્મલા સીતારામને EV સેક્ટરને લઇને બે મોટી જાહેરાત કરી
બજેટ યુવા ભારતની યુવા પેઢીની આકાંક્ષાઓને દર્શાવે છે – પીએમ મોદી
પીએમએ જણાવ્યું હતું કે આ બજેટ યુવા ભારતની યુવા પેઢીની આકાંક્ષાઓને દર્શાવે છે. આજના બજેટમાં દેશમાં રિસર્ચ અને ઇનોવેશનને મજબૂત કરવા માટે ફંડ બનાવવા માટે 1 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. 11,11,111 કરોડના મૂડીખર્ચમાં ઐતિહાસિક વધારાનું બજેટ પણ રજૂ કરવામાં આવ્યું છે. રૂફટોપ સોલાર અભિયાનમાં 1 કરોડ પરિવારોને મફત વીજળી મળશે. લોકો સરકારને વધારાની વીજળી વેચીને દર વર્ષે 15-20 હજારની કમાણી કરશે.





