ઉત્તર પ્રદેશના બસ્તીમાં એક માર્ગ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. બસ્તી જિલ્લાના ખજૌલા પાસે નેશનલ હાઈવે 28 ઉપર માર્ગ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત નીપજ્યા છે. એસએસપી દીપેન્દ્ર નાથ ચૌધરીએ જણાવ્યું હતું કે એક કાર રસ્તા પાસે ઊભેલી ટ્રકમાં ધડાકાભેર અથડાઈ હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની તપાસ ચાલું છે.
મળતી માહિતી પ્રમાણે આ અકસ્માત 23 ઓક્ટોબર રાત્રે લગભઘ આઠ વાગ્યે થયો હતો. જ્યારે લખનઉથી ગોરખપુર તરફ જઈ રહેલી કાર ખઝોલા પોલીસ ચોકી પાસે ઉભેલા કન્ટેઇનર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. કારની સ્પીડ એટલી તેજ હતી કે આગળનો આખો ભાગ કેન્ટેઇનરમાં ઘૂસી ગયો હતો. મુંડેરવા પોલીસ સ્ટેશનમાં આવતા નેશનલ હાઇવે 28 ઉપર આ ઘટના ઘટી હતી.
કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. તમામના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. મળતી માહિતી પ્રમાણે કારમાં સવાર પરિવાર લખનઉથી સંતકબીર નગર જઈ રહ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
ઘટના સ્થળે પહોંચીને પોલીસે કારમાંથી તમામના મૃતદેહ બહાર કાઢીને હોસ્પિટલ પહોંચ્યા હતા. બધા જ મૃતકો એજ પરિવારના હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટના સ્થળ ઉપર પહોંચેલા ઉચ્ચ અધિકારીઓએ ઘટનાની જાણકારી મેળવી હતી.
એક જ પરિવારના પાંચ લોકોના મોત
ઘટનાને નજરે જોનારા વ્યક્તિઓ પ્રમાણે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ગેસ કટર મંગાવીને કારને કાપીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. કારમાંથી કાઢવામાં આવેલા ચારેય લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એકની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલી આપાયો હતો જ્યાં રસ્તામાં જ તેનું પણ મોત નીપજ્યું હતું. મૃતકોમાં બે પુરુષો, બે મહિલાઓ અને એક યુવતીનો સમાવેશ થાય છે.
લખનઉ એક્સપ્રેસ વે ઉપર અકસ્માત
ગોરખપુરથી અજમેર જઈ રહેલી બસ આગરા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. અકસ્માત શનિવારે રાત્રે 2 વાગ્યે થયો હતો. જેમાં 45 યાત્રીઓ ભરેલી ખાનગી સ્લીપર બસને પાછળથી ડંપરે ટક્કર મારી દીધી હતી. ઘટનાસ્થળ પર જ ચાર લોકોના મોત નીપજ્યા હતા. બસમાં સવાર 42 યાત્રીઓ ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.