સીબીઆઈએ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં રવિવારે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાની બીજા રાઉન્ડની પૂછપરછ પછી સાંજે ધરપકડ કરી છે. મનીષ સિસોદિયાને સોમવારે કોર્ટમાં હાજર કરવામાં આવશે. આ પહેલા રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા પછી સિસોદિયા સીબીઆઈ કાર્યાલય પહોંચ્યા હતા. આ પહેલા સીબીઆઈએ 17 ઓકટોબરે સિસોદિયાની પૂછપરછ કરી હતી.
સીબીઆઈ મુખ્યાલય જતા પહેલા મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે આજે ફરી સીબીઆઈ ઓફિસ જઇ રહ્યો છું. તપાસમાં પુરો સહયોગ કરીશ. જો મારે કેટલાક મહિના જેલમાં રહેવું પડશે તો મને કોઇ ફરક પડતો નથી. હું ભગતસિંહનો અનુયાયી છું. આ પ્રકારના ખોટા આરોપોથી જેલ જવું નાની વાત છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું મનીષ નિર્દોષ છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે મનીષ નિર્દોષ છે. તેમની ધરપકડ ગંદી રાજનીતિ છે. મનીષની ધરપકડથી લોકોમાં ઘણો ગુસ્સો છે. લોકો બધુ જોઈ રહ્યા છે. લોકોને બધુ સમજમાં આવી રહ્યું છે. લોકો તેનો જવાબ આપશે. આનાથી અમારો ઉત્સાહ વધારે વધશે. અમારો સંઘર્ષ વધારે મજબૂત થશે.
આ પણ વાંચો – રાહુલ ગાંધીએ કહ્યું- 52 વર્ષ થઇ ગયા પણ અલ્હાબાદથી લઇને દિલ્હી સુધી મારી પાસે ઘર નથી
મનીષ સિસોદિયા પર આવી રીતે સીબીઆઈએ ગાળીયો કસ્યો
17 ઓગસ્ટ, 2022 – CBI FIR માં સિસોદિયા આરોપી નંબર 1
19 ઓગસ્ટ, 2022 – મનીષ સિસોદિયાના ઘરે CBIની રેઇડ
30 ઓગસ્ટ, 2022 – મનીષ સિસોદિયાના બેંક લોકર તપાસ્યા
17 ઓક્ટોબર, 2022 – મનીષ સિસોદિયાની 9 કલાક સુધી સીબીઆઈ પૂછપરછ
25 નવેમ્બર, 2022 – CBI ચાર્જશીટ દાખલ, મનીષ સિસોદિયાનું નામ નહીં
15 જાન્યુઆરી, 2023- મનીષ સિસોદિયાની ઓફિસમાં સીબીઆઈએ કોમ્પ્યૂટર જપ્ત કર્યા
18 ફેબ્રુઆરી, 2023- મનીષ સિસોદિયાને CBIનું સમન્સ
19 ફેબ્રુઆરી, 2023- મનીષ સિસોદિયાની માંગણી પર CBIએ આપ્યો સમય
26 ફેબ્રુઆરી, 2023 – મનીષ સિસોદિયાની CBIએ કરી ધરપકડ
27 ફેબ્રુઆરી, 2023 – મનીષ સિસોદિયાને કોર્ટમાં હાજર કરવામાં આવશે
મોદી જી તમારી તાનાશાહીનો અંત જરૂર થશે – સંજય સિંહ
મનીષ સિસોદિયાની ધરપકડ પછી આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહે બીજેપી સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્રની મોદી સરકારે તાનાશાહીની હદ કરી દીધી છે. અદાણી સામે કોઇ કાર્યવાહી થઇ રહી નથી. અરવિંદ કેજરીવાલથી બીજેપીને ડર લાગે છે. તેના મોડલથી ડર લાગે છે. મોદી જી તમારી તાનાશાહીનો અંત અવશ્ય થશે.