વર્ષ 2023ના પહેલા દિવસે મોટી સંખ્યામાં અકસ્માતના સમાચારો આવી રહ્યા છે. દિલ્હીમાં એક સિનિયર સિટીઝન કેર હોમમાં આગ લાગવાની ઘટના બાદ હવે રાજસ્થાનમાં કાર- ટ્રક વચ્ચે ભયંકર અક્સમાત થયાના સમાચાર આવ્યા છે.
રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં ઈંટો લઈને જઇ રહેલી ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ અને આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે અને અન્ય એક વ્યક્તિને ઈજા થઈ છે.
આ દુર્ઘટના રાજસ્થાનના રાવતસર-સરદારશહેર હાઈવે પર બિસરાસર ગામ પાસે શનિવારે મોડી રાત્રે ઘટી છે. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકોએ સ્થાનિક હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.
મુખ્યમંત્રી અશોક ગેહલોતે શોક વ્યક્ત કર્યો હતો
આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકના મોત થવા અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ ઘાયલ લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. પલ્લુ સ્ટેશન હાઉસ ઓફિસર ગોપી રામે જણાવ્યું હતું કે, “ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અન્ય બે લોકોના સ્થાનિક હોસ્પિટલમાં મોત થયા હતા. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે બિકાનેર રીફર કરવામાં આવ્યો હતો.
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ગોપી રામે કહ્યું, “શનિવારની રાત્રે લગભગ 10.30 વાગ્યે રાવતસર-સરદારશહર હાઈવે પર એક ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. કારમાં સવાર 6 લોકોમાંથી 3ના ઘટનાસ્થળે અને બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયા હતા. એક ઘાયલને બીકાનેર રીફર કરવામાં આવ્યો છે.
પોલીસ અધિકારી ગોપી રામે જણાવ્યુ કે, ટ્રક પલ્લૂથી સરદાર શહેર તરફ જઇ રહી હતી. આ કરુણ અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોની ઓળખ થઇ ગઇ છે. મૃત્યુ પામનાર લોકોના નામ રાજૂ મેઘવાલ, દાનારામ બબલૂ અને મુરલી શર્મા છે. આ અકસ્માત થયા બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો છે અને પોલીસ તેની શોધ કરી રહી છે.
શનિવારે ગુજરાતમાં થયેલા અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો હતો
નોંધનિય છે કે, શનિવારે ગુજરાતના નવસારીમાં પણ આવો જ એસયુવી અને બસ વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો, જેમાં 9 લોકોના દર્દનાક મોત થયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 32 લોકો ઘાયલ થયા હતા. આ એક્સિડેન્ટ અમદાવાદ મુંબઇ હાઇવે પર થયો હતો.